જ્યારે એક બાળકને સુવડાવવાની જવાબદારી કોઇ પિતાને સોંપવામાં આવે ત્યારે તેમને પરસેવા છૂટી જતા હોય છે. કારણ કે, માતાના લોરી સંભળાવવા અથવા પીઠ થપથપાવવાની રીત પર ભાગ્યે જ કોઇ પિતા અમલ કરી શકે છે. જોકે હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમાં એક પિતા પોતાના બાળકને માત્ર ટિશ્યૂ પેપરના ઉપયોગથી 42 સેકન્ડમાં સુવડાવવામાં સફળ રહે છે. આ પિતાનું નામ નાથાન ડેલ્લો છે અને તે સિડનીમાં રહે છે.
નાથાને બનાવેલા આ ટ્રિકી વીડિયોને અત્યારસુધી 13 લાખથી વધુ લોકોએ યુટ્યૂબ પર નિહાળ્યો છે. નાથાને વીડિયો સાથે લખ્યું કે,‘હું તમામ માતા-પિતાને બાળકને સુવડાવવા માટે નવી ટ્રીક શિખડાવવા માંગુ છું. મે માત્ર એક નાના ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરી મારા 3 માસના બાળકને સુવડાવવામાં સફળતા મેળવી હતી.’
નાથાનના પુત્ર શેઠને વીડિયોની શરૂઆતમાં રમતા જોઇ શકાય છે. જોકે ટિશ્યૂ પેપરના ઉપયોગથી તે 42 સેકન્ડમાં જ સુઇ જાય છે. આ વીડિયો જોનારા યૂઝરે કોમેન્ટ કરી કે,‘આભાર, મે આ ટ્રિકનો ઉપયોગ કરી પાંચ વખત મારા બાળકને સુવડાવ્યું છે.’
સૌજન્ય
દિવ્ય ભાસ્કર