હિંદુ સંસ્કૃતિના ઘણા બધા પર્વોમાંથી રક્ષા બંધન એક અનોખો સામાજિક તહેવાર છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેનને રક્ષાની ખાતરી આપતા સુતરના તાંતણેબંધાયા હતા.
ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો આ પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રક્ષા બાંધે છે અને ભાઈ યથાશક્તિ ભેટ આપીને બહેનને સુરક્ષાની ખાતરી આપેછે. તદુપરાંત બહેનપણ ભાઈની પ્રગતિ અને સારા આરોગ્યની ભગવાનને પ્રાર્થના કરે છે.
તૂટતી જતી સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવામાં આ તહેવારનું ઘણું મહત્વ છે. ગમેતેટલો નિર્ધન અને ગરીબ ભાઈ હોય તો પણ શ્રીમંત પરિવારમાં પરણેલી બહેન “મર્સિડીઝ”માં બેસીને પણ ભાઈને સુતરનો દોરો બાંધી પોતાનો પ્રેમ અને શુભાશિષ પાઠવવા ભાઈને ઘેર જાય છે. અને ભાઈ પણ યથાશક્તિ બહેનને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. જેને સગી બહેન નથી હોતી તેઓ પોતાની “ધર્મની બહેન” માનીને પણ કેટલાક પોતાને બહેન હોવાનો સંતોષ માને છે
આવા ધર્મના ભાઈ કે બહેન સમાન ધર્મી હોવા પણ જરૂરી નથી. વડોદરા પાસેના એક ગામમાં વર્ષોથી એક હિંદુ મહિલાએ એક મુસ્લિમ બિરાદરને ભાઈ માન્યો છે અને તે અન્ય શહેરમાં રહેતો હોય, બહેન નિયમિત રીતે દરવર્ષે તે મુસ્લિમ ભાઈને રક્ષાબાંધવા તેને ગામ જાય છે.
છેલ્લા 25 વર્ષથી પણ વધુ વર્ષોથી પાકિસ્તાન સ્થિત શ્રીમતી શેખ નામની મુસ્લિમ મહિલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીને પોતાનો ભાઈ માનતી હોય પ્રતિવર્ષ સુંદર રાખડી મોકલે છે, આ વર્ષે રુદ્રાક્ષના પારા સાથે રેશમના દોરાથી ત્રિરંગોવણીને પોતે બનાવેલી રાખડી બાંધવા આજરોજ પાકિસ્તાનથી પોતાના પતિ સાથે ભારત આવી મોદી સાથે રક્ષા બંધન ઉજવશે.
અત્રે નોંધ લેતા દુઃખ થાય છે કે વધતી જતી સાંપ્રત સમસ્યાઓમાં આજકાલ ભાઈ બહેન વચ્ચેના સંબંધમાં તનાવ પેદા કરી દીધો છે. બસ,નજીવું કારણ અને સંબંધો પુરા, આતે કેવું કહેવાય ?
એક બીજાનો “Ego ” વિચારભેદ, મનભેદ, ઉપરાંત કેટલીકવાર પૈતૃક સંપત્તિની વહેંચણી માટે થઈને પણ ઉભા થયેલ વિખવાદે કેટલાય પરિવારમાં ભાઈ-બહેનોને જુદા પાડી, પરિવારને ભાંગી નાખ્યો છે.
સંતતિ અને સંપતિભાગ્યાધીન છે તેવું જાણવા છતાં તેનું ગુમાન પણ એક કારણભૂત છે,ઈશ્વર સહુને સરખું નથી આપતો, શક્ય છે કે ભાગ્યવશ કોઈ ભાઈ કે બહેન, આર્થિક કે સામાજિક રીતે નબળા પણ હોય પણ તેનો અર્થ એવો બિલ્કુલ નથી કે લોહીની સગાઈ તે કારણથી મટી જાય.
બહેન હોવી તે દરેક ભાઈ માટે સૌભાગ્ય છે અને ભાઈ હોવો એ દરેક બહેનો માટે ઈશ્વરની કૃપા છે.
જેને ભાઈ નથી તે ધર્મનોભાઈ બનાવીને સંતોષ માંને છે, જયારે કેટલાક કિસ્સાઓમાં જેને એકથી પણ વધુ ભાઈ હોય તેવી બહેનને ભાઈ ઝેર જેવા લાગે છે.
મને દયા આવે છે તેવા ભાઈઓની કે જેમને દુર્ભાગ્યવશ બહેન નથી સાંપડી અથવા બહેન હોય તો પણ તે નાની ઉંમરે અવસાન પામી હોય. અને મને ધ્રુણા અને તિરસ્કાર સાથે દયા આવે છે તેવી બહેનોની કે જેને જીવતેજીવત ભાઈ હોવા છતાં કોઈપણ કારણ સબબ ભાઈથી સંબંધો તોડી પોતાના એકલવાયા જીવનમાં “ભાઈ વિનાની બહેન” થઈને જીવે છે.
ઈશ્વર, આવા ભાઈ-બહેનોને સન્મતિ આપે !
લેખક : વ્યોમેશ ઝાલા
રક્ષાબંધન પર્વની દરેકને શુભેચ્છાઓ.