પ્રેમ,પૈસો કે પરિવાર?
“જો પૂજન, આઈ.આઈ.ટી.માં એડમિશન, અમેરીકામાં નોકરી અને બી.એમ.ડબલ્યુમાં ફરવું એ જ આજથી તારું ધ્યેય હોવું જોઈએ.” મોટીવેટેડ પૈસા ભરેલો વિચાર મનમાં પસાર થાય છે.
આ જ ક્ષણે,
“બેટા, પૈસા તો વત્તે-ઓછે થઈ રહેશે પણ જો કોઈ વાપરનારું (પરિવાર) નહિં હોય તો શું બટકા ભરશો પૈસાને એકલા?” પૈસાના વિચારને વિંધતો બીજું પરિવારલક્ષી પપ્પાનું બોલેલું વાક્ય મગજમાં આવે છે.
“જો મને છે ને તુ જોઈએ..પૈસો નહિં. ભલે તારા ને મારા મમ્મી-પપ્પા ના પાડે પણ હું તો તને જ પરણીશ. તને ખબર જ છે મને પૈસાથી નહિં તારાથી પ્રેમ છે.” પ્રેમિકાનું આ વાક્ય પૈસાના વિચારને નાબૂદ કરે છે. હવે સવાલ પરિવાર કે પ્રેમ કોને પસંદ કરું એ થાય છે.
“તારા મમ્મી-પપ્પાએ તને ૧૮ વર્ષ ઉછેર્યો. તુ એને આ નવી આવેલી છોકરી માટે તરછોડી દે?”
“હું તારા માટે મારા મમ્મી-પપ્પાને છોડવા તૈયાર છું તો શું તુ મારી માટે તારા મમ્મી-પપ્પાને ના છોડી શકે?”
“મમ્મી-પપ્પા પહેલાં પછી જ બીજા બધા.”
“જાન છીડકે છે એ તારા પર. બધી જ વાત માને છે તારી..તુ જ વિચાર આવી મળશે બીજી ક્યારેય?”
“મોમ-ડેડ..”
“પ્રેમિકા..”
રાત્રિના બે વાગ્યા છે. પૂજન મોટીવેશનલ સેમિનાર જોઈને સૂતો છે. નિંદર ના આવતા પડખા ફરી રહેલો પૂજનના મનમાં ‘પૈસો,પ્રેમ કે પરિવાર’ કોને પસંદ કરવા એ વિચાર પ્રગટ થાય છે. અચાનક જ પૂજન પલંગ પર બેસી જાય છે. ચારેકોર અંધારું છે. પૂજનને કંઈ જ ન દેખાતા તે આંખ ખોલીને ફરી બંધ કરી દે છે.આંખ બંધ કરતા પીળો પ્રકાશ તેને કોઈ બીજા વિચાર તરફ લઈ જતો હોય એમ લાગે છે.
“પૂજન, તારા જેવી સમસ્યા આજના દરેક યુવાનની છે. તુ માત્ર મહેનત કર..મારો સહારો લે, પરિવર્તન આપોઆપ આવશે. હા, તુ જો આગળ વધીશ તો તારું નામ થશે જેનાથી તારા માબાપને તારા પ્રત્યે ગર્વ થશે. તમારા વચ્ચેની લાગણીઓ વધશે ને એ તારો પ્રેમ સ્વીકારશે. આ બધા વચ્ચે તારી મહેનતથી સમયાંતરે પૈસો મળી જ રહેશે.
બસ, જરૂર છે આ વિચારો બંધ કરીને પરિશ્રમ કરવાની. ઓળખી ગયોને મને? હું ‘પરિશ્રમ!’ આ મોટીવેશનલ વિચારો કામ કરવા પ્રેરશે પણ કામ કરાવશે નહિં. કામ કરવા માટે બધુ જતુ કરવું પડે. સપનાઓ તુ તારા આસપાસના લોકોના નહિં તારા પૂરા કર. એકંદરે એ લોકોના આપોઆપ થઈ જશે.”
અચાનક જ આંખ ખૂલી ગઈ. બેઠેલો પૂજન એક જ મિનિટમાં એક જ પડખે સૂઈ ગયો.