સાઉથ ઇન્ડિયામાં પ્રવાસની વાત નીકળે એટલે આપણા ગુજરાતીઓ ચિલા ચાલુ કેરળ, તિરૂપતિ, ઊંટી, મુનાર જેવી જગ્યાઓના નામ આપવા લાગે. આપણા ગુજરાતીઓને ફરવાનો શોખ જબરો છે તે વાત તો માની પણ શું તમે મુનાર, ઊંટી, કેરળ સિવાય સાઉથના કેટલાક અજાણ્યા પણ પ્રાકૃતિક સૌદર્યંથી ભરપૂર તેવા પર્યટક સ્થળો પર ગયા છો? તો પછી આજે અમે તમને આવા જ કેટલાક નવા સ્થળો વિષે વાત કરીશું. જે સાઉથ ઇન્ડિયામાં આવેલા છે.
વારંગલ
દક્ષિણ પૂર્વ અને ઉત્તરી તેલંગાનામાં આવેલ આ આકર્ષક શહેર વારંગલ ભારતના દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશનો ભાગ. કકાતિયા શાસકોએ અહીં 12મી થી 14 સદી સુધી રાજ કર્યું. વારંગલને વિશાળ પથ્થર કાપીને બનાવામાં આવ્યું છે. આ શહેર વાસ્તુકળા અને સમુદ્ઘ ઇમારતોનું ઘર છે.
પોર્ટ બ્લેયર
અંડમાન નિકોબાર દ્વિપ સમૂહની રાજધાની પોર્ટ બ્લેયર હવે ખૂબ જ આકર્ષક રોમાંચક પર્યટન સ્થળ બની ચૂક્યું છે. જે પહેલા કાળા પાની તરીકે ઓળખાતું હતું પણ હવે તે તીર્થ સ્થળોનું શહેર બની ગયું છે.
બાદામી
કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલ ચાલુક્ય રાજવંશની રાજધાની એવા બાદામી શહેર તેની ગુફાઓના લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વધુમાં અહીંના ત્રણ શિવ મંદિરો અને કિલ્લો પણ જોવા લાયક છે.
વિજયવાડા
બૈજવાડા કે વિજયવાડાના નામથી પ્રખ્યાત આ શહેર આંધ્રપ્રદેશનું એક ઐતિહાસિક શહેર છે. જે ત્રણ તરફથી પાણી અને એક તરફથી પહાડથી ધેરાયેલું છે. તમે અહીં મંદિર અને ગુફાઓનો વિશાળ સંગમ જોઇ શકશો.
ઇરોડ
તમિલનાડુનું શહેર ઇરોડ એક ખૂબ જ આકર્ષક જગ્યા છે. અહીંની કપડા અને હસ્તકળા ખૂબ જ પ્રખ્યાત છે. માટે જ તેને “લૂમ સીટી ઓફ ઇન્ડિયા” કે “ટેક્સવેલી” પણ કહેવાય છે. તમે અહીંથી ચાદર, ટુવાલ, લૂંગી, સાડીઓ, પ્રિન્ટેડ કપડા ખરીદી શકો છો. વધુમાં તીર્થસ્થળો તરીકે પણ આ શહેર વખણાય છે.
બેકલ
કેરળમાં આવેલ બેકલ શહેર અરબ સાગરના તટ પર આવેલ સુંદર બીચ છે. બેકલ શબ્દ “બલિઅકુલમ” નામથી પડ્યો છે જેનો મતલબ થાય છે “મોટો મહેલ”. બેકલના કિલ્લા સિવાય અહીંના બીચ ખૂબ જ આકર્ષક છે.
ડિંડીગુલ
તમિલનાડુમાં આવેલ ડિંડીગુલ એક સુંદર જગ્યા છે. આ શહેર પિલાની અને સુરુમલાઇ પહાડોમાં વસ્યું છે. અહીં તમે શાહી કિલ્લા અને નદીઓની જોવાની સાથે જ 300 વર્ષ જૂનું રોમન ચર્ચ પણ જોઇ શકશો. ડિંડીગુલ એક સુંદર હિલ સ્ટેશન છે.
અગુમ્બે
તમને ટ્રેકિંગ પસંદ હશે તો તમે આ સ્થળનું નામ સાંભળ્યું જ હશે કારણકે આ છે ટ્રેકરનું સ્વર્ગ. કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલ આ શહેર તેના હરિયાળા અને ધુમ્મસથી છવાયેલા પહાડો, વન્ય પશુ પંખીઓ માટે જાણીતું છે.
દેવીકુલમ
કેરળનું ખૂબજ પ્રસિદ્ધ પ્રાકૃતિક સ્થળ એટલે દેવીકુલમ. તેની પ્રાકૃતિક સુંદરતા માટે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંના કળ કળ વહેતા ઝરણાં. મખમલી ધાસ અને તળાવો તમને મંત્રમુગ્ધ કરી દેશે.
માહે
પોંડિચેરી પાસે આવેલ માહે શહેર તેના બોટ હાઉસ માટે લોકપ્રિય છે અહીં તમે સ્પીડ બોટ, પેડલબોટની મઝા માણી શકો છો. અહીંનું વાતાવરણ એકદમ શાંત અને પ્રાકૃતિમય હોય છે જે પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.