મુલતાની માટીને સૌંદર્યનો ખજાનો કહેવાય છે. સાથે જ તે નેચરલ કંડીશનર અને બ્લીચ પણ છે. મુલતાની માટી સૌંદર્ય નિખારવા અને બેદાગ ત્વચા મેળવવા માટેનો સૌથી સસ્તો અને આયુર્વેદિક નુસખો છે. બધાં જ પ્રકારના ફેસપેકમાં મુલતાની માટીનો બેસ રાખવામાં આવે છે. મુલતાની માટી એટલી અસરકારક છે કે તેના નિયમિત ઉપયોગથી તમે તમારા રૂપને નિખારી આકર્ષક બનાવી શકો છો. ખીલની સમસ્યાથી હેરાન લોકો માટે મુલતાની માટીનો પ્રયોગ સૌથી કારગર ઈલાજ છે કારણ કે મુલતાની માટી ચહેરા પરનો વધારાનો ઓઈલ શોષી લે છે. જેના કારણે ખીલ સૂકાઈ જાય છે. સાથે જ તે ચર્મરોગોને દૂર કરવા અને ત્વચાને મુલાયમ રાખવા માટે પણ બહુ જ લાભકારી છે. મુલતાની માટીમાં અનેક પ્રકારના મિનરલ્સ જેમ કે મેગ્નેશિયમ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલ્સાઈટ વગેરે હોય છે. જેથી આજે અમે તમને મુલતાની માટીનો વિવિધ વસ્તુઓ સાથે મિક્ષ કરીને કઈ રીતે ઉપયોગ કરવો તે જણાવીશું.
મુલતાની માટી અને સરસિયાનું તેલ
ચહેરાને ઝડપથી ગોરો બનાવવા માટે 2 ચમચી મુલતાની માટી, 1 ચમચી સરસિયાનું તેલ, 1 ચમચી મલાઈ અને ચપટી હળદર મિક્ષ કરી લેવું. આ પેસ્ટને સ્નાન પહેલા થોડી વાર લગાવી રાખવું. સપ્તાહમાં બેવાર આનો ઉપયોગ કરવો. આનાથી તમારો કાળો રંગ ધીરે-ધીરે નિખરવા લાગશે. આ એક સચોટ ઉપાય છે.
મુલતાની માટી અને મધ
આ ઉપાય પણ ઓઈલી સ્કિન માટે કારગર છે. મુલતાની માટી અને મધમાંથી બનેલું પેક ત્વચામાંથી ઓઈલને ત્વચામાં રહેલા ઓઈલને ઓછું કરવા માટે અને હળવું ટોન કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે 2 ચમચી મુલતાની માટી, 2 ચમચી મધ અને તેમાં ગુલાબ જળના કેટલાક ટીપાં નાખવા. પછી તેને મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે તેને ફેસ પર 20 મિનિટ માટે લગાવીને પછીથી ઠંડા પાણીથી ધોઈ લેવું. ફરક તમે જાતે જ અનુભવશો. આ ઉપાય નિયમિત કરવો.
મુલતાની માટી અને દહીં
આ ફેસ પેક બધાં જ પ્રકારની ત્વચા માટે પ્રાકૃતિક ઉપાય છે. જો તમારી ત્વચા ઓઈલી કે ડ્રાય નથી અને તમને તમારી ત્વચાનો પ્રકાર ખબર નથી પડતી અને તમારી ત્વચા મિશ્રિત પ્રકારની છે તો આ ઉપાય નિયમિત કરવાથી તમારી ત્વચાની સમસ્યા દૂર થશે અને ત્વચા ચમકીલી બનશે. તેના માટે 2 ચમચી મુલતાની માટી, 2 ચમચી દહીં અને એક ચમચી લીંબૂનો રસ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. હવે ચહેરા પર લગાયા બાદ સૂકાય ત્યાં સુધી રહેવા દેવું. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લેવું. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ત્વચા સંબંધી બધી જ સમસ્યાઓ દૂર રહેશે.
મુલતાની માટી અને ચંદન
મુલતાની માટી અને ચંદનનું મિશ્રણ ખીલ-ખાડા અને દાણાની સમસ્યા માટે પ્રભાવી સાબિત થાય છે. આનો ઉપયોગ કરવા માટે સરખા પ્રમાણમાં મુલતાની માટી અને ચંદન લેવું. તમે ઈચ્છો તો એમાં એક ચમચી બેસન પણ મિક્ષ કરી શકો છો. હવે થોડું ગુલાબ જળ મિક્ષ કરીને આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખવું. આ પેક લગાવવાથી ખીલ-ખાડામાંથી તો છુટાકારો મળશે, સાથે જ ત્વચા પણ ચમકદાર બનશે.
મુલતાની માટી અને પપૈયું
એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિનનો સારો સ્ત્રોત હોવાની સાથે પપૈયું સૌંદર્યવર્ધક પણ માનવામાં આવે છે. તેના માટે એક નાનો કપ પપૈયાનું પલ્પ લઈ તેમાં મુલતાની માટી અને મધ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરવી. ત્યારબાદ તેને ચહેરા પર લગાવવું. સૂકાઈ ગયા બાદ ધોઈ લેવું. આવું નિયમિત કરવાથી તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક આવશે તાજગી રહેશે અને ચહેરાની ત્વચા સ્વસ્થ રહેશે.
મુલતાની માટી અને ઈંડુ
આ ઉપાય કરવાથી ત્વચાનો રંગ સાફ રહે છે અને ચહેરા પર નિખાર પણ આવે છે. તેના માટે એક ચમચી મુલતાની માટીના પાઉડરમાં એક ઈંડાનો સફેદ ભાગ અને ફુદીનાના પાનને પીસીને બનાવેલી પેસ્ટ મિક્ષ કરવી. આ પેક સપ્તાહમાં ત્રણવાર લગાવવોય આ પેક લગાવવાથી ખીલ અને કરચલીઓની સમસ્યા દૂર થાય છે. દરેક પ્રકારની ત્વચા માટે મુલતાની માટી બે ચમચી, એક ઈંડાનો સફેદ ભાગ અને બે મોટી ચમચી દહીં, થોડુંક બેકિંગ પાઉડર અને એક ચમચી મધ મિક્ષ કરીને ચહેરા પર 15થી 20 મિનિટ લગાવી ધોઈ લેવું.
મુલતાની માટી અને ફળોનો રસ
મુલતાની માટીનો ઉપયોગ દહીં, દૂધ સિવાય ફળો અને શાકભાજીઓના રસ સાથે પણ કરી શકાય છે. ફળોના રસ સાથે મુલતાની માટી મિક્ષ કરીને લગાવવાથી ત્વચાના રોમછિદ્રો ખુલે છે. મુલતાની માટી, નારંગીની છાલનો પાઉડર અને જવનો લોટ મિક્ષ કરીને ચહેરા અને ગરદન પર લગાવવાથી રોમ છિદ્રો સાફ થાય છે ખીલની સમસ્યા થતી નથી.
મુલતાની માટી અને હળદર
હળદરમાં અનેક ગુણો રહેલા છે જેમાંથી એક છે ત્વચાને ચમકીલી અને સ્વસ્થ બનાવવી. મુલતાની માટીમાં થોડું મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી ખીલની સમસ્યામાં ફાયદો થાય છે. તેના માટે 2 ચમચી મુલતાની માટી, અડધી ચમચી હળદર અને 2 ચમચી મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવીને લગાવવી. સૂકાઈ ગયા બાદ ધોઈ લેવું. થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી ફાયદો તમે જાતે અનુભવશો.
મુલતાની માટી અને ગુલાબ જળ
મુલતાની માટી અને ગુલાબ જળનો ફેસપેક ઓઈલી સ્કિન માટે બહુ જ ફાયદાકારક હોય છે અને ગરમીમાં કારગર રહે છે. આ ફેસપેક બનાવવા માટે સરખા પ્રમાણમાં ગુલાબ જળ અને મુલતાની માટી લઈને બરાબર મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાવી દેવું. હવે ઠંડા પાણીથી સરખી રીતે ધોઈ લેવું. આ ફેસ પેક લગાવવાથી તમારી ત્વચા વધુ ડ્રાય પણ નહીં થાય અને ઓઈલી સ્કિનની સમસ્યા પણ દૂર થઈ જશે. આ ફેસપેક લગાવવાથી ઓઈલી સ્કિનને કારણે થતી ત્વચાની સમસ્યાઓમાં ફાયદો થાય છે સાથે જ ત્વચાને શીતળતા મળે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર