દરેક ધાર્મિક કાર્યોમાં કળશનું મહત્વ રહેલું હોય છે. નવા વર્ષની શરૂઆત માંગિલક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે પ્રસંગોએ સૌથી પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ-સમૃદ્ઘિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે.
દેવી પુરાણ અનુસાર માતા ભગવતીની પૂજા અર્ચના કરતા સમયે સર્વ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. એક બાજઠ ઉપર કળશ અને તેમાં પાણી, આસોપાલવના પાન અને નારિયેળ મુકવામાં આવે છે. આ સ્થાપના નવરાત્રિમાં નવ દિવસ સુધી રહે છે. દિવાળીના દિવસોમાં પણ પાંચ દિવસ સુધી આ કળશની સ્થાપના કરવામાં આવે છે. કળશમાં પાણી ભરીને સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે.
કળશ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્મા અને ભૂપિંડનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. પૂજન સમયે કળશને દેવી- દેવતાની શક્તિ, તીર્થસ્થાન વગેરેનું પ્રતીક માનીને સ્થાપના કરવામાં આવે છે. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ, કંઠમાં રૂદ્ર તથા મૂળમાં બ્રહ્માજી સ્થિત છે. કળશના મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે.
આપણા પૂર્વજો સૂર્યને ફક્ત જડ ગોળો ન સમજતાં દેવ સમજીને તેની ઉપાસના કરતા હતાં. વરૂણને માત્ર વરસાદ ન સમજતા દેવ સમજી તેનું પૂજન કરતાં હતાં અને કળશ એ વરૂણ પૂજાનું પ્રતીક છે. કાંચન કરતાં કીર્તિ મહાન છે અને સોના કરતા સોનેરી જીવ મહાન છે.
મંદિરના શિખર પર સ્થાન પામેલા કળશને તે કીર્તિ અને તેવું જીવન પ્રાપ્ત થઇ ચૂક્યા છે. મંદિરન શિખર પર કળશ મુકવામાં આવે છે. પ્રત્યેક શુભ પ્રસંગે જેમ વિધ્નહર્તા ગણેશજીની પૂજા કરવામાં આવે છે તેમ કળશની પૂજા પણ અનિવાર્ય છે. વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું સામાન્ય પાણી છે પરંતુ તેની સ્થાપના પછી તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.
કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે પુણ્યાહવાચન, કળશ અને સાંનિધ્યામાં થાય છે. કળશ એટલે પૂર્ણતાનું પ્રતીક. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી કળશના દર્શન ના કરીએ તો દર્શન અધૂરા ગણાય. ગીતાને મંદિર અને છેલ્લા અધ્યાયને કળશાધ્યાય કહ્યો છે.