એ માસિકના દિવસો, એ દિવાળીની રાત, છતાં પરિવારે એકલાં જેવી અનુભૂતિ લાગણીસભર વાર્તાઓ…

૧. પ્રત્યાઘાત – પ્રીતિ ભટ્ટ

“રિતેશ, તમે અત્યારે ફ્રી છો?” કાવ્યાએ પ્રેમથી પૂછ્યું. રિતેશ ચિડાઈને બોલ્યો, “કેમ શું છે?”
“એક વાર્તા લખી છે, તમને સંભળાવવા માંગું છું; કોઈ ભૂલ હોય તો સુધારી આપજો.”

  • “ઓહો વાર્તા! તો હવે તું વાર્તા લખવાની?”
  • “ના બસ, એમ જ વિચાર આવતાં લખી.”

“રે’વા દે! આ બધું તને નથી શોભતું સમજી! જેવી તું તેવી તારી વાર્તા – તદ્દન બકવાસ.”

કાવ્યા મનોમન જ સમસમીને બેસી રહી. બીજે દિવસે રિતેશ અગાશીમાં ફોન ઉપર કોઈક સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો, “ડિયર, તારી

કવિતા વાંચી. સાચ્ચે, સીધી હૃદયને સ્પર્શી ગઈ! તું જેટલી સુંદર છે એટલી જ તારી રચના પણ…”

કાવ્યા આયના સામે ખુદને નિહાળતાં બોલી, “હા રિતેશ! સાચ્ચે જ, હું બકવાસ દેખાઉં છું એટલે મારી વાર્તા પણ… હું હાર નહીં માનું.”

રિતેશ છાપું વાંચવા બેઠો; છાપાની પૂર્તિમાં ‘એક પ્રત્યાઘાત – કાવ્યા મજમુદાર’ વાંચતા જ એની આંખો ચોંકી ગઈ.
કાવ્યાનો મોબાઈલ રણક્યો, સ્ક્રિન પર ફ્લેશ થતા નામને જોઈ રિતેશની આંખ ચમકી, કાવ્યાના હોઠ મલકયા.

૨. બદલો – સમીક્ષા ઠુંમ્મર

“અંધારી રાત, બિહામણાં અવાજો, ભયાનક ચીસો… ચિંતા ન કર, એ બધાથી પણ વધારે ભયાનક હતી અમારી હયાતી.”
“સાંભળો છો? ચિન્ટુના રીઝલ્ટમાં સહી કરવાની છે, કરી આપોને…!”

“ભાભી! તમે તો આખી વાતની મજા બગાડી નાખી, વાત કરવા દો ને શાંતિથી.” પાળી પર બેઠેલો નિલયનો મિત્ર બબડ્યો.
“સોરી બાબા! સહી કરી આપો પછી જે કરવું હોય એ કરો”

“લાવ જલ્દી ”

“આપણે ક્યાં હતાં, એ બધાથી પણ વધારે ભયાનક હતી અમારી હયાતી…”

“કદાચ અમારી પણ…!” ક્રિશે દિવ્યા સામે જોઇને એક કપટી સ્મિત ફેંક્યું, ને ચાર કપટી હાથના ધક્કાએ નિલયને હવામાં ફંગોળ્યો. લાશ જમીન પર ને જીવ અધ્ધર…

“શહેરના જાણીતા સી.આઈ.ડી. ઓફીસર નિલયે ચોથા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી! તેમણે પોતાની બધી મિલકત અનાથાશ્રમના મેનજર અને તેમનાં મિત્ર ક્રિશના નામે કરી છે.” પેપર નીચે મૂકતા દિવ્યાને સંતોષ થયો.

“દિવ્યા, એક વાત ખબર ન પડી, તારે મિલકત નહોતી જોઈતી, તો પછી નિલયને મારવાનું કારણ?”
દિવ્યાની આંખો ભૂતકાળની કોઈ ઘટના સામે જાણે અંગારા વરસાવતી હતી, ને તેને બુજાવા જ ફરી આંસુ બની ને સરતી હતી..

૩. પિરિયડ એટલે? – સંકેત વર્મા

‘રીનાને થયું હતું એવું જ બધું થાય છે,’બે પગ વચ્ચે કાપડનો ડૂચો ખોસતાં કાવ્યા મનોમન બોલી, ‘પણ મેં તો એની જેમ કોઈ ખરાબ મૅગેઝિન ય જોયું નહોતું, ન તો ત્યાં અડી! તોય? આ લોહી…’ એણે પેડુ પર જોરથી દબાવી રાખેલો હાથ ઊઠાવીને બે પગ વચ્ચે ઉભરાયેલા લોહીને જોયા કર્યું.

‘મમ્મીને કહું? ના… એને થશે કે મેં ય રીના જેવું કંઈક કર્યું હશે! ગયા મહિને તો બંધ થઈ ગયેલું! પણ આ પાછું? હવે બંધ નહીં થાય તો? કેટલા ડૂચા ભરાવું! પપ્પાને ખબર પડશે તો? સ્કૂલમાં? ના ના, રીનાની જેમ મનેય… મન તો થાય છે રીનાની જેમ હું ય… એણે ઉપર પંખા

સામે જોયું અને આંખમાંથી દડદડ આંસુ પડવા માંડ્યા.’

ધડ ધડ ધડ. દરવાજો ઠોકાયો. “કાવ્યા…”, મમ્મી આવી ગઈ હતી.
એણે તરત આંસુ લૂછ્યાં.

“કાવ્યા, શું કરે છે? બહાર આવ, તારો બ્લૅક દુપટ્ટો આવી ગયો છે…”
એણે ધીરેથી દરવાજો ખોલ્યો.

મમ્મીની થેલીમાં રહેલા – બ્લૅક દુપટ્ટો અને છાપામાં વીંટાળેલું સેનિટરી પૅડનું પૅકેટ – એકબીજાનીસામે જોઈ રહ્યા.

૪. પોતપોતાનું સત્ય – જીજ્ઞેશ અધ્યારૂ

“રિડિક્યૂલસ, આ બકવાસ તારું સત્ય હશે, પણ મારા મતે તું તકવાદી છે, બીજાની લાગણીને અંગત સ્વાર્થ માટે વસ્તુની જેમ વાપરી જાણે છે.”

“મિ. શાહ, હું વિધવા થઈ પછી તેને ચાહતી થઈ તેવું નથી. વર્ષોથી ચાહું છું.”
“પણ લકવાગ્રસ્ત સાથે, સ્વાર્થ વગર! પ્રેમ શક્ય નહોતો તો પછી આ સંબંધ કોની જરૂરત હતી…?”

“ઈનફ… એવું હોત તો તમારા જેવા વકીલોમાં અને મારા હેતુમાં કોઈ ફરક ન હોત.”
કોલાહલ સાથે “ઓર્ડર ઓર્ડર…”નો પડઘો પડ્યો,

“તમારા જેવી સ્ત્રીને સમાજ કયું વિશેષણ આપે ખબર છે?”

“એ સમાજનું સત્ય છે, લકવાગ્રસ્ત હતા ત્યારે તેમની સાથે મારા પતિના કહેવાથી લગ્ન કરેલા, એમાં કોનો સ્વાર્થ હતો? છવ્વીસ વર્ષની છોકરી અને સાહીંઠ વર્ષનો ઉદ્યોગપતિ. હું ફક્ત નર્સ હતી. આજે એ નથી અને વિલમાં મારું નામ છે; ફક્ત એટલે હું કોઈકનો સહારો ન બની શકું? એ પણ જીવનના અંતિમ તબક્કામાં છે! અને માઈન્ડ યૂ વકીલ સાહેબ, હજી હું વિધવા નથી, આ અમારું સહિયારું સત્ય છે જેને સમાજની કોઈ મહોરની જરૂર નથી. સ્ત્રીના પ્રેમને તમે શરીરની આગળ જોઈ નથી શક્તા એ તમારું નગ્ન સત્ય છે, એ તમને જ મુબારક, ગેટ વેલ સૂન સાહેબ.”

સફેદ સાડીના છેડાથી એણે પરસેવાને લીધે રેલાઈ રહેલા લાલ ચાંદલાને સંકોર્યો, ને ફરી તારીખ પડી.

૫. દિવાળી – ડૉ. હાર્દિક યાજ્ઞિક

સવારથી અમરતલાલ દરેક ક્ષણ અકળાતા હતા. બે દીકરા, વહુઓ, અને એમના દીકરા દીકરીઓ, બધાંને માંડ માંડ એક સાથે ભેગા રહેવા દિવાળીએ બોલાવ્યાં તો ખરાં પણ…

પૌત્ર પૌત્રીઓને ખોળામાં બેસાડીને વાર્તા કહેવાની ઇચ્છા છોકરાઓના હાથમાં રહેલ સ્માર્ટફોને લઇ લીધી. દાદાની સામે જોવાનો પણ સમય તેમની પાસે નહોતો. મોટો દીકરો આવ્યો ત્યારથી રૂમમાં ભાન ભૂલીને ઉંધેકાંધ પડ્યો હતો, એના માટે દિવાળી એટલે શરાબ. નાના દીકરા અને વહુના પડી ગયેલા ચહેરા પર આ ફેમિલી ગેટટુગેધરને લીધે છોડવી પડેલ દુબઈની ટૂરનો વસવસો આવ્યા ત્યારથી દેખાતો હતો. આવતાંની સાથે બંને વહુઓએ સાસુની સાથે કાળો કકળાટ કર્યો.

અંતે દિવાળીની રાત્રે ગેલેરીમાં, ઘરની વ્યક્તિઓ સાથેના સંબંધો જેવી જ તકલાદી ચાયનીઝ એલ.ઈ.ડીના અજવાળામાં અમરતલાલ ઊભાહતા. રસ્તાની પેલે પાર રહેતા જગુ મોચીના ઝૂંપડે તેમની નજર પડી. જગુનો દીકરો–વહુ માટીના કોડીયામાં તેલ પૂરતા હતા. નાનકડો પૌત્ર જગુ મોચીના ખોળામાં બેઠો હતો. ત્યાં પોતાના ઘરની જેમ ચાયનીઝ એલ.ઈ.ડીથી થયેલું અજવાળું નહોતું પણ ભારતીય સ્ટ્રીટ લાઇટનો ઝગમગાટ હતો.

આ જોઈ મનોમન કશુંક નક્કી કરી અમરતલાલ ઘરમાં પથરાયેલા પોકળ પ્રકાશને બંધ કરવા આગળ વધ્યા.

૬. પતંગિયું – સોનિયા ઠક્કર

“તમારી હિંમત કેવી રીતે થઈ, મારા પૌત્ર પર હાથ ઉપાડવાની?” શાળાનું વાતાવરણ ઉગ્ર હતું. બગીચામાં એક ખૂણે પતંગિયું બહાર આવવા મથતું હતું.

“પણ સર, મેં હાથ ઉપાડ્યો જ નથી. હું એના ઉપર સ્‍હેજ ગુસ્સે થયો અને હાથ હવામાં જ ઉગામ્યો હતો, ને એ પાછળ હટ્યો ને માથું બેંચ સાથે અથડાયું.” મથામણ ચાલુ જ હતી.

“અમારે કોઈ દલીલો સાંભળવી નથી, તમે અત્યારે જ માફીપત્ર લખો.” પ્રિન્સિપલે નિર્ણય જણાવ્યો.
“સાંભળ, સર માફીપત્ર લખવાનું કહે તો ચૂપચાપ લખી આપજે. અહીં ટકવું હોય તો એ લોકો કહે એમ કરવાનું.” પતંગિયાંની નજર બાજુમાં નિર્જીવ બની પડેલા જીવ તરફ હતી.

“મારો કોઈ વાંક નથી. મેં તો એને હાથ અડાડ્યો પણ નથી. ગમે તે થાય હું માફી તો નહીં જ માગું. ટ્રસ્ટી છે તો શું થયું!” સત્ય બહાર આવવા મથતું હતું.

“ભૂલેચૂકેય જોજો એવું કરતો! એ છે તો આપણે છીએ. એના વગર શું સક્કરવાર વળવાનો? મારી વાત સમજ.”

“મિ. વિશ્વાસ! ક્યાં ખોવાઈ ગયા?” પ્રિન્સિપલે તંદ્રા તોડી. બહારથી બોલ આવી અથડાયો અને અવરોધતું પળ તૂટી ગયું.
વિશ્વાસનો પત્ર પ્રિન્‍સિપલના હાથમાં મૂકાયો. તે બહાર આવ્યો, ઉડતું પતંગિયું નજરે ચડ્યું.

૭. સંસાર – દિવ્યેશ વિ. સોડવડિયા

“જુવાનજોધ દીકરો ખોયો એનું દુઃખ થાય પણ આજે મોકાણ ન હોય બહેનો!” કહી ભગવાનભાઈએ આગળ ઉમેર્યું, “મારો તો પેઢીઉપાડ થઈ ગયો.”

સાચાખોટા ડૂસકાં હૈયામાં ધરબી સહુએ ફળિયામાં જોયું. ઝૂલથી સંપૂર્ણ ઢાંકીને લવાયેલા વાછરડો-વાછરડી ‘અધીરાં’ થતાં’તાં. શોક પર અમસ્તા સ્મિતનો ઢોળ ચઢાવેલ ચહેરાઓએ લીલ પરણાવવાની વિધિ પતાવી.
સઘળું સંકેલી; કબાટમાંથી દીકરાની ડાયરી કાઢતા ભગવાનભાઈને જોઈ હંસાબેને હીબકાં ભર્યાં, “રજતને લગ્ન કરવા જ નહોતા. તમે માની ગયા હોત તો… એ નદીમાં ન પડત. મેં મરતા દીકરાનું મોંય ન ભાળ્યું.”

ડાયરી સળગાવી ભગવાનભાઈએ ફોન જોડ્યો, “લીલ પરણાવવામાં ‘બેઉ વાછરડા’ હતા, એે કોઈને કહેતા નહીં!”
તરત સંબંધ છેકતો મેસેજ ઝબક્યો, ‘હું મારા ‘સંસાર’માં પહોંચી ગયો.’

૮. ચહેરો – નિમિષ વોરા

“બટ, હાઉ કેન હી ડુ ધીસ? આટલા દિવસોમાં જ…? હજુ તો મમ્મીને ગયે…”

“રડ નહીં પ્લીઝ.”

“શું પપ્પાને મમ્મી પ્રત્યે કોઈ લાગણી જ નહોતી? અત્યારનો એમનો ચહેરો તો કદાચ એ જ કહી રહ્યો છે.”

“કોઈને ચહેરો નથી કુંતલ, મહોરાં પાછળ પણ ક્યારેક બીજું મહોરું નીકળે તેવું બને.”

“તમે પપ્પાને કશું નહીં કહો? ભલે એમના ભાઈ રહ્યા પણ મને હંમેશ પપ્પાની હૂંફ તમે આપી છે અંકલ..” આટલું બોલી કુંતલ વિશ્વેશને વળગી પડી. વિશ્વેશે તેને રડવા દીધી, વાળ પર હાથ ફરતો રહ્યો.

“અંકલ, આઇ થિંક મમ્મીનું મૃત્યુ પણ કુદરતી નહોતું…”
એક ઝાટકા સાથે વિશ્વેશના હાથ થંભી ગયા અને કુંતલની રડતી આંખો ખુલી ગઈ.

૯. મૌન સંવાદ – ઝીલ ગઢવી

મૌન સંવાદ પણ હું મારા હૃદયના ખૂણામાં સજાવી એને વિચારોમાં વાગોળતી બેઠી. એક ડૂસકું બહાર આવવા ક્યારનું મથામણ કરતું હતું. મારા મોં પાસે એક હાથ આવ્યો. ડૂસકું ઝીલવા જ તો!

“મેં ના પાડી હતી.. આંસુ નબળા માણસોની નિશાની.. અને તું તો મારી ઝાંસી..”

મારા મુખ પર હાસ્યની રેખા આવી ગઈ. મેં આંસુ લૂછયા..અને સાહજિક બોલી, “હવે તો ક્યાંય નહીં જાય ને!”
વાત હવામાં જ રહી ગઈ. ફરી ખાલીપો મને ઘેરી વળ્યો.

1૦. ગંજીપો – સંજય થોરાત

“પ્રવિણ, ગંજીપો ચીપવાનું કામ તારું, મારું નહીં..” સત્યેને મિત્ર પ્રવિણને પ્રેમથી ના પાડી દીધી.

“અરે, રમે નહીં તો કાંઈ નહીં, બાજુમાં બેસ તો ખરો.” પ્રવિણની ગંજીપો ચીપવાની સ્ટાઈલ અને હાથચાલાકી એ ધ્યાન મગ્ન થઈ જોયા કરતો. નેપાળ ફરવા ગયેલા સત્યેનની બેગ ચોરાઈ ગઈ. ખિસ્સામાં માત્ર હજાર રૂપિયા… એને પ્રવિણના શબ્દો યાદ આવ્યા, ‘નેપાળ જાય છે તો કસીનોમાં મારા નામે હજારનો ગંજીપો ચીપતો આવજે…’
અને એ ઉપડ્યો…

કસીનોમાં બધાની નજર સત્યેન પર હતી, એણે એવો તે ગંજીપો ચીપ્યો કે જોતજોતામાં લાખ રૂપિયા જીતીને ઊભો થયો.
એ બંધ આંખે પ્રવિણને નિહાળી રહ્યો હતો. “લાખ રૂપિયા પગાર, ખાવા-પીવા-રહેવાનું મફત… બોલ, કામ કરવું છે?” કસીનોનો માલિક સત્યેનના ખભે હાથ મૂકી ઊભો હતો.

“શેઠ, મજબૂરી હતી… બાકી ગંજીપો ચીપવાનું કામ…’

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન ગ્રુપ

આપને કઈ વાર્તા પસંદ આવી જણાવજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,656 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>