ગરીબાઈ

Poverty

એક ખુબ અમીર માણસ હતો. એનો છોકરો મોં માં ચાંદીની ચમચી નહિ, પરંતુ હીરામઠેલ ચમચી લઈને જ જાણે જનમ્યો હતો. જાહોજલાલીમાં ઉછરતો એ છોકરો જયારે આઠ વરસનો થયો ત્યારે પેલા અમીર માણસને એક વિચાર આવ્યો. એને થયું કે બાળકે અમીરાત તો આજ સુધી જોઈ, પરંતુ ગરીબાઈ શું કહેવાય એનો એને ખ્યાલ આવવો જ જોઈએ. લોકો પાસે કેટલી ઓછી વસ્તુ હોય છે છતાં એ લોકો કેવી રીતે જીવતા હોય છે. એનું એ બાળકને પ્રત્યક્ષ જ્ઞાન તો મળવું જ જોઈએ. એટલે એને દુરના એક અંતરિયાળ ગામમાં જવાનો કાર્યક્રમ બનાવ્યો. એ એના થોડાક સગા તેમજ એની પત્ની તથા બાળક સાથે દુરના એક ખેતરમાં પહોચ્યા.

ખેતરનો માલિક આ અમીર માણસોને જોઈ દોડતો આવી પહોચ્યો.પેલા માણસને પોતાનું કુટુંબ એકાદ રાત એના ખેતરમાં ગાળવા માંગે છે એવું એને જણાવ્યું. ખેડૂત તો રાજી રાજી થઈ ગયો. એની ખખડધજ ઝુંપડી પાવન થઇ ગઈ એવું બધું પણ એણે કહ્યું. ખેડૂતના મેલાધેલા અને ફાટેલા કપડા, એના ધરની દશા તથા અડધા ઉઘાડા, ધૂળમાં રખડતા એના છોકરા એમની દારુણ ગરીબીની ચાડી ખાતા હતા.

અમીર માણસ અને એની પત્ની પેલા ખેડૂતના કુટુંબની આગતાસ્વાગતા માણતા હતા, એ વખતે એમનો દીકરો ખેડૂતના છોકરાઓ સાથે ખેતરમાં, આજુબાજુના નદી – નાળામાં, બાજુના પર્વતની તળેટીમાં, ગારામાં તેમજ ધૂળમાં ધીંગામસ્તી કરતો હતો. એના ચહેરા પરની ખુશી જોતા જ એને ખુબ મજા આવતી હશે એ સ્પષ્ટ દેખાય આવતું હતું.

એ દિવસ ખુબ ધમાલ સાથે પૂરો થયો. ઝીન્દગીમાં પહેલી વખત ખુલ્લા આકાશની નીચે ફળિયામાં સૂતેલો એ બાળક આકાશમાં રચાયેલ અદભૂત તારાસૃષ્ટિ જોઈને આભો બની ગયો.એરકંડીશનરની કૃત્રિમ હવાને બદલે પર્વતાળ ઠંડી હવાની લહેરખીઓ એ પહેલી વખત માણી રહ્યો હતો. થોડી વારમાં જ એ ઠંડી હવાએ ક્યારે બધાને મીઠી ઊંધમાં પોઢાડી દીધા એનો કોઈને ખ્યાલ પણ ન રહ્યો.

સવારે નાસ્તા-પાણી પતાવી, ખેડૂતને પરાણે પૈસા તેમજ ભેટસોગાદો આપી એ અમીર માણસ એ એનું કુટુંબ ઘર તરફ આવવા નીકળ્યા.પોતાના બાળકને ગરીબાઈનું પ્રત્યક્ષ દર્શન કેવું લાગ્યું હશે એ જાણવાની પેલા અમીર માણસને ખુબ જ ઇન્તેજારી હતી. એને ચાલુ ગાડી એ જ પોતાના દીકરાને પૂછ્યું, ‘કા બેટા ? તને આ ટ્રીપ કેવી લાગી ? ‘

‘અરે ! પપ્પા ! ખુબ સરસ ટ્રીપ હતી ! મને તો ખુબ જ મજા પડી !’ બાળકે જવાબ આપ્યો.

બાળકનો અતિઉત્સાહભર્યો જવાબ સાંભળી એ અમીર માણસને નવાઈ લાગી. એને આગળ પૂછ્યું, ‘ગરીબ લોકો અંગે તને ખ્યાલ આવી ગયો ને બેટા ? ગરીબાઈ અને ગરીબ કોને કહેવાય એ તે બરાબર જોયું અને એ તું સમજ્યો ને બેટા ?’

‘હા પપ્પા ! બાળકે જવાબ આપ્યો, ‘પપ્પા ! મેં બધુજ બરાબર ધ્યાનથી જોયુ હતું હો ! જુઓ, આપના ઘરે ફક્ત એક જ કુતરો છે. જયારે એ લોકોની પાસે ત્રણ કુતરા, એક કુતરી અને છ ગલુડિયા હતા ! આપણો સ્વીમીંગ પુલ તો કેટલો નાનકડો છે જયારે એમનું તળાવ તો દુ..ર.. સુધી ફેલાયેલું હતી ! રાત્રે આપણા બગીચામાં તો આપને થોડીજ લાઈટો કરીએ છીએ, પરંતુ એ લોકો ના ફળિયામાં તો ગઈ કાલે કેટલા બધા તારા હતા નહિ ? આપણા કમ્પાઉન્ડની દીવાલ થોડેક સુધી જ છે, પરંતુ એમની જમીન તો છે….ક ક્ષિતિજ સુધી પહોંચે છે. આપણે આપણું થોડુક કામ પણ જાતે નથી કરી શકતા. એ માટે નોકર રાખીએ છીએ. જયારે એ લોકો તો કેટલા જોરદાર છે નહિ? એ લોકો પોતાનું કામ તો કરે જ છે ઉપરાંત બીજાનું કામ પણ કરી આપે છે. જુઓને ! આપણને એ લોકોએ કેવા સરસ રીતે સાચવ્યા હતા ?’ ઉત્સાહપૂર્વક બોલતા બાળકે પિતા સામે જોયું.

‘હું…ઉ…!!’ અમીર બાપ નવાઈ સાથે એને કંઈક અસમંજસપૂર્વક જોઈ રહ્યો.

પરંતુ પોતાની ધૂનમાં મસ્ત દીકરાએ વાત શરુ જ રાખી, ” અને પપ્પા ! આપને અનાજ ખરીદવું પડે છે, જયારે એ લોકો તો જાતે જ અનાજ ઉગાડે છે અને બીજાને પણ આપે છે ! આપને મદદ માટે સિક્યોરીટીના માણસો રાખીએ છીએ જયારે એ લોકોના પડોશીઓ અને મિત્રો જ એમને રક્ષણ આપે છે. પેલા દાદા કહેતા હતા ને કે જરૂર પડે અને સાદ પાડીએ એટલે આજુબાજુ ના ખેતરવાળા દોડતા આવી જ જાય ! અને સાચું કહું પપ્પા ? મને તો એક વાતની ગઈ કાલે જ ખબર પડી !” બાળકે પિતા સામે જોયું.

‘કઈ વાતની ?’ બાપે મુંજવણના ભાવ સાથે પૂછ્યું.

‘કે આપણે ખુબ જ ગરીબ છીએ ! આપણી કરતા એ લોકો પાસે કેટલું બધું વધારે છે એ પણ મને ગઈ કાલે જ સમજાયું !’

અમીર બાપ પોતાના દીકરા સામે અચરજભરી નજરે જોઈ રહ્યો.

જિંદગી ને જોવાનો દ્રષ્ટિકોણ બદલવા માત્રથી જ પરિસ્થિતિ તેમાં જ એ અંગેના પુર્વાનુંમાંનો બધું જ બદલી જાય, નહિ ?!

Comments

comments


5,107 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 9