વિશ્વમાં ચીઝ કે પર્ફ્યુમ જેવી વસ્તુઓની વાત આવે એટલે ફ્રાન્સનું નામ બધાને અચૂક યાદ આવે, પરંતુ 2014ના વર્ષમાં ફ્રાન્સના ભાગે રડવાનું આવ્યું છે. લંડનમાં તાજેતરમાં યોજાયેલા 26મા વર્લ્ડ ચીઝ એવોર્ડમાં ઈંગ્લેન્ડના એક ડેરી ફાર્મર પરિવાર દ્વારા બનાવવામાં આવેલી સોફ્ટ બ્લ્યુ ચીઝને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ચીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બીબીસી ગુડ ફૂડ શો દ્વારા આયોજિત કરવામાં આવતા ચીઝના આ વાર્ષિક મહોત્વમાં બાથ બ્લ્યુ નામની ચીઝે દુનિયાની 2600 જેટલી વિવિધ પ્રકારની ચીઝને પછાડીને આ બિરુદ જીત્યું છે.
બ્લ્યુ રંગના રેસા ધરાવતી આ બાથ બ્લ્યુ ચીઝ ઓર્ગેનિક મિલ્કમાંથી બનાવવામાં આવી હતી એટલું જ નહીં, પરંતુ તેને ખાસ પથ્થરમાંથી બનેલા પરંપરાગત રૂમમાં 8-10 અઠવાડિયા સુધી રાખીને પકવવામાં પણ આવી હતી.
.
આ સ્પર્ધામાં ન્યૂઝીલેન્ડ, કેનેડા, સાઉથ આફ્રિકા, મેક્સિકો, આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા દેશોએ પણ ભાગ લીધો હતો.
ઈંગ્લેન્ડની આ બ્લ્યુ ચીઝ વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કેનેડાથી આવેલા નિર્ણાયક લ્યુઈસ એર્ડે કહ્યું હતું કે, કેટલીકવાર બ્લ્યુ ચીઝમાંથી મેટાલિક ટેસ્ટ આવે છે અને જો એવું ન થાય તો તેમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાનું જોવા મળે છે, પરંતુ આ ક્લાસિક બ્લ્યુ ચીઝમાં ફ્લેવર્સનું એટલું સરસ બેલેન્સ જાળવવામાં આવ્યું છે કે તેનો ટેસ્ટ તમારા પર આક્રમણ નથી કરતો, બલકે ધીરેધીરે મોઢામાં ડેવલપ થાય છે.
આ સ્પર્ધામાં બીજું ઈનામ પણ લંડનના જ બાર્બર્સ ફાર્મહાઉસ ચીઝમેકર દ્વારા તૈયાર કરવામાં આવેલી શેડર ચીઝને મળ્યું હતું, જ્યારે ત્રીજું ઈનામ ક્રોએશિયાની સિરાના ગ્લીગોરાએ ગાય અને બકરીના દૂધના સંયોજનમાંથી બનાવેલી ડિનાર્સ્કિ સર નામની ચીઝને મળ્યું હતું.
આ સમારંભમાં ફ્રાન્સમાં ચીઝના પ્રચાર અને પ્રસારમાં ફ્રેન્ચ ચીઝમેકર રોલેન્ડ બર્થેલેમીએ આપેલા ફાળા બદલ તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમેરિકામાં દર બે વર્ષે યોજવામાં આવતી આ જ પ્રકારની સ્પર્ધામાં આ વર્ષની શરૂઆતમાં સ્વીટઝરલેન્ડની એમેન્ટેલર ચીઝને વર્લ્ડ ચેમ્પિયન ઘોષિત કરવામાં આવી હતી, તેથી લંડનની બાથ બ્લ્યુ ચીઝે બેસ્ટ ચીઝનો એવોર્ડ જીતી ફ્રાન્સ, સ્વીટઝરલેન્ડ તથા ડચ ચીઝના સમર્થકોને મોટો ઝટકો આપ્યો હતો.
ચીઝના શોખીનોને આ બાથ બ્લ્યુ ચીઝ લંડનના બાથ એન્ડ બોરો માર્કેટમાં આસાનીથી મળી રહેશે.