ભાઈ બહેનનાં પ્રેમાળ સ્નેહ ને ફરજની સમજવા જેવી વાર્તા અચૂક વાંચજો….

નૈતિક ને આજે એની બહેન ખૂબ યાદ આવી. એને ઊંઘ નહોતી આવતી. એટલે નહિ કે , કાલે રક્ષાબંધનના દિવસે એની બહેન એને રાખડી બાંધવા નહોતી આવી શકે એમ !!

પણ, એને, ગઈકાલના એના ફ્રેન્ડઝ સાથે, નક્કી કરેલ પ્લાન મુજબ, જગો જ્યારે, નેન્સીને, ભગાડીને લઈ જાય ત્યારે, એને સલામત રીતે રેલવેસ્ટેશને પહોંચાડવાના હતાં. આ વખતે આ “શિકાર”માં જગુએ, છોકરી એના બાપને ત્યાં તગડો હાથ મારીને આવે એવું નક્કી કર્યું હોવાથી બન્ને ‘માલ’ માં ભાગ આપવા કબૂલ થયો હતો.

એ પડખા ફેરવી રહ્યો… એને એની મૃતક બહેન ની આહ સંભળાણી !! પરસેવે રેબઝેબ, નૈતિક ઊભો થઈ ગયો. એનું ગળું સુકાવા લાગ્યું..

એની આંખ સામે.. એની મમ્મી.. એને હમેંશા લાડ કરતી દેખાણી !! એની પત્ની માધવી,..એને હમેંશા, જાકુબના ધંધા છોડી દેવા સમજાવતી.. આંખમાં ભલે લાચારી હતી, નૈતિક જેવા કઠોર પતિ મેળવવા બદલ, પણ, છતાં ય, હરપળ, એની બધી ભૂખ સંતોષવા માટે
ચોવીસ કલાક..
” on duty.. !!”

ઘોડિયામાં સુતેલી, .. મીની.. હા એ મનસ્વી એની દીકરી ને લાડથી મીની કહેતો હતો..એણે ઘોડિયામાં નજર કરી…, મીની ઊંઘમાં ય સતી હતી..
કેવડી મોટી લાગે છે મીની ?? એ પણ.., કાલે સવારે.. મોટી થઈ, સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ.. જશે.. !! અને.. ???

નૈતિક ને, આવા ટાઢોડાં વાતાવરણમાં ય પરસેવો વળી ગયો..
એની મીની ને ય કોઈ જગુ, ભગુ કે … પછી કોઈ.. છેલછબીલો ?? એની નજર સામે, એની બહેન રાધિકા .. ના, રાધિકા ની લાશ !! એ તરફડી ઉઠ્યો !!

કાશ, એ ત્યારે, રાધિકા ને સમજાવી શક્યો હોત !! રાકેશ એને લાયક નથી , પણ, હવે, હવે શું ??રાધિકાને, એ અહેસાસ થયો એટલે જ તો એણે આત્મહત્યા કરી લીધી હતી !!

એણે, ફરીથી, પોતાની રાધિકા, મીની, એની પત્ની માધવી, એની માં, અને હવે, આ નેન્સી, પણ અહીં આસપાસ જ દેખાવા લાગી..
એક સ્ત્રી, માં, પત્ની,દોસ્ત, બેન, દીકરી, .. નૈતિકે ભીંત પર જોયું…

કાલી, દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી,… કેટલા રૂપ ?? આ પણ બધી સ્ત્રીઓ જ ?? પુરુષને એની જિંદગીમાં બધા જ પડાવે,એક સ્ત્રી તો જોઈએ જ.., બેન,દોસ્ત, પત્ની, દીકરી, માં,… બધી જરૂરિયાત ત્યાંથી જ પૂરી થાય છે.

અને આ શક્તિ રૂપ ?? માતાજી ?? બધા જ રૂપ પૂજનીય..!! એનાથી અનાયાસે હાથ જોડાઈ ગયા..!! એના જોડાયેલા હાથ, છૂટીને મુઠ્ઠીઓ વળી ગઈ !! જ્યારે, એને દેખાયા, કેટલાક હાથ… !! ઉગામેલા ?? કોની ઉપર ?? કોના હાથ ઉગામેલા ?? માં , રાધિકા, માધવી, મીની, નેન્સી…

આ બધા પર ઉગામેલા.. એના, બાપના…, રાકેશના, પોતાના, જગુ ના, અને હવે.. પછી ?? એની નજર મીની પર ગઈ.. એ ઊંઘમાં જ હસતી હતી અને ઓચિંતાની રડવા લાગી.. નૈતિક, એકદમ જ એને, હિંચકો નાખવા લાગ્યો.. મિનીના રડવાના અવાજથી, જાગેલી માધવી, ડરીને નૈતિક સામે જોવા લાગી, દરરોજ નો એ અવાજ ક્યાં ?? જ્યારે મીની રડતી, તો પોતાને ઊંઘ બગડતાં, પત્નીને, એક હડસેલો મારી , રાડ પાડતો.. સા.. રાં.. ચૂપ કરાવ તારી.. ને !!

એને બદલે, શાંતિથી મિનીને હિંચકો નાખતાં, પોતાના પતિને જોઈ, માધવી, ફરી ઊંઘમાં સરી પડી.. એકદમ, નિઃષફિકર !! પણ, નૈતિકની, ઊંઘ ઊડી ગઈ હતી અને આંખ ઊઘડી ગઈ હતી !!

હજુ, સવાર થયું નહોતું, પ્લાન મુજબ, મોડી રાત્રે એટલે કે, વ્હેલી સવારે, સાડા ચાર વાગ્યે, “પંખી”ને સોનાના પિંજરામાંથી ઊડાડવાનું હતું, એટલે કે,માલદાર બાપની એકની એક દીકરી, નેન્સીને ભગાડવાની હતી .

હજુ, ચાર વાગવાની ય વાર હતી, નૈતિક બહાર આવ્યો.., એનો હાથ ખિસ્સા તરફ ગયો. એ પોતાની સાથે, એક ખિસ્સામાં, રિવોલ્વર રાખતો !!એણે એક બીજી વસ્તુ એના ખિસ્સામાં સેરવી..!!

નક્કી કરેલી જગ્યાએ, એ ગાડી લઈને આવી પહોંચ્યો, પણ જગુ અને એના સાગરીતો હજુ ન્હોતા આવ્યા !! થોડીવાર માં કૈક સળવળાટ સંભળાયો.. હા, એને ખાતરી થઈ ગઈ.. એ નેન્સી જ હતી. પ્લાન મુજબ એ આવી પહોંચી હતી, સાથે વજનદાર થેલો પણ હતો. માલદાર બાપ નો.. માલ.. !!

નૈતિકને, જગુનું હાસ્ય અને અવાજ કાનમાં ગૂંજયો, .. ” માલદાર બાપ ના ‘માલ’ ને કીધું છે ‘માલ’ લેતી આવજે !!” ગભરાયેલી, હાંફતી, નેન્સીએ, આવીને તરત જ, દબાતા અવાજે પૂછ્યું, ” મારો જગુ નથી આવ્યો ? નૈતિકભાઈ ??”

નૈતિક જોઈ રહ્યો, … નેન્સી, .. રાધિકા ?? મીની ?? ત્યાં, ફરીથી, નેન્સી બોલી, ” આ જગુ, ક્યારેય સમયસર આવતો જ નથી, કા, નૈતિક ભાઈ !!, ભાઈ , તમે કેમ કાંઈ બોલતાં નથી ??”

ખબર નહિ, કેમ પણ, જેવો, ભાઈ શબ્દ, સાંભળ્યો કે તરત જ નૈતિક ના શરીરમાં વીજળી શો કરંટ પસાર થઈ ગયો.. એ ધ્રુજી ઉઠ્યો !!
એનો હાથ.. !! ” સ..ટ્ટા..ક..!!!” કરતો એક તમાચો, નાજુક નેન્સી ના ગોરા ગાલ પર પડ્યો !! એ ગભરાઈ ને હડબડી ગઈ, આંખમાં ધસી આવેલા આંસુ સાથે એ, નૈતિક સામે જોઈ ગણગણી.. “ભાઈ…!!”

નૈતિકે, ધ્રુજતાં હાથે, અને છલકાયેલી આંખે, એ નાદાન ગભરુ, નેન્સી ને માથે હાથ મુક્યો.. અને એ એટલું જ બોલી શક્યો ..
” બેનડી, જગુ તારે લાયક નથી. હું જાણું છું, એના કરતૂતો, એને ફક્ત, તારા રૂપિયા પર જ પ્રેમ છે. તને એટલે જ, એના પ્રેમની જાળમાં તને ફસાવી છે, જેથી એ જીન્દગીભર એશોઆરામ કરી શકે !! જ્યારે તને એની સચ્ચાઈ માલૂમ પડે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોત !! એ તારે માટે જરાપણ યોગ્ય નથી.” નેન્સી રડવા લાગી.. એ સમજવાનો પ્રયત્ન કરી રહી.. નૈતિકે, એને અત્યાર સુધીમાં, જાણેલી જગુની વાતો કહી.. નેન્સી ને એની ભૂલ નું ભાન થયું એ ડૂસકાં ભરવા લાગી..

નૈતિકે એને અધિકાર ભર્યા અવાજે કહ્યું, ” ચાલ, બેસી જા, ગાડીમાં, એમ કહી, ગાડીનો દરવાજો ખોલીને, નેન્સીને, કાળજીપૂર્વક અંદર બેસાડી.. નેન્સી નું ઘર નજીક જ હતું. ગાડી ઊભી રાખી.. નેન્સી, હજુય રડતી હતી.. પણ, હવે, એની આંખોમાં આંસુ સાથે એક આત્મીયતા દેખાણી.. નૈતિક એની નજીક આવ્યો.. અને બોલ્યો, ” નેન્સી, તે મને ભાઈ કહ્યો છે !! ” એણે ખીસ્સામાંથી કંઈક કાઢ્યું, એ રાખડી હતી..” આ લે, બેન, આજ તું મને આ બાંધી દે, એક બહેનને ખોઈ ચૂકેલા, આ ભાઈની ક્લાઇ વર્ષોથી સુની પડી છે. તારી રક્ષા કરીને એ સુના હાથને સજાવી દે !!”

નેન્સીને, યાદ આવ્યું, આજે રક્ષાબંધનનો દિવસ !! જો કે એ તો એના માબાપની એકનીએક સંતાન હતી.. ભાઈ નહોતો..પણ, હવે મળી ગયો… નેન્સી એ રડતી આંખો એ, આભારવશ બની, નૈતિકને રાખડી બાંધી .. પૂનમ તો હવે થવાની હતી, ચૌદસ ની પાછલી પ્રહર.. તારલીયા મઢી રાત , આ અનોખા રક્ષાબંધન ની વિધિ જોઈ હસી રહી.. અને ત્યારે જ અરુણોદય થયો..! આકાશમાં.. નેન્સી ના જીવનમાં
અને નૈતિક ના જીવનમાં પણ !!

એને, સ્ત્રી જાત તરફ જોવાની એક નવી દ્રષ્ટિ મળી, જે દરેક સ્ત્રી ને એના જીવનના હરેક તબક્કે રક્ષાનું વચન આપી ને પોતે રક્ષા કવચ ધારણ કરે છે.. રાખડી રૂપે !!

રેલવે સ્ટેશને જઈ, નૈતિક જગુને ધમકાવી આવ્યો, ” જે ધંધા કરવા હોય એ કરજે પણ, ખબરદાર, આજ પછી કોઈપણ બેન દીકરી સામે નજર બગાડી છે તો સારા વાઈટ નહિ રે !!”
જગુ ને કાઈ સમજાયું કે નહીં એ તો રામ જાણે !! પણ,એટલું જાણી ગયો હતો કે, હવે આની ઉપરવટ નહિ જવાય એટલે વાત માન્યા વગર બીજો કોઈ છૂટકો જ નહોતો !!

નૈતિક ઘરે પાછો ફર્યો ત્યારે, એની માં, જાગી ગઈ હતી, ન્હાઈ ને પૂજા કરવા બેસતી હતી, એણે દીકરાને આ સમયે આવેલો જોઈ નવાઈ ન લાગી, પણ નૈતિક આવીને, રાખડી બાંધેલા હાથે જ્યારે માં ને પગે લાગ્યો.. ત્યારે નવાઈ નો પાર ન રહ્યો !!
નૈતિક પોતાના રૂમ માં આવ્યો, ત્યારે, હજુય માધવી અને એના પડખે મીની, બન્ને શાંતિથી,મલકતા મુખે સુતા હતા. એ મલકાટ માં આજે એક અનેરી, નિશ્ચિન્તતા ઊભરી આવી..
નૈતિકે, રક્ષા બાંધેલા હાથે બન્નેના માથા પર હાથ ફેરવ્યો..
અને આજે, સ્ત્રી તરફ જોવાની એક નવી દ્રષ્ટિ મળી હતી !! .. સોનાનો સૂરજ એના જીવનમાં ઊગી નીકળ્યો હતો..!!

દક્ષા રમેશ ” લાગણી”
જૂનાગઢ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,950 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>