પાકિસ્તાનના યુવા ઓલરાઉન્ડર પ્લેયર હરિસ સોહેલે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની એક હોટલમાં ભૂત હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ મેનેજમેન્ટે સોહેલ માટે બીજા રૂમની વ્યવસ્થા કરી હતી. સોહેલ રાત્રે એટલો બધો ડરી ગયો હતો કે તેને તાવ આવી ગયો હતો. પાકિસ્તાનની ટીમ હાલ વર્લ્ડકપની તૈયારી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.
મીડિયામાં આપેલા રિપોર્ટ પ્રમાણે સોહેલ રાતે પોતાની રૂમમાં ડરી ગયો હતો અને તેને પોતાની રૂમમાં કોઈ ભૂત હોવાનો ભાસ થયો હતો. બીકનો માર્યો તે બીજા રૂમમાં ચાલ્યો ગયો હતો અને પોતાનો રૂમ બદલવાની ફરિયાદ કરી હતી. બીકના માર્યા સોહેલને તાવ પણ આવી ગયો હતો. આ ઘટના બાદ હોટલ મેનેજમેન્ટે સોહેલને બીજો રૂમ આપ્યો હતો. પાકિસ્તાનના ક્રિકેટરને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તેવો પ્રથમ બનાવ છે.
1989માં પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલો હેરિસ સોહેલ ઓલરાઉન્ડર છે. સોહેલે 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. સોહેલ અત્યાર સુધી 9 વન-ડે અને ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી ચુક્યો છે. વન-ડેમાં હેરીસે 40ની એવરેજથી 208 રન બનાવ્યા છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર