ભાઈને અહેસાસ થયો પોતાની ભૂલનો, લાગણીસભર વાર્તા ભાઈ અને બહેનના સંબંધની…

‘સાંભળ એય, આ લે.. રાખડી બાંધી આવજે તારા ભાઈને.. આજ રક્ષાબંધન છે.. તારી ફરજ નિભાવી દેજે.. એણે તો કોઈ દિવસ વિચાર્યું નથી એની ફરજો અને જવાબદારીઓ વિશે..! કોણ જાણે તને એનાથી શું લગાવ છે એવો કે દર વર્ષે આ જાતે રાખડી ગૂંથે છે એના માટે.’

ગંધાતી ચાલીના નાકે આવેલી ઓરડીમાં બીડી ફૂંકતા ફૂંકતા ને લોખંડનાં કબાટના ખાના ખોલ-બંધ કરતા કરતા આરૂઢ બોલી રહ્યો હતો. અત્વરા ચુપચાપ વાસણ માંજી રહી હતી. એને ખબર હતી કે આરૂઢની બીડી પૂરી થઈ જશે એટલે એનું બોલવાનું પણ બંધ થઈ જશે..!!

‘એય, અત્વરા. આમ જો તો તારા માટે હું શું ભેટ લઈ આવું આજ?હજાર રૂપિયા જીત્યો છું આજ તો હું.. તું કે એવી સાડી લઈ આવું તારા માટે.’

અચાનક જ બીડી પૂરી થઈ જતાં ગુસ્સેલ આરુઢે અલગ જ સવાલ પૂછ્યો, ‘કંઈ નહીં… તમે જે પૈસા ખર્ચવાના હોય એ મને આપી દેજો.. મારે લોટ આવી જશે ચાર-પાંચ દિવસનો…’ જવાબ આપીને આરુઢે કબાટ ફંફોસતા ફંફોસતા ફેંકેલી રાખડી લઈને અત્વરા ઓરડીની બહાર નીકળી ગઈ… આરૂઢ ફરી બીડી ફૂંકવામાં લાગી ગયો.

અત્વરા અને આરુઢે લગ્ન કર્યા ત્યારે બંને એકવીસ જ વર્ષના હતા. પ્રેમમાં પાગલ બની ગયેલી અત્વરાએ ભાગીને આરૂઢ સાથે લગ્ન કર્યા હતા. અત્વરાને મા-બાપ નહોતા. પણ જીવથી પણ વધારે તેને ચાહતો એક ભાઈ હતો. મુંબઈના મોટા ઉદ્યોગકારોમાં તેનું નામ સન્માનથી લેવાતું. અત્વરા બાર વર્ષની હતી અને તેનો ભાઈ ત્વરિત વીસ વર્ષનો.. જ્યારે બંનેના મા-બાપ મૃત્યુ પામેલા.. પિતાના ધંધાને ત્વરિતે બખૂબી સંભાળી લીધો હતો. પચીસ વર્ષની ઉમરે તો તેણે એ ધંધો ત્રણ ગણો કરી નાખ્યો હતો.

અત્વરાએ એ વર્ષે તેનું બારમું પૂરું કરેલું. એ પછી તેણે ત્વરિત સાથે ઓફિસ જવાનું શરુ કર્યું હતું.

‘ભાઈ… ચલ ને હવે… તું તો મારા કરતા પણ વધારે વાર કરે છે તૈયાર થતા બાપા… કોણ તને જોવે છે હેં ઓફિસમાં રોજ?’

નવ વાગ્યે તૈયાર થઈને બેઠેલી અત્વરા ત્વરિતની અડધી કલાકથી રાહ જોઈ રહી હતી… દાદરા ઉતરતા ઉતરતા ટાઈ સહેજ ઢીલી કરીને ત્વરિત બોલ્યો, ‘બેના… તારો ભાઈ ત્યાં માલિક છે. પંદરસો જણા કામ કરે છે મારી નીચે… મારી એક પર્સનાલિટી તો હોવી જોઈએ કે નહીં? ચલ હવે બાકી વાતો રસ્તામાં… આજ હું દસ મિનીટ મોડો છું…’

એ જ દિવસે ઓફિસમાં પહોંચતા અત્વરાની મુલાકાત આરૂઢ સાથે થયેલી… આરૂઢ ત્વરિતની કંપનીમાં સેલ્સમેન હતો. લીફ્ટમાં ભટકાઈ ગયેલા આરૂઢની ટ્રીમ દાઢી અને ગાલના ખંજન જોઈને અત્વરા તેને તાકી રહેલી. એ પછી કોફી શોપમાં બંને બીજી વખત ભેગા થઈ ગયાં અને ત્રીજીવાર કોઈ કામ સમજાવવા ત્વરિતે સામેથી અત્વરાને આરૂઢને મળવાનું કહેલું. એ વખતે બંનેએ એકબીજાને નંબર આપ્યો અને શરુ થઈ ગઈ તેમની પ્રેમકહાની… આરૂઢ તેના કોલેજ આવર્સ પછી ત્વરિતની કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો.

ત્રણ વર્ષ ચાલેલા આરૂઢ-અત્વરાના સંબંધની ગંધ ત્વરિતને સહેજ પણ નહોતી આવી.. એકવીસ વર્ષની અત્વરાએ સામેથી જ એક દિવસ ત્વરિતને કહેલું, ‘ભાઈ… બેસ ને તારી સાથે વાત કરવી છે…’

‘બોલ ને બહેન… જો રક્ષાબંધનની ગીફ્ટનો ઓર્ડર હોય તો એ મનોજને લખાવી દેજે બેના… તને જે જોઈએ તે મળી જશે હો…’

‘ના ભાઈ… હજુ તો રક્ષાબંધનને દસ દિવસની વાર છે.. એ પહેલા મારે તને કંઈક કહેવું છે.’

‘હા બેન… શું થયું બોલ ને…’

‘ભાઈ… હું… હું… આરૂઢને પ્રેમ કરું છું. અને અમે બંનેએ લગ્ન કરી લીધાં છે…’

ત્વરિત આ સાંભળીને બે ઘડી તો ચુપ જ થઈ ગયો… અચાનક જ હોશ આવતા ધૂંધવાયેલા અવાજે બોલ્યો, ‘ક્યાં છે એ નાલાયક.. એ મામુલી સેલ્સમેન સાથે તે લગ્ન કર્યાં હેં ? ક્યારે ? ક્યાં ? તને મારો વિચાર પણ ન આવ્યો…? આજ તો એને હું મારી નાખીશ…’

ગુસ્સા સાથે રસોડામાં જઈને ચાકુ લઈને ત્વરિત બહાર નીકળ્યો. અત્વરા તેને રોકવા રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ.

‘ભાઈ પ્લીઝ… મને ખબર હતી કે તું ક્યારેય ‘હા’ નહીં કહે… એટલે જ મેં આ પગલું ભર્યું છે… પ્લીઝ હવે માની જા ને… હું એને ને એ મને અત્યંત પ્રેમ કરે છે ભાઈ…’ એ સાંભળતા જ એકવીસ વર્ષમાં પહેલી વખત ત્વરિતે અત્વરા પર હાથ ઉપાડ્યો.

‘એ છોકરડો તને શું સાચવશે હેં ? દાઢી ઉગાડી લેવાથી પુરુષ નથી થઈ જવાતું… આ તમે જે ભાગીને લગ્ન કર્યાં છે એ એની નામર્દાનગી છે. જો હવે તારે નિર્ણય લેવો જ પડશે અત્વરા… એ માણસને હું તારી સાથે જોઈને બર્દાશ્ત નહીં કરી શકું. જો તું એને ચાહતી હોય તો આ ક્ષણે જ ઘરમાંથી બહાર નીકળી જા… વિચારી લે.. એ અથવા તો હું…!’

અત્વરાએ એક ક્ષણ એના ભાઈની આંખોમાં જોયું અને એની નજર ત્વરિતના કાંડા પર પડી… સહેજ મુસ્કાન આવી ગઈ તેના ચહેરા પર…

અત્વરા હંમેશાં તેણે જાતે ગુંથેલી રેશમી દોરાની રાખડી જ ત્વરિતને બાંધતી અને એ રાખડી ત્વરિત બીજા વર્ષે જ્યારે અત્વરા નવી રાખડી બાંધે ત્યારે જ કાઢતો. અત્યારે પણ ગયા વર્ષની તેણે બાંધેલી રાખડી હજુ પણ ત્વરિતના કાંડા પર હતી. પણ એ કંઈક વધારે પડતી જ ઘસાઈ ગયેલી.

અત્વરા દોડતી તેના ઓરડામાં ગઈ અને તેણે આ વર્ષે ત્વરિતને બાંધવા ગુંથેલી રાખડી લઈને આવી. ત્વરિત ચુપચાપ ઊભો હતો. અત્વરાના જવાબની રાહ જોઈને. અત્વરા તેની નજીક આવી અને તેનો હાથ લઈને કહ્યું, ‘બેસ ભાઈ… ચલ રાખડી બાંધી દઉં… પછી દસ દિવસ પછી હું નહીં હોવ અહીં તારી પાસે…’

ત્વરિતને આ સાંભળતા જ એનો જવાબ મળી ગયો. છતાંય કોણજાણે કેમ એ વાત પર વિશ્વાસ ન કરવો હોય એ રીતે અત્વરા સામે જોઈ રહ્યો. ચાંદલો કરીને અત્વરાએ ચુપચાપ એના ભાઈને રાખડી બાંધી અને પછી દુખણા લીધા.

‘સાચવજે ભાઈ… હું જાવ છું મારા સાસરે… આરૂઢ પાસે…’ એટલું બોલીને અત્વરા ત્વરિત સામેથી નીકળી ગઈ. એકપણ વસ્તુ કે કપડાં લીધા વગર તે ઘરની બહાર નીકળી ગઈ…!

આરૂઢ સાથે પંદર દિવસ પહેલાં કોર્ટ મેરેજ કર્યાં ત્યારે તેણે વિચાર્યું પણ નહોતું કે આ દિવસ આવશે. તેને એમ જ હતું કે એ ત્વરિતને ગમેતેમ સમજાવી લેશે. પણ એ શક્ય ન બન્યું. આરુઢે જ્યારે તેને પોતાના ઘરે આવેલી જોઈ ત્યારે તે બે ઘડી ચોંકી ગયો. એક સાવ નાની ચાલીમાં તે રહેતો હતો. તેની મા લોકોના ઘરના કામ કરતી અને બાપ દારુ પીને આખો દિવસ પડ્યો રહેતો. અત્વરા આ જાણતી હતી. આરુઢે તેને કહેલું જ હતું છતાંય આવી જિંદગી જીવવા તે બંગલો છોડીને આવી ગયેલી એ આરૂઢ માટે આશ્ચર્યની વાત હતી…!

એ પછી શરુ થયો તેમનો લગ્નસંસાર…

ત્વરિતે બીજા જ દિવસે આરૂઢને તેની કંપનીમાંથી કાઢી મૂક્યો હતો… મુંબઈની લીડીંગ કંપનીમાંથી બેદખલ કરાયેલા આરૂઢને એ પછી અનેકગણી કોશિશો કરવા છતાંય ક્યાય નોકરી નહોતી મળતી.

સમય પસાર થતો ગયો એમ આરૂઢ બરબાદીની ખીણમાં ધકેલાતો ગયો. તેના મા-બાપ બે વર્ષમાં એક પછી એક એમ મૃત્યુ પામ્યાં. એ બાદ કોઈની આંખની શરમ પણ તેને નહોતી નડતી. પોતાની આ બેકારી અને બદનસીબી માટે તે અત્વરાને જવાબદાર સમજતો. કેટલીયવાર તેણે અત્વરાને કહેલું કે ત્વરિત પાસે મદદ માગવા જાય પણ અત્વરાને એ મંજૂર નહોતું. એણે લીધેલા નિર્ણયનું પરિણામ એ જ ભોગવવા માગતી હતી.

આરૂઢ દિવસે ને દિવસે જુગાર, ખરાબ સંગત અને બેકારીના નશામાં ભરાઈને બરબાદ થઈ રહ્યો હતો.

વિચારોમાં ગરકાવ થયેલી અત્વરાને ધ્યાન પણ ન રહ્યું કે ક્યારે એનું ઘર આવી ગયું. આરૂઢને જવાબ દઈને તેણે ફેંકેલી રાખડી લઈને અત્વરા ત્વરિતના ઘર તરફ, તેના પિયરે આવવા નીકળી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તે ઘરમાં અંદર પહોચી અને ત્વરિતનાં ઓરડાના મંદિરના ખાનામાં રાખડી મૂકીને બહારની તરફ ચાલવા લાગી. ઘરના વોચમેન તેને અંદર જવા માટે રોકતા નહીં. ત્વરિતે ચોખ્ખી ના કહી હોવા છતાંય તેને ચુપચાપ ત્વરિતની ગેરહાજરીમાં છેલ્લા પાંચ વર્ષથી એક રક્ષાબંધનના દિવસે વોચમેન અંદર જવા દેતા…!

દરવાજા પાસે પહોંચેલી અત્વરા અચાનક જ સામે ત્વરિતને જોતા અટકી ગઈ… શું બોલવું કે શું કહેવું તેની સમજ ન પડતા તે બહાર જવાનો રસ્તો તાકી રહી. પણ દરવાજાની બિલકુલ વચ્ચે ઊભેલા ત્વરિત પાસેથી જવું શક્ય નહોતું.

‘બેના.. ભાઈથી દૂર ભાગવાની આટલી ઉતાવળ ? તો પછી અવાય જ નહીં ને આમ રાખડી મુકવા…!’

‘ભાઈ જવા દે પ્લીઝ… જમવાનું બનાવવાનું બાકી છે… આરૂઢને સમયસર જમવા જોઈએ છે…’

‘એક દિવસ મારો બનેવી મને મારી બહેન આપી શકે હોં… કેમ આપીશ ને આરૂઢ મને મારી બહેન ?’ ત્વરિતની પાછળ આવીને ઉભેલા આરુઢે હકારમાં જવાબ આપતા તેને પણ ત્યાં જોઈને અત્વરા ચોંકી ગઈ.

‘તિલસ્મી, અહીં આવજે… તારી નણંદને તો મળી લે ચલ…’ ઉપરથી દાદરા ઉતરતા એક સ્ત્રી આવીને અત્વરાને વળગી પડી.

‘બેના… એ તારી ભાભી છે… તિલસ્મી. આપણાં મુનીમકાકાની દીકરી. હું એને પ્રેમ કરું છું. એની સાથેનો સંબંધ શરુ થયો ત્યારે મને તારો પ્રેમ અને મજબૂરી સમજાયા બહેન. તું જે કરતી હતી અને તે જે કર્યું એ ફક્ત પ્રેમ માટે હતું એ હું સમજી ગયો. તિલસ્મીએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવ્યો ને અઠવાડિયા પહેલા હું આરૂઢને મળ્યો. એની માફી માંગી અને એને કંપનીમાં પાર્ટનર બનવા ઓફર કરી. પણ આરુઢે ચોખ્ખી ના કહીને એ જ સેલ્સમેનની નોકરી મારી પાસે માંગી લીધી.

 

બહેન, તારો આરૂઢ હીરો હતો… તું ખરી જોહરી નીકળી… મારા લીધે એનું ને તારું જીવન બગડ્યું… એના પાંચ વર્ષ બરબાદ થયા. એક મહત્વાકાંક્ષી છોકરાને મેં મારા ઈગોના કારણે બરબાદ કરી મૂક્યો.

એણે મને કહ્યું કે એ તારી સાથે બહુ ખરાબ વર્તાવ કરતો ત્યારે મને લાગ્યું કે એના એ વર્તાવનું મૂળ કારણ તો હું જ છું. પ્લીઝ બહેન મને માફ કરી દે… માફ કરીશ ને બેના ? આજના આ રક્ષાબંધનના દિવસે તારા વીરાને તારી રક્ષા કરવાની જવાબદારી ફરી સોંપી દે…’ આટલું બોલતા બોલતા ત્વરિત રડી પડ્યો.

‘ભાઈ ચાલ, રાખડી બાંધી દઉં તને. મેં જાતે ગુંથી છે. દર વર્ષે હું તારા માટે ગૂંથતી અને તને બાંધી ન શકું એટલે અહીં આવી તારા મંદિરમાં મૂકી દેતી. આજે હવે એ બધી રાખડીઓ હું તને એકસાથે બાંધીશ.’ આટલું કહીને અત્વરા એના ભાઈને વળગી પડી… તિલસ્મી અને આરૂઢ ભાઈ-બહેનનું એ પુનર્મિલન પ્રેમભરી નજરે નિહાળી રહ્યાં.

‘ચલ ચલ… એય અત્વરા હવે ઈમોશનલ ડ્રામા બંધ હોં… તારા ભાઈને રાખડી બાંધી દે ચાલ… છેલ્લા પાંચ વર્ષની ભેગી થઈને પાંચ રાખડી…’

આરુઢે અત્વરા સામે જોઈને કહ્યું. ભીની આંખે અત્વરા ત્વરિતનાં ઓરડાના મંદિરમાંથી તેણે ગુંથેલી પાંચ રાખડીઓ લઈ આવી…

એ દિવસે રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનું અને પુનર્મિલનનું અતૂટ બંધન બની ગયું. રેશમી દોરીનો એ તાંતણો બંનેને એકબીજાની વધુ નજીક લઈ આવ્યો અને ત્વરિત અને અત્વરાએ પાંચ વર્ષથી મૂક બની ગયેલા રક્ષાબંધનના તહેવારને મનભરીને માણ્યો…!

લેખક : આયુષી સેલાણી

સુંદર અને સમજવા જેવી વાર્તા. આપના વિચારો કોમેન્ટમાં જણાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,796 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>