આજકાલ ટેલિવિઝન પર સેન્સિટિવ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટની અઢળક જાહેરાતો આવે છે. વધુ પડતું ગરમ કે ઠંડું ખાવાને લીધે જ્યારે દાંત કચકચે અથવા તો વાઇબ્રેશન ફીલ થાય ત્યારે દાંતની એ કન્ડિશનને સેન્સિટિવિટી કહેવાય છે. જે વ્યક્તિને આ પ્રકારની સમસ્યા હોય તે જ સમજી શકે છે કે તેનો આ પ્રોબ્લેમ ખરેખર કેટલો ગંભીર છે. આઇસ્ક્રીમનું એક સ્કૂપ પણ ખાઈ ન શકાય, ઠંડા પાણીનો હંમેશાં માટે ત્યાગ કરવો પડે, ગરમ ચાની લહેજત ન લઈ શકાય, વધુ પડતું એસી કે ઠંડું ટેમ્પરેચર પણ જેનાથી વધારે સહન ન થાય, ફક્ત ગરમ કે ઠંડું જ નહીં, વધારે ખાટું કે મીઠું પણ ન ખાઈ શકાય. આ તો થઈ દેખીતી પરિસ્થિતિ, પરંતુ દાંતની સેન્સિટિવિટી આટલાથી અટકતી નથી. જેથી આજે અમે તમને દાંતની સેન્સિટિવિટી એટલે શું અને કયાં કારણોસર થાય અને એનાથી બીજી શું તકલીફ થઈ શકે તેના વિશે જણાવીશું.
દાંતની સેન્સિટિવિટી એટલે શું?
વધારે પડતું ઠંડું કે ગરમ ખાવાથી દાંત જે સેન્સેશન અનુભવે એને દાંતની સેન્સિટિવિટી કહેવાય, પરંતુ તેવું કઈ રીતે થાય છે? દાંતનું જે ઉપરનું લેયર હોય છે એ ખૂબ જ મજબૂત હોય છે એને ઇનેમલ કહે છે. ઇનેમલની નીચે બીજું લેયર હોય છે એને ડેન્ટિન કહેવાય છે, જેમાં ઘણી બધી નસોનાં છેડા હોય છે અને ડેન્ટિનની નીચે એક ત્રીજું લેયર હોય છે, જેને પલ્પ કહેવામાં આવે છે. કુદરતની રચના એવી છે કે પલ્પ અને ડેન્ટિનના રક્ષણ માટે ઇનેમલ હોય, જે ખૂબ જ મજબૂત હોવાને કારણે દાંતનું રક્ષણ થાય છે. કોઈ પણ કારણસર જ્યારે ઇનેમલ ઘસાઈ જાય ત્યારે એનું અંદરનું લેયર ડેન્ટિન ખાદ્ય પદાર્થો અને બહારના વાતાવરણ સામે એક્સપોઝ થાય છે. આ લેયરમાં નસોનાં છેડા હોય છે, જે આ પ્રકારના એક્સપોઝર સામે રીએક્ટ કરે છે તેથી દાંતમાં સેન્સિટિવિટીનો અનુભવ થાય છે.
પેઢાં નીચે ઊતરી જાય ત્યારે
જ્યારે માણસની ઉંમર વધતી જાય ત્યારે પેઢાં નીચે ઊતરતાં જાય છે. આથી જ મોટી ઉંમરે વ્યક્તિના દાંત મોટા દેખાય છે. આ કન્ડિશનમાં દાંત મોટા થતા નથી, પરંતુ પેઢાં નીચે ઊતરતા દાંતનાં મૂળ બહાર દેખાય છે, પેઢાંની અંદર રહેલા દાંતનાં મૂળિયાં પર ઇન્સ્યુલેટરનું કામ કરતું ઇનેમલ હોતું નથી. દાંતને પ્રોટેક્ટ કરતું આ લેયર મૂળિયામાં હોતું નથી. માટે જ્યારે પેઢાં નીચે ઊતરી જાય ત્યારે દાંતનાં મૂળ બહાર આવી જાય અને એ ખાદ્ય પદાર્થો અને વાતાવરણ સામે એક્સપોઝ થઈ જાય, જેથી સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ અનુભવાય છે.
એની પાછળનાં કારણો
આજકાલ નાની ઉંમરે પણ દાંતની સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ જોવા મળે છે. જો ઇનેમલ ખૂબ મજબૂત રક્ષણ આપતો પદાર્થ છે તો એવાં કયાં કારણો છે જેને કારણે એ ઘસાઈ જાય છે. એક વસ્તુ સમજવી જરૂરી છે ઇનેમલ સ્ટ્રોન્ગ લેયર છે, પરંતુ આ લેયરની થિકનેસ દરેક વ્યક્તિમાં જુદી-જુદી હોય છે. એને માપી શકાતી નથી. બ્રશ ખૂબ ભાર દઈને કે પ્રેશરથી કરવાને કારણે, વધુપડતી એસિડિટી થતી હોય અને વારંવાર ખાટા ઓડકાર આવતા હોય એ કન્ડિશનમાં એસિડમાં ફ્લોને કારણે, જે વ્યક્તિને દાંત કચકચાવવાની આદત હોય તેના ઇનેમલ ઘસાઈ જવાની શક્યતા રહે છે. આજકાલ ટીથ વાઇટનિંગ અને બ્લીચિંગનો ક્રેઝ પણ લોકોમાં જોવા મળે છે જેને કારણે ઇનેમલ પર અવળી અસર થઈ શકે છે જેથી મેડિકલ સુપરવિઝન હેઠળ આ ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ.
ધ્યાન ન રાખીએ તો શું?
જે લોકોને સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ હોય તે એને લગતા ટ્રિગરિંગ પોઇન્ટ એટલે કે આઇસ્ક્રીમ, ઠંડું પાણી, ગરમ પીણાં, મીઠાઈઓ વગેરે ખાવાનું બંધ કરી દે છે જેથી તેમને તેમની સેન્સિટિવિટીનો અંદાજ નથી આવતો. હકીકતમાં એ બંધ કરવું સારી બાબત છે, પરંતુ ફક્ત એટલું જ પૂરતું છે? ના, સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ થયો પરંતુ આગળ પ્રોબ્લેમ વધે નહીં એ માટે ઇલાજની જરૂર પડે છે. સૌપ્રથમ તો સેન્સિટિવિટી શાને કારણે થઈ શકે છે, એની પાછળનું કારણ શોધવું જરૂરી છે. ધારો કે ખાટા ઓડકારને કારણે એ થયું હોય અને આ પ્રોબ્લેમ ચાલતી રહે તો ઇનેમલ સતત ઘસાયા જ કરે, પ્રોબ્લેમ નર્વએન્ડિંગ અને પલ્પ સુધી પહોંચે અને છેલ્લે રૂટ કેનાલ કરવું પડે છે. માટે જેને સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ હોય તેને ઇલાજની જરૂર હોય છે.
ઇલાજમાં શું?
દાંતની સેન્સિટિવિટી એક બ્રોડ ટર્મ છે, કારણ કે તેમાં પેશન્ટની ઇન્ટેન્સિટી જુદી-જુદી હોય છે. તેથી ઇલાજ પણ એ મુજબ જ કરવામાં આવે છે. ઇલાજમાં એક વસ્તુ સમજવી જરૂરી છે કે જે ઇનેમલ ઘસાઈ ગયું છે એને પાછું લાવી શકાતું નથી. એક વખત એ ગયું, મતલબ ગયું. જ્યારે દાંતની સેન્સિટિવિટીની શરૂઆત હોય ત્યારે અમે ઇલાજરૂપે ડિસેન્સિટાઇઝિંગ ટૂથપેસ્ટ રેકમેન્ડ કરતા હોય જે દાંતની ઉપર એક આર્ટિફિશ્યલ લેયર બનાવે છે, જે દાંતને પ્રોટેક્ટ કરે છે. જો થોડું વધુ ડેમેજ થયું હોય તો દાંતના કલર જેવું જ એક પાતળું પ્રવાહી જેને દાંત ઉપર ફિક્સ કરવામાં આવે જે એક શિલ્ડનું કામ કરે છે અને દાંતને પ્રોટેક્ટ કરે છે. તેનાથી પણ વધુ ડેમેજ હોય તો એક્ચ્યુઅલ ફીલિંગ કરવાની જરૂર પડે છે. આજકાલ ઘણાં ડેન્ટિસ્ટ સેન્સિટિવિટી માટે લેઝર ટ્રીટમેન્ટ પણ રેકમેન્ડ કરતા હોય છે.
બચવા શું કરવું?
સેન્સિટિવિટીના પ્રોબ્લેમથી બચવા માટે દાંતનું રેગ્યુલર હાઇજીન મેઇન્ટેન કરવું જરૂરી છે. દાંત પર વધુ પ્રેશરથી બ્રશ કરવું ન જોઈએ અને દાંતને કચકચાવાની આદત છોડી દેવી જોઈએ. આ ઉપરાંત જો ખાટા ઓડકાર આવતા હોય તો એસિડિટીનો તરત ઇલાજ કરવો જરૂરી છે. દાંતની રચના એવી છે કે જો નાનો પ્રોબ્લેમ હોય તો તેનો અહેસાસ થતો નથી. જ્યારે પ્રોબ્લેમ વધી જાય ત્યારે જ થોડી ખબર પડે છે. આથી ઓછામાં ઓછું વર્ષમાં એક વાર ડેન્ટલ ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર