બપોર પછી આવું બોર્ડ દુકાનદારે લગાવી દીધું હતું.
સિડની ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સેમિફાઇનલ મેચનાં પગલે વલસાડ શહેરમાં ક્રિકેટ ફીવર છવાઇ ગયો હતો. જેને લઇ માર્ગો સૂમસામ થઇ ગયાં હતાં. બજારોમાં પણ ગ્રાહકો ન ફરકતાં દૂકાનદારો પણ ક્રિકેટ મેચ જોવામાં મસ્ત રહ્યાં હતાં. જો કે સાંજે ભારતની હારનાં પગલે ક્રિકેટ રસિયાઓમાં નિરાશા છવાઇ હતી. મોબાઇલ ઉપર વોટસ એપ ઉપર ભારતીય ક્રિકેટરો સામે ટીકાઓનો મારો ચલાવાયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. ગુરૂવારે સવારે નવ વાગ્યાથી ક્રિકેટ પ્રેમીઓ કામકાજ પડતાં મૂકીને મેચ નિહાળવા ટીવી સામે ગોઠવાઇ ગયાં હતાં. કેટલાય લોકોએ રજા પણ મૂકી દીધી હતી. ભારતે બપોરે 2 વાગ્યે દાવની શરૂઆત સારી કરતાં ક્રિકેટ પ્રેમી યુવાનો બાઇક લઇને હાથમાં તિરંગો પકડી માર્ગો ઉપર નિકળી પડ્યાં હતાં. ભારતની જીતની અપેક્ષા સાથે ઉત્સાહ અને આનંદ સાથે યુવાનોએ માર્ગો ઉપર બાઇકનાં ફેરા લગાવ્યાં હતાં. શહેરનાં માર્ગો ઉપર સન્નાટો જોવા મળ્યો હતો. બજારમાં પણ લોકોની પાંખી અવરજવર રહી હતી. જો કે ભારત ઓસ્ટ્રેલિયાનાં રન સ્કોરને ચેઇઝ કરવામાં નિષ્ફળ રહેતાં ક્રિકેટ રસિયાઓમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. મોબાઇલ ઉપર ક્રિકેટ રસિયાઓએ નિરાશા સાથે ભારતીય ટીમનાં નિષ્ફળ રહેલા ક્રિકેટરો સામે વોટસ એપ ઉપર ટીકા ટિપ્પણી શરૂ થઇ ગઇ હતી. જ્યારે દૂકાનદારોઅે પણ ક્રિકેટની વાતો કરવી નહિં, ધંધો કરવા દો જેવાં બોર્ડ લગાવી દીધાં હતાં.
આખો દિવસ મેચ જોવા બગડ્યો: ક્રિકેટ પ્રેમી:
શહેરનાં ક્રિકેટ પ્રેમી હિતેશ શાહે જણાવ્યું કે, સવારથી આખો દિવસ ભારત ઓસ્ટ્રેલિયાની મેચ જોવામાં બગડી ગયો. ભારતની જીતની પાકી આશા હતી, કારણ કે ભારત સતત મેચ જીત્યું હતું, પરંતુ સેમિ ફાઇનલમાં હારી જતાં નિરાશા મળી છે.
દૂકાન ઉપર ક્રિકેટની વાતો નહીં કરવા બોર્ડ માર્યુ: વેપારી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ મેચ જોવા માટે સવારથી જ ઉમંગ હતો. પરંતુ ધોની આઉટ થયાં બાદ દૂકાનમાં આવતાં ગ્રાહકોને ક્રિકેટની વાતો કરતાં રોકવા બોર્ડ લગાવવું પડ્યું હતું. મેચ જોવા માટે સમય ફાળવ્યો પરંતુ નિરાશા સાંપડતાં ક્રિકેટની વાતો કરી ટાઇમ નહીં બગાડવા બોર્ડ ઉપર લખાણ લખી દેવાની ફરજ પડી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર