ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનો રવિવારે 58મો બર્થ ડે હતો. વિશ્વભરમાં તેમની ઓળખાણ મોટા અને ધનિક ઉદ્યોગપતિઓમાં થાય છે. વૈશ્વિક બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની યાદીમાં સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી છે. આલીશાન જીવન શૈલી જીવવાના શોખીન તરીકે પણ તેમને પ્રસિદ્ધિ મળી છે. પોતાના પિતા ધીરૂભાઇ અંબાણીના કારોબારે તેમને નવી ઉંચાઇઓ આપી છે. પોતાની મહેનત અને ક્રિએટિવ આઇડિયાઝના કારણે આજે તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. જન્મદિવસના પ્રસંગે આજે અમે આપને બતાવી રહ્યા છીએ તેમના જીવનની સંપૂર્ણ કહાની…
આ રીતે શરૂ થયું મુકેશ અંબાણીનું જીવન
મુકેશ અંબાણી રિલાયન્સના કર્તાધર્તા રહેલા ધીરૂભાઇ અંબાણીના મોટા પુત્ર છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957ના રોજ થયો. શરૂઆતથી જ તેમને ખબર હતી કે પોતાના પિતાના કારોબારને કેવી રીતે ઉંચાઇઓ પર લઇ જઇ શકાય છે. તમે જાણીને ચોંકી જશો કે મુકેશ કોલેજ ડ્રોપઆઉટ બિલિયોનર છે. આમ તો, મુકેશ અંબાણીનું પ્રાથમિક શિક્ષણ મુંબઇમાં થયું. ત્યાર બાદ મુંબઇ વિશ્વવિદ્યાલયમાંથી જ કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી. પરંતુ જયારે તેઓ એમબીએ કરવા સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી ગયા, તો એક વર્ષ પછી તેઓ કોર્સ અધવચ્ચે છોડી પોતાના પિતાની મદદ કરવા ભારત પાછા ફર્યા.
1981માં સામેલ થયા રિલાયન્સ ગ્રુપમાં
વર્ષ 1981માં મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપમાં સામેલ થયા. તેમણે શરૂઆતમાં ટેક્સટાઇલ થી પોલિએસ્ટર ફાઇબર અને પછી પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો. તેઓ તેમના પ્રયાસોથી કંપનીને નવી ઉંચાઇએ લઇ ગયા. ત્યાર બાદ તો મુકેશ અઁબાણીએ અટકવાનું નામ જ ન લીધું. સારા નિર્ણયો લઇને તેઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક નવી ઉઁચાઇએ પહોંચાડી દીધી. આજના સમયમાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન હોવાની સાથે સાથે એમડી અને કંપનીના સૌથી મોટા શેરધારક છે. અને ભારત સહિત આખી દુનિયામાં તેમની એક અલગ ઓળખાણ બની છે. તેમની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં જામનગર ગુજરાતમાં બુનિયાદી લેવલે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીની સ્થાપના છે. 26 બિલિયન યુએસ ડોલરના રોકાણથી બનેલી આ રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ, પાવર જનરેશન, પોર્ટ સહિત ઘણાં કામ થાય છે.
અંબાણી બંધુઓમાં ભાગલા
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્ધારા ઘણાં ક્ષેત્રોમાં બિઝનેસ સફળતા પ્રાપ્ત કરી. વર્ષ 2002માં ધીરૂભાઇ અંબાણીના ડ્રીમ પ્રોજેકટ રિલાયન્સ ઇન્ફોકોમના ક્ષેત્રમાં પગલું ભર્યું. આ કંપનીને 31 જુલાઇ 2002માં રજિસ્ટર્ડ કરાવી. પરંતુ બાદમાં જયારે અંબાણી પરિવારમાં બન્ને ભાઇઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે 2005માં વિવાદ થયો. ત્યાર બાદ રિલાયન્સ ઇન્ફોકોમના સ્વામિત્વ નાના ભાઇ અનિલ અંબાણી પાસે ગયું. ભાગલા પછી મુકેશ અંબાણીએ રિટેલ ક્ષેત્રમાં રોકાણ કર્યું.
ભારતના સૌથી અમીર
ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. આ નંબર પર તેઓ ઘણાં વર્ષોથી બિરાજમાન છે. ફોર્બ્સ મેગેઝિનની 100 ધનિકોની યાદીમાં સ્ટીલ સેકટરના દિગ્ગજ લક્ષ્મી મિત્તલ પણ મુકેશ અંબાણી કરતાં પાછળ છે. જો કે અંબાણી બંધુઓ અંગે એવું કહેવામાં આવે છે કે જો બન્ને ભાઇ અલગ ન થયા હોત તો તેઓ આ ધરતીના સૌથી ધનિક વ્યક્તિ હોત.
દુનિયાના સૌથી મોંઘા ઘરમાં રહેછે મુકેશ અંબાણી
બિઝનેસમેન મુકેશ અંબાણી એટલા માટે પણ પ્રખ્યાત છે કે તેમના 27 માળના બહુચર્ચિત ઘર એન્ટિલિયાને દુનિયાના અબજોપતિઓના સૌથી મોંઘા ઘરોના લિસ્ટમાં ટોપ પર રાખવામાં આવ્યું છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર આ ઘરની કિંમત 63 કરોડ પાઉન્ડ એટલે કે અંદાજે એક અબજ ડોલર છે. મેગેઝીનના જણાવ્યા અનુસાર આ આલીશાન ઘરના છ માળ માત્ર પાર્કિંગ અને ગેરેજ માટે છે તથા રહેવા માટે ચાર લાખ વર્ગ ફૂટ જગ્યા છે. જેમાં એક બોલરૂમ છે જેની છત ક્રિસ્ટલથી સજાવાઇ છે. આ ઘરમાં એક સિનેમા થિયેટર, બાર, ત્રણ હેલિપેડ ઉપરાંત બધી અત્યાધુનિક સુવિધા મોજુદ છે. એન્ટિલિયામાં 600 કર્મચારી કામ કરે છે. આ બિલ્ડિંગની છતથી મુંબઇ અને સમુદ્રનો નજારો જોઇ શકાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર