નારિયેળ પાણીને આરોગ્ય માટે હિતકારી માનવામાં આવે છે. હાલ ગ્રીષ્મ ઋતુમાં સૂરજ દાદા કોપાયમાન થયા છે ત્યારે નારિયેળ પાણી શરીરને ઠંડક સાથે અનેક ફાયદા પણ કરાવે છે.
ચામડી બાળી નાંખતી ધોમધખતી ગરમીમાં પણ તમને ફાયદો કરી આપે તો તે છે નારિયેળનું પાણી એટલે કે સામાન્ય રીતે ઓળખાતું તરોપાનું પાણી! ગરમીમાં બપોરે જો તેની થોડીક ચૂસકીઓ લો તો તે તમારા દિલો-દિમાગમાં તાઝગી અને ઠંડક ભરી દેશે. તેમાં ઘણા બધાં પૌષ્ટિક તત્વો ભર્યા પડ્યાં છે જેમકે મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે. જ્યારે જ્યારે પણ આપણા શરીરમાં પ્રવાહીની ઉણપ વર્તાવા માંડે છે ત્યારે ડિહાઈડ્રેશન થાય છે, અને તેવા સમયે જો તરોપાનું પાણી પીવામાં આવે તો તમારા શરીરને તુરંત હાઈડ્રેટ કરી રક્ષણ પૂરું પાડે છે અને તે રીતે હાઈડ્રેટેડ કરી નાંખતા વાર લાગતી નથી.
વળી, નારિયેળનું પાણી નિયમિત ધોરણે રોજેરોજ એકવાર પીવામાં આવે તો શરીરની સમગ્ર પાચનક્રિયાને સક્રિય બનાવી મૂકે છે અને શરીરમાં પ્રાકૃતિક સ્ત્રાવોના ઝરપવામાં વેગ આણે છે. આમ તેનાથી સારી અને સ્વાસ્થ્યવર્ધક પાચનક્રિયા નિરંતર કાર્યરત રહે છે. એવું પણ સાંભળવા મળે છે કે તરોપાનું પાણી મૂત્રમાર્ગના રોગને દૂર રાખે છે. તેમાં મૂત્રવર્ધક ગુણધર્મો છે અને તે કિડનીમાં પથરી બનતી અટકાવી શકે છે. સમાજમાં એવી પણ એક હકીકત પ્રચલિત છે કે સગર્ભા યુવતીને નારિયેળ પાણી આપવું જરૂરી છે. તેના સેવનથી પ્રતિકારકશક્તિમાં વૃદ્ધિ થાય છે અને તે માંદગી તથા અન્ય ચેપથી દૂર રાખી શકે છે. તદુપરાંત નવજાત શિશુને સુંદર સ્વાસ્થ્ય અને સૌંદર્ય પણ પૂરું પાડે છે.
આજકાલ મેદસ્વિતાનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે. નારિયેળ પાણી એક સમતોલ પીણું ગણાતું હોવાથી તેમાં ચરબીનું પ્રમાણ ઓછું છે. વધુ પડતું ખા-ખા કરવાથી ચરબી વૃદ્ધિ થાય છે. આ પાણી પીવાથી પેટ-ધરાઈ ગયું છે એવી લાગણી ઉદ્દભવે છે અને તે ઓછું-ખાવાની લાગણી જન્માવે છે, ઊનાળાની ગરમીમાં જ્યારે વધુ ગરમી લાગે ત્યારે હોટેલના પીણાં પીવાને બદલે કુદરતી અને તંદુરસ્તી બક્ષે તેવું નારિયેળ પાણી નામનું પીણું સર્વોત્તમ વિકલ્પ છે, તે તમારી માત્ર તરસ જ છીપાવતું નથી, બલકે, તમને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. ઘણાને મસલ ક્રેમ્પસ થાય છે, પોટેશિયમની અછતને કારણે તેમ થાય છે. સ્નાયુઓના ખેંચાણ થવાના દર્દોને નારિયેળમાં પાણીનું હાઈ પોટેશિયમ સયોજન દૂર રાખી શકે તેમ છે.
કુદરતી પીણામાં થાયેમાઈન, વેન્ટોથેનિક એસિડ અને રિબોફ્લાવિન જેવા પૌષ્ટિક તત્ત્વો આદમીના દુશ્મનસમા તણાવ, દબાણ અને ચિંતાનો ઘટાડો કરે છે. ઊનાળામાં મોડે સુધી રાત્રે ઠંડકમાં પાર્ટી માણી હોય અને બીજે દિવસે સવારે મગજ ભારે-ભારે લાગતું હોવાની લાગણી સાથે ઊઠવાનું થાય તો તેવી પરિસ્થિતિમાં પણ નારિયેળ પાણી જાદુઈ અસર પહોંચાડી જાય છે. આમ જોઈએ તો નારિયેળ(તરોપા)પાણી સામાન્ય રીતે પણ અસામાન્ય ફાયદાઓ પૂરા પાડી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે એક અગ્રિમ ક્રમ ધરાવે છે.