જે કામ તેની પોતાની વહુ ના કરી શકી એ કામ તેની પોત્રીએ કરી બતાવ્યું…

“ખર્યું પાન”

‘અરે રમાબહેન આપણે તો ખર્યું પાન કહેવાઈએ… હવે ક્યાં ઝાઝા દિ’ જોવાના છે આપણે.. કાલ ઠાકોરજી બોલાવી લે તોય હું તો રાજી થાવ હોં…’

ઠાકોરજીની માળા કરતા કરતા બાજુવાળા રમાબહેનને સંબોધીને સમજુબા બોલ્યા.

‘એ વહુ, જરા મને એ ઢીંગલી માટે આવ્યો છે એ બાયોડેટા આપજો ને… રમાબહેનને બતાવી જોવ. કદાચ એમને કંઈ ખબર હોય તો… એય લીમડીના ખરાં ને…’

રમાબહેન સાથે વાત કરતા કરતા વચ્ચે પોતાની વહુનેય હુકમ કરી દીધો સમજુ બાએ.

શેઠ પરિવારમાં સમજુબાનું એકચક્રી શાશન. તેમના કુટુંબમાં અને સમાજમાં બધે એવી જ છાપ કે સમજુબા તો બાપા બહુ જબરા. જયારે તેમના દીકરા માટે વહુ શોધવાની હતી ત્યારે સમજુબાએ પોતાને પસંદ આવેલી આરતીને દસ વખત અલગ અલગ સાડી અને કપડા ને હેર સ્ટાઈલમાં જોયેલી. અનુજને તો પસંદગીનો અવકાશ જ નહોતો. જેમ મા કહે અને જેની સાથે મા કહે તેની જ સાથે લગ્ન કરવાના હતા. સમજુબાના વર મેઘજીબાપા ત્યારે જીવતા હતા. પણ એમનું પણ ઘરમાં ખાસ ચાલે નહીં. એ પણ સમજુબાને પૂછીપૂછીને પાણી પીતા.

આરતીના અનુજ સાથે લગ્ન થયા ત્યારે સમજુબા પંચાવન વર્ષના હતા. આરતીને લગ્નના બીજા જ દિવસે સાસુની કઠોરતાનો અનુભવ થઈ ગયેલો…!

એ દિવસે વહેલા પાંચ વાગ્યામાં જાગીને તૈયાર થઈને આરતી છ ને દસે તો રસોડામાં પહોંચી ગઈ હતી..

‘વહુ, આટલું મોડું મોડું નહીં આવવાનું બરોબર ? હું તમે જાગ્યા કે નહીં એ જોવા જ આવી હતી. કાલથી સાડા પાંચ વાગ્યે તમે રસોડામાં હોવા જોઈએ.. ને હા મારા ને તમારા સસરાના જમવામાં કે નાસ્તામાં તીખું કે તળેલું કંઈ જ નાં બનાવતા.. અમે તો જો ખર્યું પાન કહેવાઈએ.. આજ છીએ ને કાલ નથી..’ ને એ દિવસે પહેલી વખત સાંભળેલો સાસુમાનો એ તકિયા કલામ આજે ત્રીસ વર્ષ પછી પણ આરતી સાંભળી રહી હતી…!

‘આ લો મમી..’

પોતાની દીકરી ખંજના માટે આવેલા બાયોડેટાને સાસુના હાથમાં આપીને આરતી ત્યાંથી ચાલી ગઈ.

‘જોઈ લો રમાબહેન, તમારે ક્યાય છેડા અડે છે ખરા? છોકરો આમ તો હીરા જેવો લાગે છે.. બસ મારી ઢીંગલીને સાચવી લે એટલે ઘણુંય.. પરિવાર પણ રુઆબદાર છે એમ તપાસ કરતા જાણવા મળ્યું છે. બસ એકવાર ગોળધાણા ખવાઈ જાય એટલે હું તો ગંગ નહાવ.. જો ને આ મારો શું ભરોસો.. આજ છું ને કાલ નથી.. આ મારે એના પપ્પા રાત્રે તો હજુ મજાની વઘારેલી ખીચડી ને કઢી ખાઈને સુતા હતા ને સવારમાં જાગ્યા જ નહીં.. જવા જેવી તો હું હતી ને મને મુકીને એ જતા રહ્યા.. બાપ અમ ખર્યા પાનના શા ભરોસા..’

રમાબહેન કોઈપણ વાત સાંભળ્યા વગર એ બાયોડેટા જોવામાં વધારે ધ્યાન દઈ રહ્યા હતા.

‘એ બા… આ તો અમારા રાજુ શેઠનો જ દીકરો. મારો ભાઈ આના પપ્પાને ત્યાં જ તો નોકરી કરે. ભૈસાબ બહુ ભલા માણસો છે. પૈસામાં આળોટી શકે એટલો રૂપિયો છે છતાંય અભિમાનનો છાંટો નહીં હો. તમતમારે કરો કંકુના…’

રમાબહેનના એજ બોલે વાત આગળ વધી. સાત-આઠ મુલાકાતો થઈ. એકબીજાના ઘર જોવાયાં પરિવાર એકબીજાને મળ્યો અને ખંજના અને ખિતાબ એકબીજાંને મળ્યાં. બે મહિના લાંબી ચાલેલી એ વાત અંતે સગાઈમાં ફેરવાઈ અને બંનેનાં લગ્ન નક્કી થયાં.

ખંજનાના લગ્નની દરેક વિધી કે જેમાં પરિણીત જોડાની જરૂર ન હોય, તેમાં સમજુબા જ બેઠાં.. તેમના કહ્યા પ્રમાણે જ બધું થયું. ખંજનાના ભાઈ કથાનક માટે તેમણે એ જ લગ્નમાં છોકરી પણ જોઈ લીધી ને ‘હું તો ભાઈ ખર્યું પાન’ કહીને કથાનકના લગ્ન પણ ત્રણ જ મહિનામાં કરાવી દીધાં.

એ દિવસે ખંજના તેના પતિ અને સાસુ-સસરા સાથે ઘરે જમવા આવેલાં..!

‘વેવાણ, જરા લો ને.. કેમ ના કહો છો ? ખાવ ખાવ.. મજા આવશે.. મારી વહુને તમારી વેવાણ આરતીએ બનાવી છે લાપસી.. ઘીથી લથબથ ને આહા.. મોંમાં જાણે પાણી આવી જાય..’

સમજુબા તેમના વેવાણ, ખંજનાના સાસુને આગ્રહ કરી કરીને જમાડી રહ્યાં હતાં..

‘બસ બસ બેન હવે… ના ખવાય હોં મારાથી.. બાપા હું તો ખર્યું પાન… મારા છોકરાવને તકલીફ પડે એવું ના કરું હું… પછી આ તમારી પોત્રીને મારી પથારી સાફ કરવી પડે એ ના પોષાય મને… આવતાંવેંત એને આવું કરવું પડે એ કેમ ગમે મને… ખર્યા પાનના વળી શા ભરોસા કાં ?’

આ સાંભળતા જ સમજુબા જરા ચોંકી ગયાં… ‘ખર્યું પાન’ બોલવા પર કેમ જાણે તેમનો જ અધિકાર હોય !

એ પછી તેમણે વેવાણને આગ્રહ તો કર્યો જ… ને સમજુબાનાં વેવાણ પણ ના ના કરી કરીને બે ડીશ ભરીને લાપસી ખાઈ ગયાં…!

હજુ તો સવારના સાત વાગ્યા હતા. ઘરનો દરવાજો કોઈ જોરજોરથી ખટખટાવા લાગ્યું.

મોડી રાત્રે ખંજનાને તેના પરિવારવાળાં ગયાં એ પછી સમજુબા, આરતી અને અનુજ સૂવા ભેગાં થયેલાં. કથાનકને તેની પત્ની કથ્થતિ તો ફરવા ગયેલા. એટલે આ ત્રણેય જ ઘરે હતા !

‘કોણ હશે અત્યારના પહોરમાં…’ બબડતાં બબડતાં સમજુબાએ દરવાજો ખોલ્યો. ગુસ્સામાં પગ પછાડતી પછાડતી ખંજના અંદર દાખલ થઈ ગઈ.

‘અરે અરે દીકરી… આ શું ? કેમ અચાનક ? આ રીતે અત્યારમાં તું આવી ગઈ ?બધું બરોબર તો છે ને ? બધાની તબિયત તો સારી છે ને ? તારા સાસુને તો કંઈ…’ હજુ તો સમજુબા આગળ પૂછે એ પહેલા જ ખંજના બોલી..  ‘આ મારા સાસુની જ તો મોંકાણ છે દાદી. બોલો હવે કાલે રાત્રે તે એને આગ્રહ કરી કરીને આટલું ખવડાવ્યું તો એની તબિયત ખરાબ થઈ ગઈ… હવે શું કરવાનું મારે બોલો…  રાત્રે એ જરા સાદ દેતા’તા મને.. વહુ વહુ કરીને.. પણ મને તો એવો ગુસ્સો હતો એમના પર કે વાત જવા દો… જયારે ને ત્યારે ‘હું ખર્યું પાન.. હું ખર્યું પાન’ કરે રાખે એટલે મને એમ કે ફરી એમના નાટક હશે.. એટલે હું તો ગઈ જ નહીં… ખિતાબ તો કાનમાં રૂના પૂમડા નાખીને સુતા હતા.. એમને તો કંઈ સંભળાય જ નહીં..!

સવારે જાગીને જઈને એમના ઓરડામાં જોયું તો આખી પથારી બગડેલી હતી… વાસ આવતી હતી… દાદી, આ તમે એમને ઘી ખવડાવ્યું ને એના પરિણામે એમનું પેટ બગડ્યું હશે.. હું એની પાસે ગઈ તો ફરી ચાલુ થઈ ગયા.. કહેવા લાગ્યા, અમ ખર્યા પાનને તો હવે કોણ જોવે.. તમારે શું હું હોય કે નહીં..મારી હવે ક્યાં તમને કંઈ જરૂર જ છે…! ને કોણજાણે કેવું કેવું કહેવા લાગ્યા.. મને રીતસરના મહેણાં-ટોણા મારવા લાગ્યા એટલે મને તો એવો ગુસ્સો આવ્યો કે અહીં ચાલી આવી.’

હાંફી રહેલી ખંજનાને સાંભળીને સમજુબાનું મોં સાવ વિલાઈ ગયેલું. વહાલી પોત્રી જ્યારે ઘરે બેસી ગઈ છે એવી બધાને ખબર પડશે તો કેટલી બદનામી થશે એ વિચાર સાથે જ તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા. આરતી ને અનુજ પણ પાછળ આવીને ઊભા હતાં. આરતીએ નજીક આવીને દીકરી ખંજનાને કહ્યું, ‘દીકરી.. આ તે યોગ્ય નથી કર્યું. એક તો તારી ફરજમાંથી ચૂકી ગઈ ને ઉપરથી આવા નખરાં કરે છે.. જા પાછી જા અને માફી માંગ તારા સાસુની.’

‘હું કંઈ ક્યાંય નથી જવાની મમી. હું તો કંટાળી ગઈ બાપા આવા સાસુથી.’ આટલું કહીને ખંજના તેના ઓરડામાં ચાલી ગઈ. આરતી, અનુજ ને સમજુબા તેને જતી જોઈ રહ્યાં. આરતીની આંખોમાં આંસુ આવી ગયેલાં. અનુજ તેને અને સમજુબાને શાંત્વના આપવા મથી રહેલો..!

એમ કરતાં જ દસ દિવસ વીતી ગયા.. ખંજના કોઈપણ હિસાબે સાસરે જવા તૈયાર થતી નહોતી.  આરતીએ બે વખત તો તેને થપ્પડ મારી દીધેલી છતાંય તે પોતાની જીદ પર અડગ હતી.

એ દિવસે કથાનક અને કથ્થતિ પાછા ફરી રહ્યાં હતાં.. ઘરનું વાતાવરણ જરા સારું હતું. દસ દિવસથી છવાયેલો ગમનો માહોલ આજ જરા ઠંડો પડ્યો હતો. આરતી પોતાનાં દીકરા-વહુનાં પાછા ફરવાની તૈયારીઓમાં લાગેલી હતી. ખંજના બુક વાંચતી હતી. ને સમજુબા બહાર ગયેલાં.

દરવાજે ટકોરા પડ્યા એટલે ખંજનાએ દોડતા જઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ જેવું સામે જોયું તો તેના સાસુ ઊભાં હતાં. ને બાજુમાં તેમનો હાથ પકડીને સમજુબા ઊભાં હતાં.

‘મમી… દાદી કોઈ મહેમાનને લઈને આવ્યા છે. જોઈ લે જરા. હું ઉપર જાવ છું. ભાઈ આવે એટલે કહેજે…’ કહીને ખંજના કટાણું મોં કરીને તેના ઓરડામાં જવા લાગી.

‘ઊભી’રે ખંજના… મારે પણ તારી જરૂર નથી જ. અહીં હું તારા ને ખિતાબના છૂટાછેડાની વાત લઈને જ આવી છું.’ ખંજના તરત જ જ્યાં હતી ત્યાં ખોડાઈ ગઈ.

એક નજર તેણે પોતાના સાસુ પર ને દાદી પર કરી ને પાછી ફરી કંઈ ફર્ક ના પડ્યો હોય તેમ બેફીકર થઈને ઉપર જવા લાગી.

‘ખંજના.. ઉપર નહીં જા… મારે પણ તારા જેવી વહુની જરાય જરૂર નથી. જેને પોતાની સાસુની પડી જ ના હોય.. પતિ સાથે તું દિવસમાં આઠ-દસ કલાક રહે છે. બાકીના બધા ૧૨-૧૫ કલાક તું મારી સાથે વિતાવે છે.. તારી સાસુ સાથે.. ને તને મારી જ કિંમત નથી.’

ખંજના આ સાંભળતાં જ બે મિનીટ ચુપ થઈ ગઈ. તેના સાસુના ચહેરા પરનું ગાંભીર્ય જોઈને ઢીલા અવાજે બોલી, ‘મમી.. આ શું કહો છો? આ તો આપણું નાટક હતું ને.. મારા દાદીમાને સમજાય એટલે.. તમે આ શું કહો મમી ?’ ખંજના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી… સમજુબા આ જોઈને તરત તેની પાસે દોડી ગયાં.

‘હાય હાય.. મારી લાડકી.. આ તારા આંસુ મારા માટે બહુ કિમતી છે દિકરા.. એમ ના રડ.. મારી વહાલી તું જો પચીસ વર્ષની થઈને તારા પંચ્યાશી વર્ષના દાદીને સબક શીખડાવી શકે તો હું તારી સાથે થોડીઘણી તો રમત કરી જ શકું ને…?’ તરત જ ખંજના એના દાદીમાના ખોળામાં લપાઈ ગઈ..

‘દાદીમા… આવું કરાતું હશે.. હું તો કેવી ડરી ગઈ હતી..’

‘અરે રે ગાંડી…! હું તારા સાસુને મનાવવા ગઈ હતી કે એ તને પાછી ઘરે તેડાવી લે.. મેં એમને બહુ આજીજી કરી ને અંતે એમના પગે પડવા જતી હતી ત્યારે મને રોકીને એમણે કહ્યું કે આ બધું તારું ને એમનું કારસ્તાન છે.. આ બધો તો ‘ખર્યા પાન’નો પ્રતાપ છે..

હું સમજી ગઈ દીકરા… મારી ભૂલ… એ પછી અમે બંનેએ સાથે મળીને તારી સાથે ગમ્મત કરવાનું નક્કી કર્યું ને એટલે જ આ ડિવોર્સનું નાટક કર્યું…’

આરતી ને અનુજ તો આ બધું સાંભળીને નવાઈ પામી ગયેલા… તેમની નાનકડી દીકરી આવું કરી શકે તે સપનેય તેમણે નહોતું વિચાર્યું. ખંજના સમજુબાનો હાથ પકડીને બોલી, ‘દાદીમાં તમે ઘણું જીવો.. સો વર્ષથી વધુ જીવો.. મારા છોકરાના છોકરાવને પણ રમાડો એવી અમારી ઈચ્છા છે.. પણ આ જે તમારી આદત છે ને ‘અમે તો હવે ખર્યું પાન છીએ’ બોલવાની એ સાંભળીને તમે વાતાવરણમાં નકારાત્મકતા લાવી દો  છો. તમારી તબિયત સારી હોય છતાંય જાણે ગરીબડા બનવાની નાકામ કોશિશો કરતા હોય તેવું લાગે. ધીમેધીમે તમારા પ્રત્યેનું માન તમે આવું કહી કહીને ઓછું કરાવી દો. મારે ફક્ત તમને એ જ સમજાવવું હતું. બસ બીજું કંઈ નહીં..’

સમજુબા તરત જ ખંજનાને વહાલ કરીને બોલ્યાં, ‘બહુ ડાહી ડાહી વાતો કરે છે મારી દીકરી.. ગર્વ છે મને તારા પર.. જે તારી મા ના કરી શકી એ તે કરી બતાવ્યું… કેમ રે આરતી, તારી સાસુને જરા સમજાવ્યું હોત તો આજે આ દિવસ ના આવત ને હેં ?’

હસતા હસતા સમજુબા બોલ્યા ને આરતીને ભેટી પડ્યા..!

પોત્રીએ દાદીમાને મજાનો બોધ આપ્યો…!

બીજા દિવસે સવારમાં સમજુબા અને રમાબહેન શાક સુધારતા બેઠા હતા.

‘આ જો ને સમજુબા… ગોઠણ એવા દુઃખે છે કે વાત ના પૂછો… ઉંમર થતાં જ જાણે શરીરને બીમારીઓ ઘેરી વળે છે… આ બધું જોઈને એવું લાગે કે આપણે તો ખર્યા પાન.. કેટલા દિવસ કાઢશું હવે…?’

તેમને ટોકતાં તરત સમજુબા બોલ્યા, ‘ભાઈ તમારી વાત કરો રમાબહેન… હું તો હજુ કડેધડે છું હો… ખર્યા પાન હોય મારા દુશ્મન… હું તો હજુ લીલી લીલી કુણી કુંપળ સમી વૃદ્ધાવસ્થામાં પ્રવેશી છું.. બોલ્યા વળી લે ખર્યું પાન..’

પાછળ આવીને સમજુબાની આ વાત સાંભળી રહેલી આરતી તેમને તરત જ વળગી પડી. ને બંને એકબીજાને વહાલ કરીને સાસુ-વહુના સુંદર સંબંધની સુગંધ પ્રસરાવી રહ્યા…!

લેખક : આયુષી સેલાણી

વાર્તા વિષે અભિપ્રાય ચોક્કસથી આપજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,128 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>