આજે અમે તમારી માટે સરળ અને ચટપટી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં પાસ્તા ખીર, મેકરોની ચાટ, મરચાંનો હલવો, શાહી સમોસા, કોર્ન પુલાવ અને કોવાલમ મટર જેવી વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અહીં આપેલી છ વાનગીમાંથી એક પણ ભાગ્યે જ તમે ચાખી હશે. હા પણ, ચાખવા જેવી ખરી. જો તમારા બાળકોને પાસ્તા ભાવતા હોય તો, તમે તેને પૌષ્ટિક બનાવવા માટે તેમાં દૂધ અને ડ્રાયફ્રુટ્સ ઉમેરી શકો છો. એવી જ રીતે મરચાંનો હલવો પણ કદાચ તમે એકવાર તો ચાખવા માંગશો. બાળકોને જો મેક્રોની બહુ ભાવતી હોય તો તમે મેક્રોની ચાટ આપી શકો છો. જો ઘરમાં કદાચ મેક્રોની વધી હોય તો પણ તમે આ પ્રયોગાત્મક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. બસ તો આવી જ સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓની રેસિપી આજે જ નોંધીને તમારા રસોડે ટ્રાય કરો
કોર્ન પુલાવ
સામગ્રી
મસાલા પેસ્ટ માટે
- 1 નંગ ડુંગળી
- 1 નંગ ટામેટું
- 4 થી 5 કળી લસણ
- 1/2 ઈંચનો આદુંનો ટુકડો
- -2 નંગ લીલું મરચું
- 1 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી મરચું પાવડર
- 1/2 ચમચી હળદર
પુલાવ માટે
- 1 કપ બાસમતી ચોખા
- 3/4 કપ અમેરિકન મકાઈના દાણા
- 1/2 કપ લીલા વટાણા
- 2 નંગ મોટી ઈલાયચી
- 2 નંગ લવિંગ
- 1 નંગ તજનો ટુકડો
- 8 નંગ કાજુ
- 1 ચપટી કેસર
- 1 ચમચી ધાણા
- 1 ચમચી દૂધ
- 1 ચમચી ઘી
- મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ ચોખાને સરસ રીતે ધોઈ લો. ત્યાર બાદ એક વાટકીમાં દૂધ અને કેસર મિક્ષ કરીને તેને પણ 15 મિનિટ માટે બાજુ પર મૂકી દો. હવે પેસ્ટવાળી બધી જ સામગ્રીને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. હવે એક નોન સ્ટિક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો. તેમાં ધોઈને નીતારેલી ચોખા ઉમેરીને બે મિનિટ માટે સાંતલો. ત્યાર બાદ એક કૂકરમાં એક ચમચી ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં લવિંગ, તજ, ઈલાયચી અને તમાલપત્ર ઉમેરીને સાંતળો. ત્યાર બાદ તેમાં મસાલાની પેસ્ટ ઉમેરીને સાંતળો. પેસ્ટની સરસ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં લીલા વટાણા ઉમેરીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બાફેલી મકાઈ ઉમેરીને બીજી બે મિનિટ માટે ફ્રાય કરો. હવે તેમાં ઘીમાં સાંતળેલા ચોખા, મીઠું અને બે કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એક સીટી વગાડી લો. કૂકર ઠંડુ થાય ત્યાં સુધીમાં બીજા વાસણમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં કાજુ સાંતળી લો. હવે કૂકર ઠંડુ થાય એટલે તેમાં કોથમીર, કેસરવાળું દૂધ અને ફ્રાય કરેલા કાજુ ઉમેરીને ધીમેથી બરાબર મિક્ષ કરી લો. સ્વાદિષ્ટ કોર્ન પુલાવ તૈયાર છે.રાયતા સાથે સર્વ કરો.
કોવાલમ મટર
સામગ્રી
- 11/4 કપ બાફેલા વટાણા
- 1 ટેબલસ્પૂન તેલ
- 1/2 ટીસ્પૂન જીરૂં
- 1 ટીસ્પૂન અડદની દાળ
- 1/2 કપ ડુંગળી ઝીણી સમારેલી
- 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
- 1 ટીસ્પૂન ધાણાજીરૂં પાવડર
- 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 1/4 ટીસ્પૂન હળદર
- 1/2 ટીસ્પૂન ટામેટા ઝીણા સમારેલા
- 1 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
- 4 ટેબલસ્પૂન નાળિયેરની છીણ
- 1 ટેબલસ્પૂન કાજુના ટુકડા સમારેલા
- મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં અને અડદની દાળ ઉમેરો. જ્યારે જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. ધીમા તાપે એકથી બે મિનિટ માટે સાંતળો.ત્યાર બાદ તેમાં લસણની પેસ્ટ, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર, હળદર, ટામેટા, મીઠું અને બે ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મધ્યમ તાપે બે મિનિટ ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. બે મિનિટ બાદ તેમાં નાળિયેર કાજુની પેસ્ટ, વટાણા, કોથમીર અને અડધો કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્ષ કરી લો. અને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. બધા જ મસાલા બરાબર મિક્ષ થઈ જાય એટલે તમારી કોવાલમ મટર સબ્જી તૈયાર છે. ગરમા-ગરમ જ તેને સર્વ કરો.
મેકરોની ચાટ
સામગ્રી
- 2/3 કપ બટાટા સમારેલા
- 1 કપ બાફેલી મેકરોની
- 1/3 કપ ડુંગળી ઝીણી સમારેલી
- 1/3 કપ ટામેટા સમારેલા
- 2 થી 3 ચમચી લીંબુનો રસ
- 1/4 કપ શેકેલા સિંગદાણા
- 2 ચમચી કોથમીર સમારેલી
- 1 નંગ લીલું મરચું સમારેલું
- મીઠું સ્વાદાનુસાર
- મરી પાવડર
- તેલ
- ચાટ મસાલો
રીત
સૌપ્રથમ મેકરોનીને સારી રીતે બાફી લો. ત્યાર બાદ તેને નીતારીને ઠંડી કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં બટાટા અને મીઠું ઉમેરીને સાંતળો. બટાટા લાલ રંગના થાય એટલે તેને કાઢીને એક બાઉલમાં લઈ લો. હવે એ જ પેનમાં થોડું વધારે તેલ ઉમેરો. ત્યાર બાદ તેમાં બાફેલી મેકરોની ઉમેરીને ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળો. હવે મેકરોની નીકાળીને તેને પણ બટાટાવાળા બાઉલમાં લઈ લો. ત્યાર બાદ તેમાં સિંગદાણા, ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને કોથમીર ઉમેરો. થોડુંક મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સ્વાદિષ્ટ મેકરોની ચાટ તૈયાર છે.
મરચાંનો હલવો-
સામગ્રી
- 2 ચમચી ઘી
- 1 ચમચી નાળિયેરનું છીણ
- 70 ગ્રામ કેપ્સિકમ
- 2 ચમચી મોળો માવો
- 2 ચમચી કાજુ, બદામ, ચારોળી
- 1/2 ચમચી ઈલાયચી પાવડર
- ખાંડ સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક સોસ પેનમાં બે ચમચી ઘી ગરમ કરો. ગરમ થાય એઠલે તેમાં નાળિયેરનું છીણ નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીને સારી રીતે મિક્ષ કરી લો. કેપ્સિકમ અધકચરા ચઢી જાય એટલે તેમાં મોળો માવો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. માવો સારી રીતે મિક્ષ થઈ જાય અને કેપ્સિકમ ચઢે ત્યાં સુધી ચઢવા દો. હવે તેમાં કાજુ, બદામના ટુકડા, ચારોળી અને ખાંડ મિક્ષ કરો. અને ત્યાં સુધી ચઢવા દો, જ્યાં સુધી ખાંડના લીધે વળેલું પાણી પૂરેપૂરું બળી ના જાય. પાણી બળીને તે ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે તમને લાગશે કે હલવો તૈયાર થઈ ગયો છે. તેને કાજુ, બદામ અને ચારોળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.
મેક્રોની ખીર
સામગ્રી
- 1/4 કપ મેક્રોની
- 3 કપ દૂધ
- 3 થી 4 ટેબલસ્પૂન કન્ડેન્સડ મિલ્ક
- 1 ચપટી કેસર
- 1 ચપટી ઈલાયચી પાવડર
- 1/2 ટીસ્પૂન ઘી
- 5 થી 6 નંગ કાજુ
(જો તમે કન્ડેન્સડ મિલ્ક ન વાપરવાના હોય તો, 3 થી 4 ટેબલસ્પૂન ખાંડ લઈ શકો છો)
રીત
સૌપ્રથમ પાસ્તાને 15 મિનિટ માટે પલાળી રાખો. આ દરમિયાન એક ઉંડા સોસ પેનમાં દૂધ ગરમ કરવા માટે મૂકો. લગભગ 10 મિનિટ માટે ઉકાળો. હવે પાસ્તાને પાણીમાંથી નીતારીને દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ દરમિયાન કેસરને એક ચમચી દૂધમાં પલાળી દો. મેક્રોનીને ત્યાં સુધી ચઢવા દો. ધીમા તાપે ચઢવા દો. દૂધ ઘટ્ટ થાય એઠલે તેમાં કન્ડેન્સડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં કેસરવાળુ દૂધ, ઈલાયચી પાવડર અને તળેલા કાજુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે પાસ્તા પણ ચઢી ગયા હશે સારી રીતે. ગરમા-ગરમ પાસ્તા ખીરને સર્વ કરો.
શાહી સમોસા
સામગ્રી
- 2 કપ મેંદો
- 1/4 ટીસ્પૂન અજમો
- 1/4 કપ ઘી
- મીઠું સ્વાદાનુસાર
સ્ટફિંગ માટે
- 2 નંગ બાફેલા બટાટા
- 1/4 કપ લીલા વટાણા
- 100 ગ્રામ પનીર
- 10 થી 12 નંગ કાજુ
- 1 ટીસ્પૂન કિસમિસ
- 1 ઈંચનો આદુંનો ટુકડો
- 1 નંગ લીલું મરચું ઝીણું સમારેલું
- 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
- 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર
- 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 2 થી 3 ટીસ્પૂન કોથમીર સમારેલી
- 1/4 ટીસ્પૂન જીરૂં
- 1/2 ટીસ્પૂન ધાણા પાવડર
- મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ પડ માટેની બધી જ સામગ્રી એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈ લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને કણક તૈયાર કરી લો. કણકને અડધા કલાક માટે કપડાંથી ઢાંકીને મૂકી દો. એ દરમિયાન સ્ટફિંગ તૈયાર કરી લો. તેના માટે પનીરને નાના-નાના ટુકડામાં કટ કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં આદું અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. થોડીક સેકન્ડ બાદ તેમાં વટાણા ઉમેરીને ફરીથી બે મિનિટ માટે સાંતળો. બે મિનિટ બાદ તેમાં જીરૂં પાવડર, પનીરના ટુકડા, બટાટાના ટુકડા, કાજુ, કિસમિસ, મીઠું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર,
ગરમ મસાલો અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકબીજામાં એકરસ થઈ જાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરીને સ્ટફિંગને ઠંડુ થવા દો. હવે સમોસા બનાવવા માટેની તૈયારી કરો. એક કડાઈમાં સૌપ્રથમ તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલામાં સમોસા માટેના લોટમાંથી નાના-નાના લુઆ લો. તેમાંથી પૂરી વણો. પૂરી તૈયાર થાય એટલે વચ્ચે કટ કરી લો. ત્યાર બાદ તેમાંથી એક ભાગમાં એક ચમચી પૂરણ ભરો. સમોસો વાળી લો. આ રીતે બધા સમોસા તૈયાર કરી લો. હવે ગરમ થયેલા તેલમાં ધીમા તાપે લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરી લો. ત્યાર બાદ તેને થોડીવાર માટે પેપર નેપકિન પર મૂકો. ત્યારબાદ તેને ગરમા-ગરમ સર્વ કરો.