દરેક ગીફ્ટ એ બહુ ધ્યાનથી અને ઉત્સુકતાથી ખોલી રહી હતી, પણ એક ગીફ્ટ જોઈને તેને નાચવાનું મન થયું…

ભેટ વહેલી સવારે મળી ગઈ હતી. પણ આખો દિવસ આમજ બંધ જ પડી રહી રહી. વારતહેવારે ઓછી દોડાદોડી અને કાર્યો હોય ? રીતિરીવાજો અને પ્રથાઓ સંબંધોને કેવા એક તાંતણે બાંધી રાખે ! વ્યસ્ત જીવનની વચ્ચે ડોકિયા કરી ચપળતાથી યાદ અપાવી જાય : ‘જો જો સંબંધોને સાચવી રાખજો , એજ સાચી જીવન મૂડી .’
રાતના સન્નાટામાં ઘોડા વેચીને ઊંઘી રહેલ પરિવારના સભ્યો વચ્ચે નિર્મલાના હાથ શાંતિથી મૌન જાળવી ભેટ ખોલવામાં વ્યસ્ત  હતા. આ ઘરમાં આવ્યા પછી દરેક નવા સંબંધ તરફથી કઈ – કઈ પ્રથમ ભેટ મળી એ નિર્મલાના વિચારોમાં યાદી સમી દ્રશ્યમાન થઈ રહી હતી.

શૈલેષે એને મોટો ફૂલોનો બુકે અને  ‘ઈન્ડિયન ચાનીઝ ફૂડ રેસિપી ‘નું પુસ્તક ભેટમાં આપ્યું હતું. શૈલેષને ફૂલ અને બુકેનો ખુબજ મોહ , એ વાતતો શૈલેષ જોડે સગાઈ થઈ હતી ત્યારથી એ જાણતી હતી. જમવાનો એ ભારે શોખીન. એમાં પણ ‘ઈન્ડો ચાઈનીઝ ફૂડ’ તો એનું સૌથી પ્રિય. નિર્મલાને શૈલેષ તરફથી આજ સુધી દરેક ટ્રીટ ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરાંમાંજ મળી હતી. હવે તો એ જાતે પણ કેટલું સરસ ઈન્ડો ચાઈનીઝ ઘરે જ તૈયાર કરી શૈલેષની દરેક રજાના દિવસને ચારચંદ લગાવી દે છે.

શૈલેષની માતાએ એને સૌ પ્રથમ દાગીના ભેટમાં આપ્યા હતા. બહુ ભારેખમ અને ઊંચા કેરેટના એ ઘરેણાં અંગે એને જાતે કોઈ ઊંડું જ્ઞાન તો ન હતું. બાળપણથીજ એને બહુ ઘરેણાંઓ પહેરવા ગમતા નહીં. સાદો અને હળવો પહેરવેશ એને આકર્ષતો. પણ બાળપણની વાત જુદી હતી. હવે શૈલેષના ઘર અને કુટુંબના એક સભ્ય તરીકે એણે જાહેર સ્થળો અને કાર્યક્રમોમાં હિસ્સો લેવાનો હતો. પોતાના પરિવારની આન , બાન અને શાનનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. પોતાની પરિવારની વહુ માટે અત્યંત ચોકસાઈ વાળી પસંદગીથી વસાવવામાં આવેલા એ ઘરેણાં હમણાં સુધી જીવનમાં મેળવેલ સૌથી ઊંચા આંકડા વાળી ભેટ હતી. નિર્મલાએ એ ભેટનું અત્યંત સંભાળ પૂર્વક જતન કરવાનું હતું અને એ કરી જ રહી હતી.

શૈલેષના પિતાએ કેટલાક ધાર્મિક પુસ્તકો અને આધ્યાત્મિક વાંચન સામગ્રી ભેટ ધરી હતી. આધ્યાત્મિક શિક્ષણ તરફ એમને અનન્ય રસ અને રુચિ. ઘરના એક ખૂણામાં એમનું પોતાનું નાનકડું પુસ્તકાલય એમણે વસાવ્યું હતું. જેમાં જુદા જુદા દેશના, જુદી જુદી ભાષાના આધ્યાત્મિક પુસ્તકો અને એના રૂપાંતરોનો મોટો એવો સંગ્રહ હતો. નિવૃત્તિ કાળમાં એ પુસ્તકાલય જ એમનો વસવાટ હતો. યોગા અને  આધ્યાત્મિક શારીરિક વ્યાયામ એજ એમને ક્રિયાત્મક રાખતી પ્રવૃત્તિઓ. નિર્મલાને આમ વાંચનનો બહુ શોખ નહીં. આમ છતાં વડીલનું માન જાળવવા એણે દરેક પુસ્તક સાવચેતી અને સંભાળથી રાખ્યું હતું. ક્યારેક અતિ વ્યસ્ત દિનચર્યા વચ્ચે એક – બે પાના ઉથલાવી પણ લેતી. જીવનમાં કશુંક નવું અને અજાણ્યું પણ શીખતાં રહીએ તો થોડા તાજા અને જીવંત રહીએ , એજ વિચારધારાને અનુસરી.

શૈલેષની બહેને એને શયનખંડના શણગાર માટે ઘણી બધી આધુનિક સુશોભન સામગ્રી ભેટમાં આપી હતી. એ ભેટ એના વ્યવસાયિક જીવન સાથે તદ્દન સુસંગત રીતે મેળ ખાતી હતી. એક વ્યવસાયિક ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકેનો પોતાનો અનુભવ ભાઈ – ભાભીના શયન ખંડને વધુ સુંદરતાથી દીપાવે એનો પ્રયાસ સફળતાથી પાર પડ્યો હતો.

આ ઉપરાંત નજીકના સગાંવ્હાલાંઓ અને દરેક સંબંધીઓ એ પોતપોતાની રીતે અને વ્યક્તિગત પસંદગી અનુરૂપ જે જે ભેટ આપી હતી , એ દરેક ભેટ એણે સહહૃદય સ્વીકારી હતી અને સત્કારી પણ હતી , જે રીતે એ બધાએ નિર્મલાને, નવી વહુને એમના પરિવારના નવા સભ્ય તરીકે સહહૃદય સ્વીકારી હતી અને સત્કારી પણ હતી !

તાજી મળેલી ભેટ અંગેની ઉત્સુકતા ખુલી ગયેલા ડબ્બા જોડે વધુ ઉત્કંઠ થઈ ઊઠી. ડબ્બામાં મળેલી ભેટ નિહાળી આંખો ખુશીથી નૃત્ય કરી રહી. હૈયું ગદગદ થઈ ઊઠ્યું . ભેટની સાથે મળેલી ચિઠ્ઠી આંખો આગળ ત્વરાથી વાંચવા તૈયાર થઈ ઊઠી.

“તારા ગયા પછી ઘરમાં શાંતીજ શાંતી છે. ઘરમાંજ શું આખા ફળિયાના લોકો શાંતિ અને સુકુનથી જીવી રહ્યાં છે. ન તો તારા લાઉડ સ્પીકરનો અવાજ એમને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે , ન તો તારા હાઈ વોલ્યુમ પર ગોઠવેલા ગીતોથી હવે મમ્મી પપ્પાનું માથું દુઃખે છે. હું પણ હવે નિરાંતે શોર કે ખલેલ વિના મારા ઓફિસના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. ઘરના જેવી ધમાલ ત્યાં ન મચાવતી. વડીલોની શાંતિ અને નીરવ જગતનું માન રાખજે. જ્યારે પણ તારી સંગીત ઘેલી આત્મા પ્યાસી થાય ત્યારે ચુપચાપ આ હેડફોર્ન કાન પર લગાવી લેજે.”

ભેટમાં મળેલા હેડફોર્ન તરતજ કાન પર લાગી ગયા. મોબાઈલનું મ્યુઝિક બોક્ષ અર્ધી રાત્રીએ હેડફોર્ન જોડે મૌન સંકળાઈ ગયું. મહિનાઓ પછી  સંગીત ઘેલી આત્માને ખોરાક મળ્યો. આંખોના બન્ને છેડા સંગીતની પૃષ્ઠભૂમિથી ભીંજાઈ ગયા.

સવારે ભાઈના હાથમાં બાંધેલી રાખડી માટે પતિના ઘરમાં આવ્યા પછીની રક્ષા – બંધનની આ સૌપ્રથમ ભેટ હતી.  અને એ પ્રથમ ભેટ શિક્ષક સમી સમજાવી રહી હતી :  ‘આપણે જેમને પ્રેમ કરીએ એ આપણને પોતાની પસંદગી જરૂરથી જણાવશે અને જે આપણને પ્રેમ કરે એને આપણી પસંદગી જણાવવાની જરૂર ન પડે.’

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

 

Comments

comments


3,794 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =