એક મિત્રતા એવી, જે…

True Friendship | Sahitya in janvajevu.com

મુંબઈમાં રહેતા નિમિત્ત વોરા બોલિવુડના ઊભરતા ફિલ્મ દિગ્દર્શક છે. મૂળ પોરબંદર તરફના નિમિત્ત સ્ક્રિપ્ટ રાઈટિંગ અને કવિતા લેખન સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત થોડા સમય પહેલા તેઓ નાટ્ય અભિનય સાથે પણ સંકળાયેલા હતા. અહીં એમણે તેમની મિત્રતાનો એક કરુણ કિસ્સો આલેખ્યો છે, જેને વાંચતા તમે પણ નક્કી ભીંજાશો…
દરેક માણસનું પોતાનું એક મિત્ર વર્તુળ હોય છે. રોજ સાંજ પડે કે મળવાનું, ગપ્પા હાંકવાના, સાથે મળીને ફિલ્મો જોવાની, રેસ્ટોરાંમાં જમવાનું, વીકએન્ડ્સમાં નાઈટ આઉટ માટે વારાફરતી એકબીજાના ઘરે જવાનું, એક બીજાના જન્મ દિવસ પર રાત્રે બાર વાગ્યે કેક લઈને સરપ્રાઈઝ આપવા જવાનું, (જોકે જેનો બર્થ ડે હોય એને પણ ખાત્રી હોય જ કે, મારી મંડળી બાર વાગતા જ આવશે એટલે એ પણ તૈયારીમાં જ બેઠો હોય!) કોઈના મા-બાપની તબિયત બગડી હોય તો ફટ દઈ પહોંચી જવું અને કોઈ દોસ્તનું બ્રેક-અપ થયું હોય તો ‘છોડને એને, એના કરતા સારી મળશે’ એમ કહીને દોસ્તને ખભો આપવા પહોંચી જવાનું. આને જ કહેવાય મિત્રતા અને આ સંબંધની આવી મીઠાશ બધાએ માણી જ હશે.

જો કે આટલા દિલદાર મિત્રોનો સાથ હોવા છતાં પણ કેટલીક વાતો ને ઘટનાઓ એવી પણ હોય છે, જે અમુક મિત્રોને કહી શકાતી નથી. કારણ કે તે મિત્રો આપણને ઘણા સમયથી જાણતા હોવાથી તેઓ આપણા તરફથી અમુક વ્યવહારની અપેક્ષા રાખતા હોય છે. તેઓ જાણતા હોય છે કે, આ માણસ આમ તો નહીં જ કરે અથવા એ આમ તો કરશે જ. આવા સમયે જો આપણાથી એમની અપેક્ષાઓથી ઊંંધું થયું હોય તો એ મિત્રો આપણને જજ કરી બેસતા હોય છે. પણ એવી કેટલીક વાતો અજાણ્યા, નવા બનેલા મિત્રોને કોઈપણ ટેન્શન વિના કહી શકાય છે. કારણ કે નવી ફ્રેન્ડશીપમાં અમુક પ્રકારના વ્યવહારની અપેક્ષા હોતી નથી. આવું જ કંઈ બન્યું મારી જોડે…

કોલેજમાં ભણતો ત્યારે હું એક છોકરીને દિલ દઈ બેઠેલો, જે છોકરી મારા મિત્રોને ખાસ ગમતી ન હતી. મિત્રોને છોકરી નહીં ગમવાનું કારણ એક જ કે તે સ્વભાવે થોડી તોછડી હતી. એની સાથે પ્રેમ થયાં પહેલા હું પણ તેને પસંદ કરતો ન હતો પણ કોલેજના એકાદ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનું થયું ત્યારે, તેની એક અલગ સોફ્ટર સાઈડનો મને અહેસાસ થયો અને અમને બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો. પણ આ મારા મિત્રોને ગમતું નહીં અને હું મિત્રોના દિલ દુખાવવા ઈચ્છતો ન હતો. તેથી હું એ છોકરીને ચોરીછૂપીથી મળવા લાગ્યો. જોતજોતામાં તો અમે બંને પ્રેમમાં પડી ગયા.

True Friendship | Sahitya in janvajevu.com

એવામાં છ-સાત મહિના થયા ત્યાં મારા એક મિત્રને આ વાતની ખબર પડી ગઈ અને એણે અમારા આખા ગ્રુપમાં ઢોલ વગાડ્યા કે. ‘મારું અને પેલી છોકરીનું અફેર છે.’ આ કારણે બધા ફ્રેન્ડસ મારાથી નારાજ થઈ ગયા. જો કે ભૂલ મારી જ હતી એટલે મને માફી માગતા સંકોચ ન થયો. પણ મારાથી હર્ટ થયેલા મિત્રો મારાથી થોડા દૂર થઈ ગયા. પછી તો તેઓ કામથી કામ રાખે, મારી જોડે બહું વાત ન કરે. અને આ બાજુ મારી ગર્લફ્રેન્ડ સાથે પણ કોઈ કારણસર બ્રેકઅપ થઈ ગયું. એટલે મારી પરિસ્થિતિ બાવાના બેઉ બગડ્યા જેવી થઈ. ધીરેધીરે હું સાવ એકલો પડવા માંડ્યો. અંદર અંદર મૂંઝાવા માંડ્યો. કારણ કે, મારી ફિલિંગ્સ શેર કરવાવાળું કોઈ રહ્યું ન હતું.

ત્યાં એક દિવસ ફેસબુક ઉપર એક પેજ ઉપર મેં મારી એક કવિતા પોસ્ટ કરી, જે વાંચીને રાજકોટના એક છોકરાએ મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. સામાન્યરીતે કોઈ દિવસ હું અજાણ્યા માણસની રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતો. પણ, કોણ જાણે તે દિવસે મેં એ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને ફેસબુકમાં જ તેને મેસેજ મોકલ્યો કે, ‘શું આપણે એકબીજાને ઓળખીએ છીએ?’ અને એનો જવાબ આવ્યો ‘ના, પણ તમારી કવિતા વાંચી અને બહુ ગમી એટલે રિક્વેસ્ટ મોકલી. જો તમને ન ગમે તો હું ડિસ્ટર્બ નહીં કરું.’ એની આ સરળતા મને સ્પર્શી ગઈ. એટલે હું એની જોડે વાત કરવા લાગ્યો.

પહેલા તો એ કોણ છે? શું કરે છે? હું કોણ છું? શું કરું છું? એવા વિષય ઉપર વાત શરૂ થઈ. એવામાં ને એવામાં અમે એકબીજાનો મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યો અને વોટ્સ એપ ઉપર ચેટિંગ શરૂ કર્યું. ધીરે ધીરે ભરપૂર ચેટિંગ થવા લાગ્યું અમને એક બીજાની દોસ્તી ગમવા લાગી. શું ખાધુ અને શું કર્યું બધું જ એકબીજાને ખબર હોય. એકેય દિવસ એવો ન હતો કે અમે ચેટ નહીં કરતા. અમને એવું લાગતું જ ન હતું કે, અમે કોઈ દિવસ મળ્યા નથી. કહેવામાં તો એ મારો ચેટ ફ્રેન્ડ હતો પણ અમે એક બીજાને સગા ભાઈની જેમ ગણવા લાગ્યા.

એ મારા કરતા 4 દિવસ મોટો હતો એટલે એ મને નાનો ભાઈ સમજીને ડગલે પગલે ગાઈડ કરતો. આમ દિવસો મહિનાઓમાં બદલાયા. મારા બીજા મિત્રો સાથે બગડેલા મારા સંબંધો પણ સુધરી ગયા. બધુ પહેલા જેવું થઈ ગયું. પણ અમારી વચ્ચે માઈલોનું અંતર હોવા છતાં અમારી મૈત્રીનું અંતર ઘટતું ન હતું.

લગભગ એક વર્ષ પસાર થયું પણ અમે ક્યારેય મળી શક્યા ન હતા. જો કે એક વખત અમારા મળવાનો યોગ સર્જાયો. કામને કારણે મારે મુંબઈથી અમદાવાદ જવાનું થયું. અને ત્યાંથી રાજકોટ માત્ર ત્રણ કલાક દૂર હોવાથી અમે મળવાનું નક્કી કર્યું. અમદાવાદમાં કામ પતાવી અને હું પહોંચ્યો રાજકોટ.

True Friendship | Sahitya in janvajevu.com

પહેલી વાર હું મારા ભાઈને, મારા બેસ્ટ ફ્રેન્ડને જોઈશ એવા વિચારોથી પેટમાં પતંગિયા ફરવા લાગ્યા અને અંતે એ મિત્ર સામે આવ્યો. જોતાં જ એકબીજાને ભેટી પડ્યા અને બંનેની આંખોમાંથી આંસુ સરવા માંડ્યા. રાજકોટના એક કોફી શૉપમાં સાક્ષાત ભરત મિલનનું દૃશ્ય સર્જાયું હતું. પછી શું? કલાકો સુધી વાતો કરી. એની બાઈક પર રાજકોટ ફર્યાં અને ત્યાંની વિખ્યાત જગ્યાઓએ ખાધું-પીધું અને જલસા કર્યાં. એક દિવસ ક્યાં પૂરો થયો એની ખબર જ ન પડી. 12 કલાકનો અમારો સાથ 12 સેકન્ડ જેવો ટૂંકો લાગ્યો અને ફરી અમે પોતપોતાના શહેરમાં. આમેય રંગના તો ચટકા જ હોયને!

એને મળીને હું મુંબઈ આવ્યો કે એકાદ અઠવાડિયામાં એની તબિયત બગડી. એને તાવ પર તાવ આવે અને ઊલટીઓ થાય. હું અહીં મુંબઈ બેસીને એને ડૉક્ટર પાસે જવા અને સમયસર દવા લેવાનું સતત કહેતો રહું. એ સિવાય કરી પણ શું શકું? એવામાં એક દિવસ એણે મને રાત્રે રોજના સમય કરતા વહેલો મેસેજ કર્યો કે, ‘હું સૂવા ચાલ્યો. થોડી વિકનેસ લાગે છે. તું ધ્યાન રાખજે પોતાનું. મારી ચિંતા ન કરતો અને લાઈફમાં આગળ વધજે…’ એની આ વાતથી મને સખત ગુસ્સો આવ્યો. આટલા દિવસોની મિત્રતામાં મેં એને પહેલી વાર ગાળ આપી. ‘સાલા, આવી વાતો કરવી હોય તો મારી જોડે વાત નહીં કર.’

મારી વાત પર એણે ફક્ત એક સ્માઈલ મલકાવી અને ‘જય જિનેન્દ્ર… જય શ્રી કૃષ્ણ’ લખ્યું અને એ સૂઈ ગયો. બીજા દિવસે હું કામમાં વ્યસ્ત હતો. એનો મેસેજ ન આવ્યો એટલે મને એમ કે, માંદો છે એટલે એ સૂતો હશે. આ કારણે મેં પણ એને ડિસ્ટર્બ ન કર્યો અને હું કામમાં બિઝી થઈ ગયો. સાંજ પડતા જ મને યાદ આવ્યું કે, એનો મેસેજ આવ્યો નથી. મને ચિંતા થઈ. મેં એને મેસેજ કર્યો પણ મારા મેસેજનો રિપ્લાય ન આવ્યો એટલે રાત્રે 8 વાગ્યે મેં એને કોલ કર્યો. એનો ફોન એના ભાઈએ ઉપાડ્યો અને મારા પૂછતા એ રડતા રડતા બોલ્યો કે, ‘ભાઈ હવે આપણી વચ્ચે રહ્યા નથી’ અને અહીં મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું ગળું ભરાઈ આવ્યું અને બોલવા માટે અવાજ ન નીકળે. ત્યાં એનો ભાઈ બોલ્યો ‘તાવમાં રાત્રે ઊંઘમાં જ ભાઈ ગુજરી ગયો.’

એનો અર્થ એ થયો કે, એણે ઊંંઘતા પહેલા છેલ્લી વાત મારી સાથે કરી હતી. આવો વિચાર આવતા હું ઊભો હતો ત્યાં જ બેસી ગયો. મને સમજ જ ન પડે કે શું કરું અને શું ન કરું? 5 મિનિટ પછી મને ભાન આવ્યું અને હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. તે દિવસે મને ન ભૂખ લાગી ન તરસ. આખી રાત રડ્યો. સગા ભાઈને ગુમાવ્યાનું દર્દ હું અનુભવી રહ્યો હતો.

આજે એને ગયાને 7 મહિના થઈ ગયા. એની યાદ આવે કે તરત જ આંસુ આવી જાય. હમણાંય આંખો પલળેલી છે. આખરે કયા ૠણાનુબંધને અમે ભટકાયા? ન સાથે ભણ્યાં, ન તો એક શહેરમાં રહ્યા કે નહીં એક જ ગામના. તોય અમારી મિત્રતા થઈ. જો કે બહુ ઓછા સમયમાં વિકસેલો એ સંબંધ એક જ ઝાટકે સમાપ્ત થઈ ગયો. આજે પણ મારા વ્હોટ્સ એપમાં એના લખાયેલા શબ્દો છે- એની લાગણીઓ છે. જ્યારે એની યાદ આવે ત્યારે અમારું એ ચેટિંગ વાંચી લઉં છું.

મારા પરિવારના સભ્યો કે બીજા કોઈ મિત્રો મારો અને એનો સંબંધ સમજી શકે એવું લાગતું નથી. કારણ કે, એમની નજરમાં એ માત્ર મારો ‘ચેટ ફ્રેન્ડ’ હતો અને ચેટ ફ્રેન્ડ્સ કંઈ ક્લોઝ થોડા હોય? આ વાત એ લોકો નહીં સમજે અને હું સમજાવી પણ નહી શકું એમને. પણ હતી એક મિત્રતા એવી પણ, જે ઓછા સમયમાં વિકસી-વિસ્તરી અને તૂટી…

Comments

comments


5,909 views

2 thoughts on “એક મિત્રતા એવી, જે…

  1. Asha

    tamari stori me vanchi ane …………………………i cant say anything abt it…………..its realy heart touching story n reality………………….

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 3 =