ભારતીય મૂળના શુભમ બેનર્જીએ માત્ર ૧૩ વર્ષની ઉમરમાં સિલિકોન વેલીમાં પોતાની કંપની ખોલીને ઇતિહાસ રચી નાંખ્યો છે. શુભમની કંપની ઓછી કિંમત ધરાવતા બ્રેલ પ્રિન્ટર બનાવશે. આ વિશેષ પ્રિન્ટર નેત્રહીનો માટે ઘણા જ ઉપયોગી સાબિત થશે. આઇટી કંપની ઇન્ટેલ કોર્પોરેશને તાજેતરમાં જ શુભમની કંપની બ્રેગો લેબ્સમાં રોકાણ કર્યું છે.
ગયા વર્ષે શુભમે એક દિવસ પોતાના પિતાને પૂછ્યું હતું કે નેત્રહીન લોકો કેવી રીતે વાંચે છે? પિતાએ જવાબ આપ્યો કે, ગુગલમાં સર્ચ કરીને જોઇ લે. શુભમે ત્યારે ઓનલાઇન સર્ચ કર્યું તો તે એ જોઇને ચોંકી ગયો કે બ્રેલ પ્રિન્ટરની કિંમત ૨૦૦૦ ડોલર છે અને તેનો વજન ૨૦ પાઉન્ડ છે. શુભમને લાગ્યું કે મોટાભાગના નેત્રહીનો માટે આ ઘણું જ મોંઘુ છે અને વજનદાર છે. બાદમાં તેણે ૩૫૦ ડોલરની કિંમત અને અમુક પાઉન્ડ વજનનું એક બ્રેલ પ્રિન્ટર બનાવવાનું વિચાર્યું.
શુભમે દિવસ રાત આકરી મહેનત કર્યા બાદ સસ્તું બ્રેલ પ્રિન્ટર બનાવવામાં સફળતાં હાસલ કરી. ઇન્ટેલના અધિકારી શુભમના આ પ્રિન્ટરથી ઘણા જ પ્રભાવિત થયા અને તેમણે આ પ્રોજેક્ટ માટે અમુક રકમનું રોકાણ પણ કર્યું હતું. અધિકારીઓનું માનવું છે કે અત્યારસુધીમાં જે સાહસિકોને નવા રોકાણ માટે રકમ આપવામાં આવી છે, તેમાં શુભમ સૌથી નાની ઉમરનો છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર