વજન ઘટાડવું હોય તો કસરત અને ડાયટ વચ્ચે 95:05નો રેશિયો હોવો જોઈએ એટલે કે એક્સરસાઇઝ કરતાં ડાયટ કરવાનું વધુ જરૂરી છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. જોકે ભારતના ફિટનેસ અને ડાયટ-એક્સપર્ટ્સ એનાથી લગભગ સાવ ઊલટું જ કહે છે.
મેદસ્વિતાની સમસ્યા કૂદકે ને ભૂસકે એટલી વધતી જાય છે કે લોકો વેઈટ લોસની કોઈ પણ ટિપ મળતાં જ આંખ બંધ કરીને મંડી પડે છે. કોઈ કસરત કે ડાયટિંગ વિના વજન ઉતારી આપતાં સ્લિમિંગ સેન્ટરોનો બિઝનેસ ફાલ્યો છે. જોકે એક્સરસાઇઝ અને ડાયટિંગ એ બન્ને સ્વાસ્થ્યના એવા પહેલુ છે કે બેમાંથી એકેયને લાંબો સમય નજરઅંદાજ કરી શકાય એમ નથી.
બ્રિટનના રિસર્ચરો વેઈટ લોસની એક નવી થિયરીનો પ્રચાર કરી રહ્યા છે. તે એ છે કે વજન ઉતારવું હોય તો ડાયટિંગ કંઈ જ કામ નથી આવતું, માત્ર એક્સરસાઇઝ જ તમને મદદ કરી શકે છે. જો તમે યોગ્ય ડાયટિંગ કરો તો જ તમને એક્સરસાઇઝનો ફાયદો થાય, બાકી નહીં. એટલે કે ડાયટિંગ અગત્યનું છે, પણ એક્સરસાઇઝ વિના નહીં. જેથી આજે જાણી લો ડાયટિંગ અને કસરતમાંથી શું વધુ મહત્વ ધરાવે છે.
વિદેશમાં 95:05 રેશિયો
બ્રિટનની લંડન કોલેજ યુનિવર્સિટીના ન્યુટ્રિશનિસ્ટોની ટીમે વેઈટ લોસ માટે એક્સરસાઇઝ અને ડાયટમાંથી કોને કેટલું વેઇટેજ આપવું જોઈએ એનો અભ્યાસ કર્યો હતો અને બન્નેની ટકાવારી પણ સ્પષ્ટ કરી હતી. તેમનું કહેવું છે કે આજકાલ બેઠાડુ જિંદગી એટલી વધી ગઈ છે કે 95 ટકા એક્સરસાઇઝ પર ફોકસ કરવું જોઈએ અને પાંચ ટકા ફોકસ ડાયટ પર રાખવું જોઈએ. એક વાર વજન ઊતરી જાય એ પછીથી આ રેશિયો 60:40નો થાય.
મતલબ કે નોર્મલ વ્યક્તિએ પણ ડાયટ કરતાં એક્સરસાઇઝને વધુ મહત્વ આપવું જોઈએ. બ્રિટિશ ડાયટિશ્યનોનું કહેવું છે કે માત્ર સ્ટ્રિક્ટ ડાયટિંગ કરીને ઉતારેલું વજન ડાયટિંગ પૂરું થતાં વધુ થઈ જાય છે. એટલે કે જો તમે બે મહિના સ્ટ્રિક્ટ ડાયટિંગ કરીને દસ કિલો વજન ઉતારો તો એ પછીના નૉર્મલ ડાયટવાળા બે મહિનામાં વજન ફરી દસ-બાર કિલો વધી જાય એવું બની શકે છે. એટલે જ ડાયટિંગ પર વધુ મદાર રાખીને ઉતારેલું વજન લાંબો સમય ટકતું નથી.
ડાયટિશ્યન શું કહે છે?
બ્રિટિશ રિસર્ચરોની આ થિયરીમાં બેલેન્સ નથી જળવાતું એવું ભારતીય એક્સપર્ટ્સ માને છે. એક્સરસાઇઝ અને ડાયટનું 95:05નું પ્રપોર્શન ભારતીયો કે ગુજરાતીઓ માટે યોગ્ય નથી એમ જણાવતાં ડાયટિશ્યન કહે છે આપણી અને વિદેશીઓની લાઇફ-સ્ટાઇલ ખૂબ જુદી હોય છે. વિદેશમાં મોટા ભાગે નૉન-વેજિટેરિયન્સ વધુ હોય છે. જો ગુજરાતીઓ બ્રિટનની આ થિયરી મુજબ જબરદસ્ત એક્સરસાઇઝ કરે તો તેમનું શરીર સાવ જ નંખાઈ જાય. નૉન-વેજ ડાયટને કારણે વિદેશીઓ આપણા કરતાં વધુ ફેટ અને પ્રોટીન લેતા હોય છે. વધુ એક્સરસાઇઝ કરવી હોય તો પણ પહેલાં સ્ટેમિના કેળવવા માટે પણ હેલ્ધી ડાયટનું મહત્વ વધુ હોવું જોઈએ.
ભારતીય બોડી-સ્ટ્રક્ચર
આપણે ત્યાં ડાયટિંગનું મહત્વ ૪૦ ટકા અને એક્સરસાઇઝનું મહત્વ ૬૦ ટકા જેટલું ગણી શકાય. ભારતીય બોડી-સ્ટ્રક્ચરમાં મસલ-માસ ઓછો હોવાથી એકસાથે વધુપડતી એક્સરસાઇઝ કરી શકાય એમ નથી. ધારો કે એમ થાય તો એ નુકસાનકારક જ નીવડે. ડાયટમાં પ્રૉપર કાબોર્હાઇડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંતુલન રહે એ પણ એક્સરસાઇઝ જેટલું જ મહત્વનું ગણાય.વેઇટ રિડ્યુસ કરવું હોય એટલે કે શરીરની વધારાની ચરબી બાળવી હોય તો એ માટે પણ શરીરમાં એનર્જી એટલે કે મસલ-સ્ટ્રેન્થ હોવી જરૂરી છે.
એક્સરસાઇઝ માત્ર ચરબી બાળવા માટે જ નથી. બોડી-ટોનિંગ અને મસલ-સ્ટ્રેન્થ જળવાઈ રહે એ માટે નિયમિત એક્સરસાઇઝ મસ્ટ છે. તમે આઇડિયલ વેઇટ મેળવી લો એ પછી હેવી એક્સરસાઇઝ ન કરો તો ચાલી જાય. એ પછી એક્સરસાઇઝ અને ડાયટનો રેશિયો ઊલટાવીને ૪૦:૬૦ થાય તો ચાલે. ૪૦ ટકા એક્સરસાઇઝ અન ૬૦ ટકા ડાયટિંગ. એનો મતલબ એ કે વજન ઘટ્યા પછી તમે ડાયટમાં થોડાક એક્સપેરિમેન્ટ કરી શકો, પણ બાંધછોડ નહીં.
પૂરતાં ન્યુટ્રિયન્ટ્સ
માત્ર ડાયટિશ્યનનો દૃષ્ટિકોણ જ નહીં, ભારતના ફિટનેસ-એક્સપર્ટ્સ પણ એક્સરસાઇઝ કરતાં ડાયટને વધુ મહત્વ આપે છે. એક ફિટનેસ એક્સપર્ટ મુજબ વ્યક્તિએ સ્વસ્થ રહેવું હોય કે વેઈટ લોસ કરવું હોય, સૌથી પહેલાં બોડીને પૂરતાં ન્યુટ્રિયન્ટ્સ મળતાં રહે એ જરૂરી બને છે. આપણે ત્યાં ડાયટ-કન્ટ્રોલ એટલે માત્ર કેલરી-કન્ટ્રોલ એવો બંધિયાર મતલબ કાઢવામાં આવ્યો છે. ડાયટનો મતલબ છે એવું મેનુ તૈયાર કરવું જે શરીરની તમામ વ્યવસ્થાઓને યોગ્ય રીતે ઓપરેટ કરી શકે એ માટે જરૂરી કાબોર્હાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, વિટામિન્સ અને મિનરલ્સ એમ પાંચેય ઘટકોનું સંતુલન કરે. ચરબી બાળવા માટે માત્ર એક્સરસાઇઝ કર્યે રાખવી કે પરસેવો પાડ્યા કરવો એ ક્યારેય સાચો વિકલ્પ બની જ ન શકે. બોડીને ચલાવવા માટે જરૂરી ચીજો પૂરી પાડ્યા વિના એમાંથી ફેટનું પ્રમાણ ઘટાડવાના આડેધડ અખતરાઓ કદી ફાયદો ન કરી શકે.
એક્સરસાઇઝ વધુ અગત્યની કે ડાયટ?
એનું જો પ્રપોર્શન નક્કી કરવાનું હોય તો આઇડિયલ રેશિયો 70:30નો હોવો જોઈએ. આપણી આજની બેઠાડુ લાઇફ-સ્ટાઇલમાં એક્સરસાઇઝ વિના વ્યક્તિનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે એ વાત પણ એટલી જ સાચી છે. વેઈટ લોસ કરવું હોય તો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. જોકે શરીરને પૂરતાં ન્યુટ્રિયન્ટ્સ મળે અને આપણે ખોરાક દ્વારા પેટમાં ખોટો કચરો ન નાખીએ એ પણ એટલું જ અગત્યનું છે. પૂરતા ન્યુટ્રિશન વિના કરેલી એક્સરસાઇઝ ફાયદા કરતાં નુકસાન વધુ કરી શકે છે. એટલે જ બેલેન્સ્ડ ડાયટને 70 ટકા અને એક્સરસાઇઝને 30 ટકા મહત્વ આપવું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર