પતિમાં અચાનક આવું પરિવર્તન જોઇને એની આંખોમાં આંસુ આવી ગયા…

હોસ્પિટલમાંથી ઘરે આવેલી શિખાએ ઘરમાં પગ મૂકતાં જ ઘરના વાતાવરણ પર નજર કરી. આટલા દિવસે ઘરમાં પગ મૂક્યો એટલે એને ઘરનું વાતાવરણ બદલાયેલું જરૂર લાગ્યું. પણ કશું બોલી નહીં. એ સીધી એનાં બેડરૂમમાં જ જતી રહે છે.

શિખાને અભિનો આ બદલાવ ખૂંચવા લાગ્યો. કાયમ ખિલખિલાટ હસતી શિખાનું મૌન આજે એકાએક સોયની માફક અભિને ખૂંચી રહ્યું હતું ને દર્દ થઈ રહ્યું હતું. આ દર્દ પણ કેવું ન કોઈને કહી શકાય કે ન સહી શકાય એવું અસહ્ય દર્દનો અહેસાસ આજે એની આટલી લાઈફમાં અભિને પહેલીવાર થયો.

આજે પૂરા એક મહિના પછી શિખા હોસ્પિટલમાંથી ઘરે આવી હતી. એટલે શિખાએ તો વિચાર્યું હતું કે હું જેવી ઘરમાં પગ મૂકીશ કે ઘરની હાલત જ એટલી ગંદી હશે કે મારે આ હલાતમાં પણ સાફ સફાઈ ઘરની કરવી પડશે. એક મહિનામાંતો ઘરનું વાતાવરણ પણ બદલાઈ ગયું હશે. અભીના સ્વભાવ પ્રમાણે આખું રસોડું જમવાના પાર્સલના પ્લાસ્ટિકથી ભરેલું હશે. ઘરના એક એક ખૂણાઓમાં કરોળિયાઓએ અસંખ્ય ન ગણી શકાય એટલાં જાળાં બનાવ્યાં હશે. ફ્રિજમાં રહેલ ટામેટાં, મરચાં, કોથમીર બગડી ગયાં હશે ને એનાં કારણે આખું ફ્રિજ ગંદી બદબૂથી ભરેલું હશે… બેડરૂમના બેડ પરથી ચાદર મેલાં કપડાંથી જ દટાયેલી હશે ને જે ઘરમાં હું આવી ત્યારે કંકુ પગલાં પાડીને પ્રવેશ કર્યો હતો આજે એ જ ઘરમાં હું ધૂળનાં પગલાં પાડીશ.main (1)

પણ, આ તો સાવ ઊલટું જ થયું. ન ઘરમાં ધૂળનાં પગલાં પડ્યાં કે ન કોઈ કરોળિયાની જાળ દેખાઈ કે ન બેડ પર મેલાં કપડાંનો ઢગલો નજર ચડ્યો. ઘર આખું ફૂલોની સુગંધથી સુગંધીત થઈ મહેકી રહ્યું હતું. ખુલ્લી બારીમાંથી આવી રહેલ પવન આખા ઘરમાં તાજા ખીલેલાં ફૂલોની સુવાસ પ્રસરાવી રહ્યો હતો.

બેડરૂમના બેડની ચાદર પર એક એકદમ સફેદ અને પીળાં ગુલાબનો મોટો ફૂલ ગુચ્છ પડ્યો હતો શિખાના સ્વાગત માટે. આ બધી જ તૈયારી કરી હતી શિખાના હસબન્ડ અભીએ.

શિખા અભીના આ બદલાવથી ખૂબ પરેશાન હતી. આમ અચાનક કોઈ વ્યક્તિ આટલું બધું કેમ બદલાઈ શકે ? જે વ્યક્તિને પાણીનો ગ્લાસ ભરવાની ને પીવાની પણ આદત નથી. જે વ્યક્તિ ઘરમાં પગ મૂકતાં જ બૂમો બરાડા કરી મૂકે, જેને બધું જ સમયસર જ જોઈએ. એ વ્યક્તિમાં આટલું બધું પરીવર્તન કેમ આવી શકે ? શિખાને આમ તો મનમાં ખુશી પણ હતી અભિનો આ બદલાવ જોઈને પણ, સાથે સાથે મૂંઝવણ પણ હતી જ.

હજી આ બધું વિચારી જ ત્યાં જ એની નજર પેલા પુષ્પગુચ્છ પર જાય છે. એમાં એક લેટર પણ હતો. ત્યાં જ નજર જતાં જ શિખા એ લેટરને લેવા થોડું જિજીવિષા સાથે એ તરફ એના પગ ઉપાડ્યા. હાથમાં લેટર લીધો અને વાંચવા લાગી.
જીવનભરનો સાથ એવી મારી વ્હાલી અર્ધાંગિની શિખા,૪

શિખા જ્યારે મે તને પહેલી જ વાર જોઈ. ત્યારે તું ચાનો કપ મને આપતા પણ ધ્રૂજતી હતી. મારું ધ્યાન તારા કંપતા હાથ પર ગયું. તું તો મને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. પરંતુ તારા ધ્રૂજતા હાથને જોઈને મને લાગ્યું કે આ છોકરી જો આવનાર મહેમાનને ચા આપતા પણ ધ્રુજી જાય છે તો એ મને અને મારા ઘરને કેમ સંભાળશે ? હું સ્વભાવે ખૂબ ગરમ ને ગુસ્સાવાળો ને સુનામીના મોજા જેવો. તું એકદમ શાંત વહેતી નદી જેવી. તું કેમ મારો આવો પ્રવાહ સહી શકીશ. પરંતુ મને તો તને જોતાંવેંત જ પ્રેમ થઈ ગયો હતો. તારું રૂપ જ મનમોહી લેનાર છે. મેં જેવા સ્વપ્ન જોયા હતા. મારા જીવનસાથી માટે એ બધા જ ગુણ મેં તારામાં જોયા. મને ઘરમાં પગ મૂકતાં જ સોળે શણગાર સજેલી ને એકદમ રૂપાળી અપસરા જેવી પત્ની જોઈતી હતી. બધા પુરુષને આવી જ આશા હોય છે. આવા જ સ્વપ્ન હોય છે એની જીવનસાથી પ્રત્યે.
આપણાં લગ્ન થયાં. સપ્તપદીમાં આપેલ સાતેય વચન તું પ્રમાણિકતાથી નિભાવતી રહી. ને હું ? એ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ એ બધું ભૂલતો ગયો.

તું ક્યારેય મારી સમું નથી બોલી. હું હાથ ઉપાડી લવ તો પણ તું એક ખૂણામાં રડી ને ત્યાં જ તારા દુઃખના દરિયાને અંતરના એક ખૂણામાં છુપાવી મારી સામે તો હસતી જ નજર આવતી.

મેં કેટલીય વાર થોડી ઠંડી થઈ ગયેલી ચાના ભરેલા કપનો ઘા કર્યો હશે ને પાછો કેટલુય બબડતો બબડતો ઓફિસ ચાલ્યો જતો… હું તો ઓફિસ જતાં જ નવા વાતવરણમાં આવી જતો ને હું બધું જ ભૂલી જતો એક ક્ષણમાં… પણ તું…? તું તો આખો દિવસ એ જ ઘરમાં… એ જ દિવાલોની વચ્ચે, એ જ તૂટેલા કપની સામે. હું કેટલુંય ન બોલવાનું બોલતો હતો. તો તને એના પડઘા આખો દિવસ પડ્યા જ કર્યા હશે ને આખી દિવસ કેટકેટલા વિચારો આવ્યા હશે ? તો પણ હું સાંજે આવું તું મારા માટે ગરમા ચા અને બિસ્કિટ સાથે એવી જ તૈયાર થઈને હસતી માટી સામે હાજર.

એક સ્ત્રી આટલું બધું કેવી રીતે સહન કરે શકે ? આ તારી મહાનતાને હું ક્યારેય ન સમજી શક્યો !

હદ તો ત્યારે થઈ જ્યારે મે તને તારા સગાભાઈની સગાઈમાં ન જવા દીધી. એ પણ ખાલી નનાની એવી વાતમાં કે, હું જમાઈ છું એ ઘરનો તો મને ગોળ ખાવામાં કેમ સામેલ ન કર્યો ? એ જ પ્રશ્નમાં મેં તારું બાળપણ જ્યાં વીત્યું, તારા જન્મ દેનાર તારા મા- બાપથી દૂર કરી. ને તને સગાઈમાં તો ન જવા દિધી પણ રોજ એટલી જ વાતમાં દિવસમાં યાદ આવે તેટલીવાર તારા પિયર વિષે બોલ્યા કરતો. છતાં તું ચૂપચાપ બધું સહન કરતી રહી ને એક શબ્દ પણ તે મને સામે ન વાળ્યો કે ન કોઈ પ્રશ્ન. એકદમ મૌન રહીને તું કેટલા બધા અન્યાય સહન કરી શકે છે ? આવા અન્યાય સહન તો એક દીકરી જ સહન કરી શકે.

આજે તું તો આપણું એક્સિડંટ થયું એટલે હોસ્પીટલમાં હતી. એ સમય દરમ્યાન મને તારા દુઃખનો અહેસાસ થયો. એ પણ આપણી વિશ્વના હિસાબે. તું તો જાણે જ છે કે વિશ્વાને હું મારી સગી બહેન જ માનું છું. ભલે, એ મારા કાકાની દીકરી પણ છે તો મારી જ બહેનને. તારી ખબર પૂછવા માટે વિશ્વાને હોસ્પિટલ આવવું હતું અને રાકેશકુમારે એને ન આવવા દીધી. બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો ને વિશ્વાનેએની બેગ ભરીને આવે ગઈ પિયર.

જ્યારે વિશ્વાએ માને રડતાં રડતાં આ વાત કહી તો હું રાકેશકુમારને મળવા પહોંચી ગયો. મારું તો લોહી ઉકળી ગયું એને જોઈને જ. મને થયું કે હું આને અહિયાં જ બે ચોડી દવ. જે દીકરીને અમે તને સોંપી તું એના જ ઘરે એને જવાની કેમ ના કહી શકે છે ?
આમ, બોલીને મેં કેટલાય ખરાબ ખરાબ શબ્દો રાકેશકુમારને કહ્યાં,

રાકેશકુમાર એક જ શબ્દ બોલ્યા, કે મે ત્યાં આવવાની ના જ નથી કહી. મેં ખાલી એને ત્યાં આવવાનું શિડ્યુલ બદલવાનું કહ્યું. કેમકે ગામડેથી મારા મમ્મી પપ્પા આવવાના હતા. એ પણ ખાલી બે કલાક પૂરતા જ. તો શું એ બપોરની જગ્યાએ સાંજે ન આવી શકે ત્યાં. શું તમારા બેન માટે એ જ ઘરનું બધું સાચવે. આ ઘરનું કશું નહીં ? તમે જ શિખાભાભીને આમ એમના પિયર જવાનો સમય ચેન્જ કરવાનું કહો એ પણ આવા કારણસર તો શું શિખા ભાભીને અપમાન કર્યું એના પિયરવાળાનું એવું લાગશે ?

“અભિભાઈ, તમે જ હવે વિચારો હું ખોટો હોય તો.” આટલું બોલી રાકેશકુમાર તો ઊભા થઈને નીકળી પડ્યાં. પણ એમના અમૂક શબ્દોએ મારી આંખ ખોલી દીધી. ને મને ત્યારે સમજાયું કે મે મારી શિખાને કેટલો બધો અન્યાય કર્યો છે.

જો તું મારા માટે આટલી બધી બદલાઈ શકતી હોય, આટલો બધો મારો ગુસ્સો સહન કરી શકતી હોય ને મારા પ્રેમ ખાતર તું તારા પિયર પણ જતી હોય તો શું હું થોડુક ન બદલાઈ શકું ?

આમ પણ તું હોસ્પીટલમાં હતી ત્યારે મને તારું મૂલ્ય સમજાઈ ગયું. મને વાતે વાતે તારી આદત પડી ગઈ છે. હું તારા વગર ગાંડો બની ગયો હતો. મારું જીવવું એ તારા વગર તો અશક્ય જ છે. એવું મને લાગ્યું.

મેં જે વ્યક્તિને આટલો પ્રેમ કર્યો એ જ વ્યક્તિને હું કેમ હેરાન કરી શકું ? મેં મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા તારા મમ્મી પપ્પા પાસે પણ માફી માંગી લીધી છે. એ લોકો પણ કાલે આવવાના છે.

પ્રેમ એટલે લેવું નહીં પણ આપવું. એ હું તારી પાસેથી શીખ્યો.

મને માફ કરી દે શિખા !main

બસ, આટલે સુધી જ એ પત્ર વાંચી શકી ને કેટલાય વર્ષોના ભીતર સંઘરી રાખેલા આંસુઓ એકસાથે ધોધમાર આંખોમાંથી ટપકવા લાગ્યા.
ત્યાં જ અભિ રૂમમાં આવે છે. શિખાને આમ રડતી જોઈ એ એટેલું જ બોલ્યો, “રડી એ શિખા, મનમૂકીને રડી લે… કદાચ આજે અત્યાર સુધીને જિંદગીની ખરાબ યાદો વહી રહી છે. જેમ રાત પછી જ સવાર પડે છે. એમ કદાચ હવે આપણી પ્રેમાળ જિંદગીનો સૂર્યોદય થશે !”

|| અસ્તુ ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

આપના વિચારો કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,148 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16