રણ ને ઘરતીનું ‘ગર્મીસ્તાન’ એટલેકે અતિ ગરમ સ્થાન માનવામાં આવે છે. આમાં કોઈ વનસ્પતિ નથી થતી. બસ, જ્યાં નઝર પડે ત્યાં ફક્ત રેતી ને રેતી જ. રણમાં મોજ-મસ્તી કરવાની એક અલગ જ મજા છે. સેંકડો પર્યટકો દરવર્ષે રણમાં વેકેશન કરવા માટે જાય છે. આવી જગ્યાએ સફર કરતી વખતે આમાં ઊંટો પણ હોય છે, જેના પર બેસીને સફર કરવાનો અહેસાહ તમારી યાત્રાને રોમાંચક અને ખાસ બનાવે છે.
ડેઝર્ટ માં રાત વિતાવવાનો અનુભવ એકદમ સરસ હોય છે. કારણકે ખુલ્લી જગ્યામાં આપણે વિરાટ આકાશ પણ જોઈ શકીએ છીએ. આપણા ભારતમાં ગુજરાતમાં અને રાજસ્થાનમાં રણ આવેલ છે, વર્ષ દરમિયાન હજારો પર્યટકો આની મજા માણવા આવે છે. કપલ્સ રણ માં હનીમુન મનાવવા માટે પણ જાય છે.
આમ તો રાજસ્થાન માં તળાવો, મહેલો, બગીચાઓ, કિલ્લો અને ભવ્ય રોયલ મહેલો જોવાલાયક છે, પણ રાજસ્થાન મોટા ભાગે રણના કારણે જ દેશમાં લોકપ્રિય છે. રાજસ્થાનના જેસલમેર, જોધપુર, જયપુર અને ઉદયપુર માં તમને રણ જોવા મળશે. જયારે ગુજરાતના કચ્છમાં તમને ‘સફેદ રણ’ જોવા મળશે.
જયારે રાજસ્થાનના રણમાં જઈએ ત્યારે રાજસ્થાની લોકો પોતાની શાસ્રીય સંગીત, નૃત્ય થી લોકોની સરાહના મેળવે છે. રણના વિસ્તારોમાં લોકો ઘરોને તડકાથી બચાવવા માટે માટીની ઇંટોનો ઉપયોગ કરે છે. અહી વરસાદ નથી થતો તેથી માટીની ઇંટો પલળતી નથી. રાજસ્થાન ના જેસલમેરમાં મોટાભાગે લોકોના આવા મકાનો જોઈ શકાય છે.
જો રાજસ્થાનમાં રણ ની સૈર કરવી હોય તો બારમેડ અને જેસલમેર નો સફર કરવો. કારણકે અહી આ બે શહેરોમાં તમને આખા રાજસ્થાનની ઝલક દેખાશે. આ રંગોથી ભરપુર શહેરો છે. અહી તમને અનુપમ વાસ્તુશિલ્પ, મધુર લોક સંગીત, સાંસ્કૃતિક અને એતિહાસિક વિરાસત થી ભરપુર નગરી જોવા મળશે.
જયારે આપણા ગુજરાત ના કચ્છ ના રણની વાત કરીએ તો અહી જોવાલાયક સફેદ રણ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…’ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ‘ખૂશ્બુ ગુજરાત કી’ ની જાહેરાતમાં આવું કહેતા અનેકવાર આપણને સાંભળવા મળ્યા છે.
કચ્છના સફેદ રણમાં દર વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નવેમ્બર થી ફેબ્રુઆરી દરમ્યાન ખાસ રણ ઉત્સવનું આયોજન કરાય છે. સફેદ રણની સુંદરતાના વર્ણન શબ્દોમાં ન કરી શકાય પણ એ દૃશ્ય અનેરું હોય છે. નીલો આભ, સફેદ ધરતી અને એના પર સૂરજના લાલ કિરણો… જેને જોવા દેશ-વિદેશથી લોકો ભારી સંખ્યામાં ઉમટી પડે છે.