પૂજા-પાઠ દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેનું ફળ કેટલાકને મળે છે અને કેટલાક લોકોને મળતું નથી. પૂજાનું ફળ ન મળે ત્યારે સમજવું કે તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ છે. આવું તમારી સાથે ન થાય તેવી ઇચ્છા હોય તો જાણી લો પૂજા સંબંધિત કેટલીક વાતો જેનું ધ્યાન રાખવાથી પૂજા પૂર્ણ થાય છે અને તેનું ફળ પણ મળે છે.
પાણીમાં પલાળેલા ફૂલ ભગવાનને ન ચઢાવવા
પૂજા કરવા માટે રાત્રે જ ફૂલ મંગાવી ઘરના ફ્રીઝમાં રાખી દેવામાં આવે છે અને સવારે તેને પાણીમાં પલાળીને ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ અને માનીએ છીએ કે તેનાથી વાસી ફૂલ શુદ્ધ થઈ જાય છે અને તે પૂજામાં ઉપયોગ કરવા યોગ્ય બને છે. પરંતુ આવી ભૂલ ક્યારેય ન કરવી ફૂલ પૂજા સમય પહેલાં જ તાંજા તોડેલા હોય તો જ તેનો ઉપયોગ કરવો. માત્ર કમળનું ફૂલ અને તુલસીના પાન જ વાસી નથી ગણાતાં તેથી તેનો જ ઉપયોગ આવી રીતે કરી શકાય છે.
આરતી કરવાની યોગ્ય રીત
આરતી મન થાય તેટલી વાર ફેરવવી યોગ્ય નથી. આરતી ઉતારવાની ખાસ રીત છે. આ રીત અનુસાર આરતી સૌથી પહેલા ભગવાનના ચરણની ચાર વાર, નાભિ સુધી બે વાર, મુખારવિંદની ત્રણ વાર અને સમસ્ત સ્વરૂપની સાત વાર ઉતારવી. આ સમય દરમિયાન ઘંટડી અચૂક વગાડવી.
હવન-અનુષ્ઠાન કરવાની રીત
પતિ-પત્ની જ્યારે અનુષ્ઠાનમાં બેસે તો તેમાં પત્નીને પતિની જમણી તરફ બેસવું જોઈએ. પૂજા કરતી વખતે તિલક કરાવતી વખતે માથાં પર હાથ અથવા વસ્ત્ર હોવું જોઈએ. પૂજા ક્યારેય ખાલી કપાળે ન કરવી. હવનમાં અગ્નિ પ્રજ્વલિત કરવા પંખાથી હવા ન નાખવી તેમાં ઘીનો જ ઉપયોગ કરવો.
પગે લાગવાની રીત
કોઈપણ વ્યક્તિને એક હાથ વડે પ્રણામ ન કરવા. જો કોઈ વ્યક્તિ સૂતી હોય તો પણ તેના ચરણસ્પર્શ ન કરવા. વડીલોને પગે લાગો ત્યારે બંને હાથથી તેમના બંને પગનો સ્પર્શ કરી અને આશીર્વાદ લેવા..