ગુજરાતમાં પગ મુકતા જ લોકોને રમણીય નઝારા જોવા મળે છે. ચોમાસાની સીઝન આવતા જ લોકો ઝૂમી ઉઠે છે. આપણા ગુજરાતમાં ઘાર્મિક સ્થળોથી લઈને ગોવા કરતા પણ સારા બીચ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવાય છે કે ગુજ્જુઓને સ્વાદિષ્ટ ભોજન, ફરવું-ફરવું અને ઉત્સવો પોતાના જીવનનું ખાસ અંગ છે.
ચોમાસું આવતા જ લોકો હિલ સ્ટેશનો પર ઉમટી પડે છે. સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ્સ હોય, નોકરિયાત હોય કે બિઝનેસમેન હોય હરકોઇ માટે પહેલાં વરસાદમાં પલળવાની મજા અનેરી અને આહ્લાદક હોય છે. આની સાથે સાથે લોકો ગરમાગરમ ચા અને ભજીયા ખાવાનું પણ પ્રેફર કરતા હોય છે. વેલ, નામ જાણીને જ તમને ખબર પડી ગઈ હશે કે આજે અમે તમને પદમડુંગરી વિષે જણાવવા છીએ.
તાપી જિલ્લાના કુલ ૫ તાલુકાઓ પૈકીના એક વ્યારા તાલુકામાં આવેલ સાઉથ ગુજરાતનું પદમડુંગરી વિકેન્ડમાં લોકોનું ફેવરિટ ડેસ્ટીનેશન છે. પદમડુંગરી સુંદરતાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સ્થળ છે. હોલીડે મનાવવા તમારા માટે આ શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઇ શકે છે. મોન્સૂનના પહેલા વરસાદમાં પલળવાની પણ અનેરી મજા છે.
પદમડુંગરીમાં ફોરેસ્ટ (જંગલ) છે. સાથોસાથ અહી નાના નાના તળાવો અને વોટર ફોલ્સ પણ છે. પદમડુંગરી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. અહીં પૌરાણિક શિવમંદિર, શરભંગ ઋષિનો આશ્રમ અને ગોસાઇમાતા નું મંદિર જેવાં ધાર્મિકસ્થળો આવેલાં છે. પુરાણોમાં પદમડુંગરી ગામ ‘પદમાવતી નગરી’ તરીકે ઓળખાતું હતું.
અહી કુદરતી સૌંદર્યની મજા માણવા આવનારાઓની સંખ્યામાં વધારો થતો રહે. છે. વ્યારાથી 30 કિમી અને ઉનાઈથી લગભગ 8 કિમી દૂર અંબિકા નદીના કિનારે કૉટેજ અને ટેન્ટ બનાવાયા છે. સાથે કેમ્પ ફાયર-એમ્ફી થિયેટર પણ છે.
આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. ડાંગર, જુવાર, કેરી અને શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે. ચારે કોર વનની હરિયાળી ચાદરથી વિંટળાયેલ નયનરમ્ય અને આહલાદક વાતાવરણ સૌ પ્રકૃતિપ્રેમી પર્યટકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે.
અહી સહેલાણીઓ માટે તંબુઓ, સિનેમાગૃહ, રસોઇઘર, વારિગૃહ જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. પદમડુંગરી ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમી લોકો માટે ‘પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર’ ઉભું કરવામાં આવેલું છે.