“મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે જો કોઈપણ વ્યક્તિએ યુવાન રહેવું હોય અને તંદુરસ્તી સાથે લાંબું આયુષ્ય મેળવવું હોય તો તેણે અઠવાડિયામાં સતત ત્રણ દિવસ સામાન્ય કસરત કરવી જોઈએ અને ટ્રેડમિલ પર ચાલવું જોઈએ તેમજ દોડવું જોઈએ. આવી કસરત કરવાથી શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ પણ જળવાય છે અને લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે.”
“જો વ્યક્તિએ યુવાન રહેવું હોય તો તેના માટે સતત કસરત કરવા સિવાય કોઈ શ્રેષ્ઠ વિકલ્પ નથી તેમ માઈકલ જી ડીગ્રૂટ સ્કુલ ઓફ મેડિસિનના પ્રોફેસર અને આ અભ્યાસના મુખ્ય સંશોધક માર્ક ટાર્નોપોલસ્કીએ જણાવ્યું હતું. તેમણે ઉંદરો પર આ માટે વિવિધ પ્રયોગો હાથ ધર્યા હતા જેમાં અઠવાડિયામાં સતત ત્રણ દિવસ ટ્રેડ મિલ પર ચાલીને કસરત કરતા ઉંદરમાં વધારે ચુસ્તી અને સ્ફૂર્તિ જણાતા હતા અને અન્ય ઉંદરોની સરખામણીમાં તેની ઉંમર ઓછી જણાતી હતી. સતત પાંચ મહિના સુધી આવા પ્રયોગો કરવાથી ફાયદો થતો હોવાનું અભ્યાસ પરથી જણાયું હતું.”
સતત કસરત કરવાથી ચુસ્તી અને સ્ફૂર્તિ જળવાય અને લાંબુ આયુષ્ય મળે છે
“શરીરના દરેક અંગો નબળા પડે ત્યારે વ્યક્તિ મોટી ઉંમરની કે ઘરડી હોવાનું જણાય છે પણ જો સતત પાંચ મહિના કસરત કરવામાં આવે અને નિયમિત ચાલવામાં અને દોડવામાં આવે તો વ્યક્તિ તેની યુવાની તેમજ ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી શકે છે. વ્યક્તિની યુવાની જાળવવામાં મિટોકેન્દ્રીઆ (કણાભસૂત્ર) મહત્ત્વનું છે. મિટોકેન્દ્રીયલ ડીએનએનું પ્રમાણ વધે તો તેને કારણે શરીરમાં શક્તિનો અભાવ સર્જાય છે અને થાક લાગે છે. આને કારણે શરીરના કોષો તેમજ અંગોની કામગીરી નબળી પડે છે અને વ્યક્તિ મોટી ઉંમરની દેખાવા લાગે છે.”
“જિનેટિકલ ખામી જણાતા ઉંદરને અઠવાડિયામાં ત્રણ વખત કસરતની સતત તાલીમ આપવામાં આવતા તેનામાં ચુસ્તી અને સ્ફૂર્તિનો વધારો થયો હતો જ્યારે તેની જેવા જ અન્ય ઉંદરો કે જેને કસરતની તાલીમ અપાતી નહોતી તેમાં આળસ, નિષ્ક્રિયતા વધી હતી અને કામવાસનાનું પ્રમાણ ઘટયું હતું. અન્ય પ્રાણીઓ પર જ્યારે આવા પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેમનામાં પણ પોઝિટિવ પરિણામો જોવાં મળ્યાં હતાં.”
“સતત દોડવાથી અને ચાલવાથી વ્યક્તિની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવે છે અને શરીરમાં રહેલા મિટોકેન્દ્રીયલ વધારે સક્રિય બને છે. આને કારણે શરીરમાં રોગોનું પ્રમાણ ઘટે છે અને યુવાની વધતા લાંબું આયુષ્ય ભોગવી શકાય છે.”