અમેરિકામાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ફેબ્રુઆરી 2015ને અત્યાર સુધીનો સૌથી ઠંડો મહિનો ગણાવ્યો છે. ન્યૂ ઇંગ્લેન્ડમાં પરિસ્થિતિ એટલી વકરી છે કે, સમુદ્રના મોજાં પણ થીજી ગયા છે. થીજી ગયેલા મોજાંની આ તસવીરો મેસેચ્યુસેટ્સના સર્ફર જોનાથન નિમરફ્રોહે ક્લિક કરી છે. તેમણે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. હવામાન વિભાગે માર્ચ મહિનાના પહેલા દિવસે બરફ જેવા ઠંડા પવનોની ચેતવણી આપી છે.
નિમરફ્રોહે જણાવ્યું કે, જ્યારે હું સમુદ્ર તટ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જોઇને દંગ રહી ગયો કે, લગભગ 300 યાર્ડ સુધીનો સમુદ્ર જામી ગયો હતો. મોટાભાગના મોજા બે ફૂટ ઊંચા હતા. મેં ત્યાં હાજર અન્ય માછીમારો અને સર્ફર્સને પૂછ્યું કે તેમણે અગાઉ આવું દ્રશ્ય જોયું છે, તો બધાએ ના પાડી હતી.
હવામાન ખાતાનુસાર, ડેટ્રોઇટ અને ડેસ મોઇન્સમાં તાપમાન -4 અને -11 રહેશે. વળી, શનિવારે શિકાગો, પિટ્સબર્ગ અને ફિલાડેલ્ફિયામાં પણ બર્ફીલા પવન ચાલશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ઠંડા પવનોએ 65 વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર