વિરાટ કોહલી પોતાની રમતની સાથે જ વિવાદોને કારણે પણ સમાચારમાં રહે છે. વર્લ્ડકપ 2015 દરમિયાન કોહલી પત્રકાર પર ભડકી ઉઠ્યો અને તેને ગાળ આપી. વિરાટ અનુસાર, તે પત્રકારે તેના અને અનુષ્કાના સમાચાર છાપ્યા હતા.જો કે ભૂલને કારણે વિરાટ આ મામલે માફી પણ માંગી ચુક્યો છે.
વિરાટ જેટલો તેની રમતને કારણે ચર્ચામાં રહે છે એટલો જ વિવાદો સાથે પણ તેનો સબંધ રહ્યોં છે. આ વિવાદ ક્યારેક ક્રિકેટથી જોડાયા તો ક્યારેક તેની પર્સનલ લાઇફ સાથે.
સિડની ગ્રાઉન્ડ પર બતાવી હતી આંગળી
2011-12માં ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટ મેચ દરમિયાન કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યોં હતો. ત્યાં દર્શકોની હૂટિંગથી પરેશાન કોહલી ભાન ભૂલ્યો અને પ્રશંસકને મિડલ આંગળી બતાવી હતી. આ હરકતને કારણે કોહલીની મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે કોહલીએ જણાવ્યુ કે કોઇ તમારી માતા કે બહેન વીશે અપશબ્દ બોલે તો તમે કેવી રીતે સહન કરી શકો છો
જ્યારે સાથી ગૌતમ ગંભીર સાથે ઝઘડ્યો કોહલી
આઇપીએલમાં એક દેશના ખેલાડી અન્ય દેશના ખેલાડી વિરૂદ્ધ રમે છે. આવી જ એક મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને-સામને આવી ગયા. IPL-6 દરમિયાન વિરાટ કોહલી અને કોલકાતા નાઇટ રાઇડર્સને કેપ્ટન ગૌતમ ગંભીર મેદાન પર જ ઝઘડી પડ્યા હતા. કોહલી આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરી રહ્યોં હતો તે દરમિયાન તે ગંભીર તરફ આગળ વધ્યો અને કઇક ટિપ્પણી કરી. આ મામલે ગંભીર પણ ગુસ્સે ભરાયો અને કોહલી તરફ આગળ વધ્યો હતો ત્યારે સાથી ખેલાડી અને એમ્પાયરે વચ્ચે પડી મામલાને શાંત કરાવ્યો હતો.
ગર્લફ્રેન્ડને સાથે લઈ જતા થયો વિવાદ
ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીને બીસીસીઆઈએ નિયમોમાં ફેરફાર કરી ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માને સાથે લઈ જવાની છુટ આપી હતી. અનુષ્કા વિરાટ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે ગઈ હતી, જોકે આ પ્રવાસમાં વિરાટ સાવ ફ્લોપ રહેતા અનુષ્કા સાથેના સંબંધોને જવાબદાર ગણવામાં આવી રહ્યા હતા.
મીડિયામાં અને સોશ્યલ સાઇટ્સ ઉપર વિરાટ અને અનુષ્કાની ઘણી મજાક કરવામાં આવી હતી. વિવાદ તુલ પકડતા અનુષ્કાએ અધવચ્ચેથી પ્રવાસ પડતો મુકી ભારત પરત ફરવુ પડ્યું હતું.
જ્હોન્સનના થ્રો પર થયો વિવાદ
વર્લ્ડકપ શરૂ થયા પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી ફરી વિવાદોમાં હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન જ્હોન્સને એક થ્રો ફેક્યો જે સીધો વિરાટ કોહલીને લાગ્યો હતો. બોલ લાગ્યા બાદ કોહલી મેદાન પર જ પડી ગયો હતો. તે બાદ બન્ને ખેલાડીઓ વચ્ચે બબાલ થઇ. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ફાસ્ટ બોલરના એક્શન પર વિવાદ ઉભો થયો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર