આજકાલ અપૂરતી ઉંઘની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક સંશોધન મુજબ કામની ગુણવત્તામાં જે લોકો ૮ કલાકની પૂરતી ઊંઘ લેતા નથી તેમનો સેલ્ફ કન્ટ્રોલ ઘણો ઓછો હોય છે જેથી તેમની ઇચ્છાશક્તિ નબળી હોય છે. નિષ્ણાતના મત મુજબ ડિપ્રેશન, બાયપોલર ડિસઑર્ડર કે સાઇકોસિસ જેવા સાઇકોલોજિકલ ડિસીઝ પાછળનું કારણ અપૂરતી ઊંઘ હોઈ શકે છે. આ ઉપરાંત મોટા ભાગના મૂડ ડિસઑર્ડર પાછળનું કારણ અપૂરતી ઊંઘ જ છે.
ક્યારેય તમે અવલોકન કર્યું છે કે દરરોજ જો તમે ૧૧ વાગ્યે સૂતા હો એની જગ્યાએ કોઈ દિવસ એક વાગ્યે સૂવો તો બીજા દિવસે તમારી કાર્યશક્તિ થોડી ઘટી હોય એવું લાગે છે અથવા તો ક્યારેક ૬ કલાકની સરખી ઊંઘ ન મળી હોય તો આખો દિવસ તમારો મૂડ ચીડિયો રહે છે, વગર કારણે કોઈ પણ વ્યક્તિ પર ગુસ્સો આવ્યા કરે છે કે કઈક બહારનું તીખું-તળેલું ખાવાની ઇચ્છા થાય છે. જો ક્યારેક ૮ કલાકની ઊંઘમાં પણ વચ્ચે-વચ્ચે ખલેલ પડી હોય તો બીજા દિવસે કશુંક અગત્યનું ભૂલી જવાય અથવા તો લેક્ચરમાં કે મીટિંગમાં જ્યાં ધ્યાન આપવાનું ખૂબ જ જરૂરી છે એવી બાબતોમાં ધ્યાન રહે જ નહીં. કંટાળો આવે કે આળસ આવે એવું બને. જેથી આજે અમે અપૂરતી ઉંઘના કેટલાક ઘાતક પરિણામો અને પૂરતી ઉંઘના ફાયદાઓ વિશે જણાવીશું.
માનસિક સમસ્યા
આ બધી સામાન્ય લાગતી ઘટનાઓ ચિંતાનું કારણ બની શકે છે જો આ ઊંઘનો પ્રૉબ્લેમ એક દિવસને બદલે લગભગ દરરોજનો કે લાંબા ગાળાનો બની જાય. ઊંઘને અને સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સને ઘણો જ ગાઢ સંબંધ છે. ઘણી વખત લોકોને લાગે છે કે સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સ ફક્ત લાગણી અને મનના ઇમબૅલૅન્સને કારણે થાય છે, પરંતુ એવું નથી. ઊંઘ જો પૂરતી ન હોય તો મન અને મનની સ્થિતિ બધું જ વણસી શકે છે.
તાજેતરમાં હર્ટર્ફોડશર યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટે કરેલા સંશોધન મુજબ જે લોકો ૭ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમનો વિલપાવર એટલે કે ઇચ્છાશક્તિ નબળી હોય છે. આ સાઇકોલૉજિસ્ટે સાબિત કર્યું કે જેટલા વધુ તમે અપૂરતી ઊંઘના શિકાર બનો છો એટલો વિલપાવર ઘટતો જાય છે, કારણ કે થાક વ્યક્તિનો પોતાના પરનો કન્ટ્રોલ ઘટાડે છે. મગજને હંમેશાં વધુ એનર્જીની જરૂર પડતી હોય છે. ખાસ કરીને એવી વસ્તુઓ માટે જેના માટે આપણે તૈયાર હોતા નથી અથવા તો જે કરવી આપણા માટે અઘરી છે એ એનર્જી મગજને ઊંઘ પાસેથી મળે છે.
ઈચ્છાશક્તિ પર અસર
જો ઊંઘ પૂરતી થઈ ન હોય તો એ એનર્જી રહેતી ન હોવાથી તમને રૂટીન સિવાયનાં અઘરાં કામોમાં જે ઇચ્છાશક્તિની જરૂર પડે છે એ કામો થઈ શકતાં નથી. આ ઉપરાંત એક આવા જ સંશોધનમાં સંશોધકોએ જોયું કે ઑફિસ જતા લોકોમાં જે લોકો વધુ સમય ગપ્પા મારવામાં, ગૉસિપ કરવામાં કે ઇન્ટરનેટ બ્રાઉઝ કરવામાં વેડફે છે એ લોકોમાં પણ અપૂરતી ઊંઘનો પ્રૉબ્લેમ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જે લોકોને અપૂરતી ઊંઘનો પ્રૉબ્લેમ હોય છે તેમનામાં ખોરાક માટેની ખોટી પસંદ જોવા મળી હતી, કારણ કે તેઓ મોટા ભાગે ગળી અને ફૅટ્સવાળી વસ્તુઓ જ ખોરાકમાં પસંદ કરતા હતા એવું જોવા મળ્યું હતું. બ્રિટનમાં થયેલા એક બીજા સંશોધન મુજબ મોટા ભાગે જાન્યુઆરી પૂરો થાય એ પહેલાં જ ૮૦ ટકા લોકો નવા વર્ષે લીધેલા રેઝોલ્યુશન્સ તોડી નાખતા હોય છે જેમાંથી ૬૦ ટકા લોકો અપૂરતી ઊંઘના શિકાર હોય છે.
કામની ગુણવત્તામાં ઘટાડો
એક સંશોધન નૉર્થ કૅરોલિના યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાબિત કરવામાં આવ્યું કે ઊંઘની ગુણવત્તા અને લોકોની ફોકસ કે એકાગ્રતા વચ્ચે સીધો સંબંધ છે. આ સંશોધન હૉસ્પિટલમાં કામ કરતી નર્સિસ પર કરવામાં આવ્યું હતું જેમાં જોવા મળ્યું કે જે નર્સ એક રાત પણ ૭ કલાકથી ઓછી ઊંઘ લઈને બીજા દિવસે કામ પર આવે છે તેના કામની ગુણવત્તામાં ફરક પડે છે જેમ કે તેનું કામ ધીમું થઈ જાય છે અને તે દલીલોમાં સમય વેડફે છે.
વર્જિનિયામાં થયેલા આવા જ એક સંશોધનમાં એક સપ્તાહ મોડા સૂતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચીટિંગ વધુ કરે છે એવું સાબિત કરવામાં આવ્યું. અમેરિકામાં અપૂરતી ઊંઘને કારણે ઘટી જતી પ્રૉડક્ટિવિટીને લીધે વર્ષે ૧૫૦ બિલ્યન ડૉલર્સનું નુકસાન થાય છે. ઊંઘ અને માનસિક પ્રૉબ્લેમ વચ્ચેનો સંબંધ પ્રમાણે ‘જેમને મૂડ ડિસઑર્ડર હોય છે એવા દરદીઓમાં અપૂરતી ઊંઘનો પ્રૉબ્લેમ સામાન્ય લોકો કરતાં ત્રણગણો વધારે જોવા મળે છે, જ્યારે અપૂરતી ઊંઘના દરદીઓમાં મૂડ ડિસઑર્ડરનું પ્રમાણ ૪૦ ટકા જેટલું વધારે જોવા મળે છે. આ ઉપરાંત ઊંઘ પૂરી પડતી ન હોય તેવા દરદીઓને અટેન્શન, મેમરીના પ્રૉબ્લેમ્સ થઈ શકે છે જેને કારણે મૂડ પર અસર થાય છે. અપૂરતી ઊંઘ ડિપ્રેશન, નેગેટિવ મૂડ જેમ કે ગુસ્સો, ઈર્ષા, બદલાની ભાવના વગેરે માટે પણ જવાબદાર બનતી હોય છે.
માનસિક કાર્યો પર અસર
અપૂરતી ઊંઘને કારણે માનસિક કાર્યો પર અસર થાય છે. ઊંઘ વગર મગજની પડતી થાય છે. ખાસ કરીને વ્યક્તિનું વર્તન એનાથી અસરગ્રસ્ત થાય છે. એનાથી કોઈ વ્યક્તિને ડિપ્રેશન આવવાની શક્યતા પણ વધી જાય છે. એની સાથે-સાથે સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સ જેમ કે બાયપોલર ડિસઑર્ડર અને સાઇકોસિસ પણ અપૂરતી ઊંઘનાં જ પરિણામો હોય શકે છે, પરંતુ ઊંઘ અને સાઇકોલૉજી બન્નેને જોડતો શારીરિક તાલમેલ મુજબ ‘ઊંઘ ઓછી થતાં મગજના મોટા ભાગના એરિયામાં સ્ટ્રેસ રિસ્પૉન્સ આવવાનું ચાલુ થઈ જાય છે. ઓછી ઊંઘને કારણે મગજનો જે ભાગ લાગણીઓ સાથે સંકળાયેલો છે એને એ અસર કરે છે જેને કારણે નેગેટિવ લાગણીઓ વધી જાય છે. આ ઉપરાંત ઊંઘના પ્રૉબ્લેમ ફ્રન્ટલ લૉબ જે ક્રીએટિવ થિન્કિંગ માટે જવાબદાર છે એને પણ અસર કરે છે.’
છથી આઠ કલાક પૂરતી ઊંઘ લેવાના સાઇકોલૉજિકલ ફાયદા
એકાગ્રતા સારી રહે છે. વ્યક્તિ અટેન્ટિવ રહે છે એટલે કે જાગ્રત રહે છે.
મેમરી ઘણી સારી રહે છે.
કોઈ પણ પ્રકારના નિર્ણયો સારી રીતે લઈ શકે છે અને ઝડપી લઈ શકે છે.
લાંબું અને સ્વસ્થ જીવન જીવે છે.
સ્ટ્રેસ ખૂબ જ ઘટી જાય છે એટલે ડિપ્રેશન આવતા નથી.
ઇચ્છાશક્તિ ઘણી પ્રબળ રહે છે.
મૂડ સ્વિંગ્સ થતા નથી. અચાનક જ ગુસ્સે થઈ જવું કે અચાનક રડવા લાગવું એવા બનાવો બનતા નથી. મૂડ મોટા ભાગે બેલેન્સ્ડ રહે છે.
લાગણીઓ પર અંકુશ લગાવવો સરળ રહે છે. લાગણીમાં તણાઈને કોઈ ખોટું પગલું લેતા નથી. આમ, આવી વ્યક્તિનો સેલ્ફ કન્ટ્રોલ ઘણો સારો હોય છે.