“મારી સાથે રમો, તમારા મોબાઈલ સાથે નહી! “તમારો સમય અમને આપો. અમને તમારી જરૂર છે.
(“Play with me! Not with your cell phones! “)
આ જ સ્લોગન દ્વારા જર્મની નો ૭ વર્ષ નો આ ટાબરિયો જેનું નામ એમિલ વિરોધ પ્રદર્શન દ્વારા બાળકો માટે બાળકો દ્વારા હેમબર્ગ શહેરમાં અભિયાન ચલાવી રહ્યો છે.. જેની નોંધ આખાં વિશ્વ ના મીડિયા લઇ રહ્યા છે.
આ બાળકોની ફરિયાદ હતી કે, એમનાં પેરેન્ટ્સ આખો દિવસ મોબાઇલ સાથે ચોંટેલાં હોય છે, અમને સમય જ નથી આપતાં!. સાત વર્ષીય એમિલ વધુ વાત કરતાં કહે છે: “પપ્પા, તમે મારી વાત સાંભળતા જ નથી. અહીં દરેક જણ માત્ર તેમના સેલ ફોનમાં જ જુએ છે. ”
બાળકોના આ આંદોલનને આખી દુનિયામાંથી સમર્થન મળી રહ્યું છે. મોટી સંખ્યામાં પેરેન્ટ્સ કહી રહ્યાં છે કે, અમે તમારી વાતને ગંભીરતાથી લીધી છે. હવે અમે એલર્ટ થયાં છીએ.
સાત વર્ષિય એમિલ રસ્ટિજ તેના પિતાના ખભા પર બેસી ને લાલ અને સફેદ માઈક દ્વારા પ્રદર્શનકારીઓને ઉત્સાહિત કરે છે. આ અસામાન્ય વિરોધ જે હેમ્બર્ગર ફેલ્ડસ્ટ્રેથી શુલટરબ્લાટથી લિન્ડન પાર્ક તરફ જાય છે.
પ્રદર્શનકારીઓમાં છ વર્ષીય યલ્વી સ્મિત પણ છે. તે કહે છે, “મને નથી લાગતું કે મારા પપ્પા હંમેશા ફોન પર હોય તે સારી વાત નથી .”
સાત વર્ષનો એમિલ રસ્ટિજ આ રેલીની આગેવાની કરતો હતો. તેણે રેલીને સંબોધતાં કહ્યું કે, દુનિયાના દરેક પેરેન્ટ્સ માટે આ એક મેસેજ છે કે, તમે મોબાઇલ ફોનથી દૂર રહો અને તમારાં સંતાનો સાથે રમો. બાળકોની આ રેલીની વિડિયો ક્લિપ્સ હવે દુનિયાની સેલિબ્રિટીસ પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહી છે અને કહે છે કે, આ બાળકોની વાત કાન ખોલીને સાંભળો.
એક તાજેતર ના સર્વે દ્વારા એક હકીકત બહાર આવી કે જર્મનોના સૌથી પ્રિય મનોરંજન માટે ના માધ્યમો માં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ટોચ પર રહ્યું છે. જયારે બીજી તરફ સામાજિક સંપર્કો ઓછા થઇ રહ્યા છે. આ અધ્યયન માટે, ફાઉન્ડેશન ફોર ફ્યુચર ઇશ્યૂઝે આશરે 2 હજાર જર્મન લોકોને એવું પૂછ્યું હતું કે તેઓ તેમનો ફ્રી સમય કેવી રીતે વિતાવે છે. મિશિગન યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓ બાળકોની રેલી વિશે કાર્યક્રમો યોજી રહી છે. મા-બાપના મોબાઇલ એડિક્શનથી સંતાનો ઉપર થતી અસરોના સર્વે અને રિસર્ચ ટાંકીને એ કહે છે કે, તમે તમારાં સંતાનોનું ભલું ઇચ્છતાં હોવ તો મોબાઇલનો કામ પૂરતો જ ઉપયોગ કરો.
ધ્યાનથી જોશો અને વિચારશો તો એક વાત ઊડીને આંખે વળગશે કે, આપણે ત્યાં પણ સ્થિતિ તો કંઇક આવી જ છે. મા-બાપ નવરાં પડે એટલે તરત જ મોબાઇલ લઇને બેસી જાય છે. એ સમયે દીકરો કે દીકરી શું કરે છે એ તરફ એનું ધ્યાન જ નથી હોતું. નાનાં બાળકો મા-બાપને કંઇ કહી શકતાં નથી એટલે ચૂપ બેસી રહે છે. આપણે ત્યાં તો પરિસ્થિતિ થોડીક જુદી પણ છે. નાનાં બાળકો પણ મોબાઇલ લઇને બેઠાં હોય છે. સંતાનો કોઇ તોફાન ન કરે એટલે મા-બાપ જ તેના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. ઘણાં મા-બાપ તો વળી પોરસાતાં પણ હોય છે કે, અમારો બાબો કે અમારી બેબી તો એટલી સ્માર્ટ છે કે એને જે ગેઇમ રમવી હોય એ પોતાની મેળે શોધીને રમવા માંડે છે. આજની જનરેશન કેવી સ્માર્ટ થઇ ગઇ છે નહીં? કોઇ મા-બાપ એવું નથી વિચારતાં કે, આવું કરીને આપણે આપણાં સંતાનોની ઘોર ખોદી રહ્યાં છીએ. અમુક બાળકોને તો હાથમાં મોબાઇલ આપો અને કાર્ટૂન ચાલુ કરી દો તો જ એ જમે છે. ગેસ્ટ આવ્યા હોય ત્યારે સંતાનો ચૂપ બેસી રહે એ માટે કેટલાંક મા-બાપ છોકરાના હાથમાં મોબાઇલ પકડાવી દે છે.
દરેક માણસે વિચારવા જેવું છે કે, એ પોતાનાં સંતાનો અને પરિવારને કેટલો સમય આપે છે?
રોલ મોડલ તરીકે માતાપિતા
આ સંદર્ભમાં, “પેરેન્ટ્સ માટે ઇન્ટરનેટ ગાઇડ” માં એવા નિર્દેશ કરવામાં આવ્યા છે કે માતાપિતા તેમના પોતાના સોશિયલ મીડિયા વપરાશ પર કંટ્રોલ કરી ને બાળકો માટે સમય આપી ને ઘણું બધું સારું શકે છે. આ માટે તેમણે જાતે જ WhatsApp મેસેજ, ફેસબુક, INSTAGRAM જેવા સોશિયલ નેટવર્ક માટે ની એપ્સ નો ઉપયોગ ઘટાડી ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. માતાપિતાને હંમેશાં સલાહ આપવામાં આવે કે તેઓ પોતે જાતે જ પોતાનું મૂલ્યાંકન કરે કે ઈન્ટરનેટ – સ્માર્ટ ફોન નો ઉપયોગ ઘટાડી શકે એમ છે કે કેમ? માત્ર મોબાઇલ જ નહીં, ટેબ્લેટ, લેપટોપ, કમ્પ્યૂટર કે બીજાં કોઇ ડિજિટલ સાધનોનો ઉપયોગ બાળકો સામે ટાળો. બાળકોની જેમ જ તેમના માતા-પિતાએ પણ સોસિયલ મીડયા નો ઉપયોગ કેટલો સમય અને કેટલી વાર કરવો જોઈએ તેના પર નજર રાખવી જોઈએ.
જે મા-બાપ ડિજિટલ ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ કરે છે એ બાળકોનાં વાણી અને વર્તનમાં ભારોભાર નકારાત્મકતા ઘર કરી જાય છે. બાળકને એમ થાય છે કે, મારાં બા-બાપ મને ઇગ્નોર કરે છે. એને અમારી કોઇ પરવા જ નથી. આવાં બાળકો મોટાં થઇને મા-બાપની સામે થાય છે. બા-બાપની અવગણનાના કારણે બાળકો ડિપ્રેશનનો ભોગ પણ બને છે. એ પોતાને વધારાના હોય એવું ફીલ કરે છે. આ અભ્યાસમાં એક એવી વાત પણ બહાર આવી હતી કે, અનેક મા-બાપ જમતી વખતે પણ મોબાઇલ જોતાં રહે છે. બાળકોને એ જરાયે ગમતું હોતું નથી.
સોસિયલ મીડયા ખોલીએ એટલે માહિતી અને જ્ઞાન ના ખડકલા થઇ રહ્યાછે ત્યારે પરિવારના બધા સભ્યો એક સાથે નક્કી કરે કે તેઓ કયા સમયે મોબાઈલ ફોન નો ઉપયોગ બંધ રાખી શકે છે. ઉદાહરણ તરીકે, આ અઠવાડિયામાં કોઈ એક દિવસ સોસિયલ મીડયા માટે રજા અને આ દિવસે, પરિવાર સાથે વૈકલ્પિક સંયુક્ત પ્રવૃત્તિઓનું આયોજનકરવું.