દુનિયામાં જાતિ, ધર્મ, દેખાવની દષ્ટિએ ભલે જુદા-જુદા લોકો વસતા હશે પણ હકીકતમાં તો સમાજના મોટાભાગના લોકો દિવસ દરમ્યાન ખાવાનું, કામ કરવાનું અને રાત્રે મનોરજંન માણી સૂઈ જવાનું એમ લગભગ એકસરખું જ જીવન જીવે છે. આધુતિકતાની દોડ સાથે આજે દરેક માણસ માનસિક કે શારીરિક કોઈને કોઈ સમસ્યાથી પણ પિડાઈ રહ્યો છે અને એના ઉપચાર શોધવાનો પ્રયાસ પણ આદિકાળથી માણસ કરતો આવ્યો છે. ડોકટરો એક ઉપચાર શોધે છે ત્યાં તેમને પડકારતા નવા બીજો રોગો જન્મે છે.
આ બધી બીમારીઓ દૂર કરવા માટે ઇલાજ પણ એટલાં જ ઉપલબ્ધ છે, જેમાં એલોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી, નેચરોપથી, યોગાસન, સ્વમૂત્રથેરેપી, સંગીત-હાસ્ય થેરેપી, એક્યુપંકચર, એક્યુપ્રેશર વગેરે જેવી ૧૫૦ થેરેપી માણસોને સ્વસ્થ કરવા માટે કામ કરી રહી છે. છતાં, શું કારણ છે કે દુનિયા આખી પર વિજય મેળવનારી માનવજાત વિવિધ રોગ સામે હારી રહી છે? શું માણસના શરીરમાં કાંઈ ખામી છે કે પછી ઉપચારમાં? આ બધા સવાલોનો જવાબ એક અનોખી પદ્ધતિ પાસે છે, જે એવી પદ્ધતિ છે જેમાં કોઈપણ જાતની દવા કે સારવાર કર્યા વગર માણસ સાજો થઈ શકે છે.
વાત માનવામાં ના આવે પણ આજે આ પદ્ધતિ નવી ભોજન પ્રથાના નામે પ્રચલિત થઈ રહી છે, જેમાં લોકો કોઈ પણ દવા કે સારવાર લીધા વગર માત્ર ભોજનમાં ફેરફાર કરીને સાજા થઈ રહ્યા છે. આના નિષ્ણાતો કહે છે માણસે હકીકતમાં રોગોનાં મૂળને સમજવામાં જ થાપ ખાધી છે ખરેખર બધી બીમારીઓનું મૂળ અસાત્વિક ભોજન છે, ગીતામાં રાજસી અને તામસી ભોજનને રોગ માટે જવાબદાર કહ્યું છે, જયારે સાત્વિક ભોજન આરોગવાથી માણસ નિરોગી રહી લાંબુ જીવન જીવી શકે છે.
આનું ઉદાહરણ આપતાં નિષ્ણાતો કહે છે કે, કુદરતી આવાસમાં રહી કોઈપણ જાતનો તળેલો કે બાફેલો ખોરાક ના ખાનાર જંગલી પ્રાણીઓને આવા રોગો થતા નથી પણ જો તેમને કોઈક અસુખ વર્તાય તો તેઓ પોતાનો ઈલાજ પોતાની આંતરસ્ફૂરણાથી જાતે જ કરી લે છે, જેમકે કયારેય ઘાસ ન ખાતો કૂતરો પેટમાં ગડબડ લાગે ત્યારે ઘાસ ખાઈ લે છે જેનાથી તેને ઉલ્ટી થઈ જાય છે અને તેનું પેટ સાફ થતાં તેને રાહત લાગે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મોટાભાગના પ્રાણીઓ માંદા પડે ત્યારે ખાવાપીવાનું છોડી દે છે.
આનો અર્થ એમ થયો કે બીમારી દરમિયાન ઉપવાસ કરવો એ સાજા થવાનો હાથવગો ઉપચાર છે. નવી ભોજન પ્રથામાં પણ દર્દીનો નિદાન કરવા માટે આ પહેલો સિદ્ધાંત છે, સાધારણ દર્દીથી લઈ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા મોટા રોગોના દર્દીઓ શરૂઆત ઉપવાસ રાખીને કરે છે, જેમાં સવારે ઉઠયા પછી તેઓ ૬ કલાક સુધી ઉપવાસ રાખે છે. ઉપવાસ બાદ તેઓ ફળ અને કાચાં શાકભાજી લઈ શકે છે ને રાત્રે એક ટાઈમ રાંધેલુ પણ જમી શકે છે. ભોજનમાં માત્ર આટલો ફેરફાર કરી લોકો રોગમાંથી તો મુક્ત થઈ રહ્યા છે જ સાથે જિંદગીભર સ્વસ્થ જીવવાના હકદાર પણ બન્યા છે.
આ પ્રથા છેલ્લાં બે વર્ષથી પાળનાર મુંબઈના ઘાટકોપરમાં રહેનારા ગિરીશ દોશી કહે છે કે, મને હેવી બ્લડપ્રેશર હતું ૧૮૦-૧૯૦ જેટલું, જેથી મારે રોજ દવા ખાવી પડતી હતી, પણ માત્ર ભોજનમાં જ ફેરફાર કર્યા પછી મારું બ્લડપ્રેશર માત્ર અઢી મહિનામાં જ નોર્મલ ૧૧૦- ૧૨૦ જેટલું થઈ ગયું હતું. આજે હું લગભગ ૯ કલાક ઉપવાસ રાખું છું અને આના વિશે લોકોને માર્ગદર્શન પણ આપું છું .
નવી ભોજન પ્રથા શરૂ કરવામાં ઉપવાસ પહેલું ચરણ હોવાથી ડાયાબિટીસ કે બ્લડપ્રેશરના દર્દીઓ આને અપનાવતી વખતે હંમેશાં ચિંતા અનુભવે છે. મને પણ એવું થયું હતું, પણ મન મક્કમ રાખી, મેં શરૂઆતમાં રોજ ઉઠીને ૨ કલાક ઉપવાસ રાખ્યા હતા. હેવી ડાયાબિટીસના દર્દીઓનેે અમે શરૂઆતમાં માત્ર એક કલાક ઉપવાસ રાખવાનું કહીએ છીએ સાથે તે લોકો પોતાની દવા પણ ચાલુ રાખી શકે છે. આ ચાર-પાંચ દિવસે ઉપવાસનો સમય ગાળો વધારતું જવાનું સાથે પોતાની બ્લડશુગર પણ ચેક કરાવતાં રહેવાનું. ધીરે-ધીરે થોડા જ મહિનામાં બ્લડશુગર કાબુમાં આવી જશે ને તમે વગર દવા લઈ સંપૂર્ણ સ્વસ્થ રહી શકશો.’’
આમાં ઉપવાસ રાખવાની સાથે ઉપવાસ પછી કેવા પ્રકારનું ભોજન લેવું એ પણ ખૂબ મહત્વનું છે. જેમાં નિષ્ણાતો ફકત કુદરતી આહાર આરોગવા પર ભાર મુકે છે. હીના ટુર્સના સંચાલક જિતુભાઈ કહે છે, ‘‘અમે પહેલાં તો આને ચિકિત્સા ગણતા જ નથી. એક સાધના જ માનીએ છીએ. હું આ સાધના છેલ્લા ઐક વર્ષથી કરું છું. સારું અને સાચું ભોજન લેવાથી તન અને મન બન્ને શુદ્ધ રહે છે જેના લીધે આપણા વિચાર, વાણીમાં અને વર્તનમાં પણ સાત્વિકતા આવે છે.’’ આ પદ્ધતિના પ્રસારકો દૂધને શરીર માટે એકદમ હાનિકારક માને છે. નવી ભોજન પ્રથા સાથે ૧૮ વર્ષથી જોડાયેલા બી.બી. ચૌહાણ કહે છે, સાચું કહું તો શરૂઆતમાં મને પણ માત્ર ભોજનથી સાજા થવા વિશે સંશય હતો પણ આજે હું પોતે શિબિરો યોજી લોકોનો સંશય દૂર કરી રહ્યો છું. મેં આ પદ્ઘતિ ચાલુ કર્યા પછી શરુઆતનાં નવ વર્ષ તો જાત પર જ પ્રયોગો કર્યા’’.
આમ, માત્ર ભોજનમાં ફેરફાર કરવાથી જ સારું અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી શકાય તો તેનો લાભ લેવા જેવા જેવું તમને નથી લાગતું? (આ લેખમાં રજુ થયેલાં મંતવ્ય નવી ભોજનપ્રથાના ચિકિત્સકો-પ્રસારકો અને શિબિરાર્થીઓનાં છે.)
સંકલન : ઈન્ટરનેટપરથી