દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે.
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે.
દ્વારકા શબ્દ ‘દ્વાર ‘ અને ‘કા‘ એમ બે શબ્દોથી બનેલ છે. ‘દ્વાર‘નો અર્થ થાય છે, દરવાજો/માર્ગ જ્યારે ‘કા‘નો અર્થ છે. ‘બ્રહ્મ‘, સંયુક્ત અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ છે. બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ/રસ્તો.
ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી મૂળ દ્વારકાનું નામ હતું દ્વારાવતી. એને બીજાં નામો પણ હતા – કૃશસ્થલી, ઉષામંડલ અને આનર્તપુરી વગેરે. જૂના જમાનામાં દ્વારકામાં બૌદ્ધો, જૈનો, ઈજિપ્શિયનો, આરબો પણ આવ્યા. દ્વારકાક્ષેત્ર પ્રાચીન કાળથી અનેક સંપ્રદાયોનું આશ્રયસ્થાન રહ્યું છે. એક સમયે અહીં વૈષ્ણવ સંપ્રદાયનો સુવર્ણયુગ પ્રવર્તમાન હતો.
મહાભારતકાળના અવશેષ સમાન ઊલૂખલ દ્વારકાની શાન છે. ઊલૂખલ એટલે પથ્થરમાંથી કોતરવામાં આવેલાં વિરાટ ખાંડણીયાં. આમાંના કેટલાય ખાંડણીયા તૂટી ગયા છે અને અમુક તો નાશ પામી રહ્યા છે.
એક હજાર કરતાં વધારે વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરનાં દર્શનાર્થે દેશના ચારે ખુણેથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસ અન્ય મંદિરોમાં અનિરુધ્ધજી, પુરૂષોત્તમજી, દેવકીજી, વેણીમાધવ, બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં 500 વર્ષની અંદર બંધાયેલ સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી, સરસ્વતી વગેરેના મંદિરો પણ છે.
આ મંદિર, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.
કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી. જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલ છે.