કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક પોતાના મિત્રો સાથે બેસીને રીશેસમાં ગપ્પા મારી રહ્યો હતો. વાત વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતા કહ્યુ , ” યાર તારી પર્સનાલીટી કેવી જોરદાર છે અને તારુ કપડાનું સીલેકશન પણ પરફેક્ટ હોય છે. તને જોઇએ એટલે કોઇ મોડેલની યાદ આવી જાય પણ આજે જ તારા પપ્પા બજારમાં ભેગા થયેલા એનો પહેરવેશ જોઇને કોઇ એમ ન કહે કે એ તારા પપ્પા હશે.” પોતાના પિતાની આ વાત સાંભળીને યુવાન જરા ક્ષોભિલો થઇ ગયો.
કોલેજ પુરી કરીને ઘરે ગયા પછી પોતાની મમ્મીને આજની વાત કરતા કહે, “મમ્મી તું જરા પપ્પાને સમજાવજે એ મારી પર્સનાલીટી પર પાણી ફેરવે છે. જરા કંઇ ઢંગના કપડા પહેરતા હોય તો એને શું થાય ? ” મમ્મીએ બધી વાત સાંભળ્યા પછી કહ્યુ, “બેટા, હું સાંજે તારા પપ્પાને આ બાબતે વાત કરીશ”
સાંજે એ યુવકના પપ્પા થાક્યા પાક્યા ઘરે આવ્યા. જમી લીધા પછી પત્નિએ પોતાના પતિને વાત કરતા કહ્યુ, ” આજે આપણા ચિંટુની કોલેજમાં એના મિત્રો ચિંટુને તમારી વાત કરતા હતા કે તારા પપ્પા એક નંબરના કંજુસ છે સારા કપડા પણ પહેરતા નથી. સાચુ કહુ આપણે ક્યાંક બહાર જઇએ ને ત્યારે મને પણ થાય કે તમે સારા કપડા પહેરતા હોય તો ! ”
પત્નિની વાત શાંતિથી સાંભળ્યા પછી એ ભાઇએ જવાબ આપ્યો, “તમારી બંનેની વાત સાવ સાચી છે મારે ખરેખર કંઇક ઢંગના કપડા પહેરવા જોઇએ અને મને એવા કપડા પહેરવાની ઇચ્છા પણ થાય છે.” પત્નિએ તુંરંત કહ્યુ, “તો પછી તમે કેમ સારા કપડા નથી લેતા? ” પતિએ હસતા હસતા કહ્યુ, “જો હું સારા કપડા પહેરવામાં પૈસા ખર્ચી નાંખુ તો પછી આપણા ચિંટુની પર્સનાલીટીને અનુરુપ કપડા, બુટ, મોબાઇલ અને બાઇક એને કેવી રીતે લઇ આપુ ?”
મિત્રો, આપણા માટે પોતાના મોજશોખને મારી નાંખનાર બાપની સાદાઇથી શરમાવાને બદલે ગૌરવ અનુભવજો. આપણને ચમકાવવા માટે એ બિચારો સાવ ઘસાઇ જાય છે.