એક દીકરો જમાઈ કરી રહ્યો છે તેમની દીકરીના અધૂરા સપનાંને પૂર્ણ, લાગણીસભર વાર્તા…

“સૂર ! બસ 3 દિવસ પછી તો વેલેન્ટાઈન ડે છે, આ શનિવાર રવિવાર ઘરે નહીં જાય તો નહીં ચાલે ?”
અવિ લાગણીશીલ બનીને સુરાહીને આ શનિ-રવિ હોસ્ટેલમાં જ રોકાવવા માટે ફરી આગ્રહ કરી રહ્યો હતો.

“અવિ, ફરી પાછી એ જ વાત ! કહ્યું તો ખરું કે આ શનિવાર અને રવિવાર મારા કાકાના સૌથી નાના દીકરાના બાબરીનો પ્રસંગ છે, જો અવિ બસ આ ગઈને આ આવી. હવે આટલી પણ ધીરજ નથી. આપણાં ‘વેલેન્ટાઈન ડે’ માટે મને પણ બહુ જ ઉત્સુકતા છે, બસ જલ્દી જ આવી જઈશ, રેલ્વે સ્ટેશન લેવા માટે આવી જજે બસ, ને બેસ હવે હું તારા માટે કંઈક બનાવીને લાવી છું.”

સુરાહી એ જાતે ખાસ અવિ માટે બનાવેલા સોજીના શિરાનો ડબ્બો અવિ સમક્ષ ધરી દીધો અને પ્રેમપૂર્વક અવિને પોતાના હાથે કોળિયો જમાડવા લાગી. અવિ સુરાહીની પ્રેમવર્ષામાં ભીનો થઈ રહ્યો હતો.

“આ શનિવાર અને રવિવાર જો જેવો સમય મળશેને તો પપ્પા મમ્મીને આપણી વાત કરવાની છું, એકની એક દીકરી છું તો થોડા લાડકોડ વધારે કર્યા છે પણ મને વિશ્વાસ છે કે મારી વાત માની જ જશે.”

અવિ ખુશ થઈ ને એ સુરાહીના હાથમાંથી શિરાનો કોળિયો લઈને સુરાહીના મોંમાં મૂકી દીધો.
“જો મારા ઘરે બધા તૈયાર છે, મોટાભાઈ ને ભાભી પણ માની ગયાં છે, બસ તારા જ ગ્રીન સિગ્નલની વાર છે. મારી વાઈફી…”

અવિએ સુરાહીના કપાળને ચૂમી લીધું. “મારા હબ્બી, આઈ લવ યૂ.”

બી. જે. મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એ.મડી.ના અભ્યાસક્રમમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલાં અવિને સુરાહીના હજુ તો લગ્ન પણ નહોતાં થયાં અને અવિ અને સુરાહીએ એકબીજાને વાઈફી અને હબ્બી સંબોધવાનું શરૂ કરી દીધું હતું.

***

“રિઝવાના, સૂરના મમ્મી પપ્પાની તબિયત તો સારી છે ને ? રિઝવાના, મને સૂરની બહુ યાદ આવે છે, હું એના મમ્મી પપ્પાને ફોન કરું તો પણ શું કહું ? એટલે તને પૂછી લઉં છું, પ્લીઝ મારા વતી તું એમની તબિયત પૂછીને મને જણાવજે. એમને કહેજે કે ડોક્ટર પાસે નિયમિત જાય અને બીપી અને ડાયાબિટીસની દવાઓ નિયમિત લે, ને ખોરાકમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કહજે.”

સુરાહીની બેસ્ટ ફ્રેન્ડ રિઝવાના સાથે વાત કરતાં કરતાં અવિની આંખો અશ્રુથી ભરાઈ ગઈને સુરાહી સાથેની જૂની ભૂતકાળની વાતોમાં ખોવાઈ ગયો.

“જો અવિ, લગ્ન પછી હું મારા મમ્મી પપ્પાને મારી સાથે જ રાખીશ, એકની એક દીકરી છું ને વળી પાછી પપ્પાની તબિયત પણ સારી નથી રહેતી. મને એમની બહુ જ ચિંતા થાય છે.” સુરાહી ત્યારે લાગણીશીલ બની ગઈ હતી એ અવિને બરાબર યાદ હતું.
“તું નિશ્ચિંત બની જા, તારા પપ્પાને કહેજે કે લગ્ન પાછી એમને જમાઈ નહીં દીકરો જ મળશે. મારા મમ્મી પપ્પા તો મોટાભાઈ સાથે રહે છે, એટલે લગ્ન પછી તારા મમ્મી પપ્પા એટલે કે આપણાં મમ્મી પપ્પાને આપણી સાથે જ રાખીશું.”

સુરાહીએ ત્યારે ભીની આંખે અવિની છાતી પર માથું ઢાળી દીધું હતું, અને અવિના બંને હાથ સુરાહીને વીંટળાઈ ગયાં હતા.
અચાનક અવિ ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછો આવ્યો, ને પોતાના બંને હાથ એ જ સ્તિથિમાં હતા, પણ આજે સુરાહી એની પાસે નહોતી. ટેબલ ઉપર સુરાહીનો ફોટો હતો, જેને છાતી સરસો ચાંપીને મનમાં અવિએ આટલો જ સંવાદ કર્યો.

“એકલો મૂકીને આમ જતી રહી? વિચાર પણ ના કર્યો કે મારું શું થશે ?” અવિ ફરી પાછો આંખમાં અશ્રુ સાથે ભાંગી પડ્યો.
સુરાહીને ‘વેલેંટાઈન ડે’ પર આપવાની ગિફ્ટ્સ, ફોનમાં રહેલા બંનેના ફોટોસ અને વ્હોટ્સ એપ પર સુરાહી સાથે છેલ્લે થયેલી વાતચીત આ બધું જોઈને અવિ એક ખૂણામાં બેસી રહેતો, પોતાનું દુઃખ વહેંચે તો પણ કોની સાથે વહેંચે?

***

કિર્તિભાઈની આંખ સમક્ષથી એ દુર્ઘટના ભૂલાતી જ નહોતી, આજે છ મહિના થઈ ગયા હતા, છતાં હજુય એ કાળરાત્રિ જીવંત બની જતી કે જયારે એ સુરાહીને રેલ્વે સ્ટેશન મૂકવા જતા હતા ને એક ગોઝારા અકસ્માતે પોતાની એકની એક દીકરી છીનવી લીધી.
કિર્તિભાઈ અને સીમાબહેન છેલ્લા દસ વર્ષથી એમ.બી.બી.એસ. અને એ.મડી.નો અભ્યાસ કરી રહેલી અને હોસ્ટેલમાં રહેલી પોતાની દીકરીની શનિ-રવિની યાદોમાં જ જીવતાં હતાં.

“પપ્પા, મારું એમ.ડી. પૂરું થાય ને પછી આપણે શનિ-રવિ આપણાં ગામડે જઈશું અને ત્યાં એકદમ ફ્રીમાં દર્દીઓની તપાસ કરીશું, કોઈનો એક રૂપિયોય પણ નહીં લઈએ.” સુરાહીએ છેલ્લે કહેલી આ વાત યાદ આવતાં કિર્તિભાઈ પણ ભાંગી પડતા પણ સીમાબહેનને હિમ્મત આપવા પોતાનું દુઃખ પણ વ્યક્ત નહોતા કરતા.

સીમાબહેન તો હજુ ય શનિવાર થતાં બારણે ઊભાં રહી જતાં, ક્યાંક એમની વ્હાલસોયી દીકરી ઘરે આવતી નજરે ચડી જાય, કિર્તિભાઈ પણ સીમાબહેનને કશું જ ના કહેતા, એ પણ મૂક મને પોતાની દીકરીની રાહ જોતાં સીમાબહેનને જોતા રહેતા.

***
છેલ્લા દસ દિવસથી નરમ રહેતી કિર્તિભાઈની તબિયત આજ સવારથી વધુ લથડી રહી હતી, કદાચ પુત્રી-વિયોગ હવે એમને વસમો પડી રહ્યો હતો.૧“તમે ચિંતા ના કરો, બધું જ સારું થઈ જશે.” હોસ્પિટલમાં સ્ટ્રેચર પર સૂતા રહેલા કિર્તિભાઈ પડખે ઊભાં રહેલા સીમાબહેન પોતાની આંખમાં રહેલા અશ્રુ છેતરીને એમને હૈયાધારણ આપી રહ્યાં હતાં, એટલામાં જ કિર્તિભાઈનો હાથ કોઈએ હાથમાં લઈ લીધો અને એમનીપડખે ચાલવા માંડ્યું.

“પપ્પા, ચિંતા ના કરો બધું જ સારું થઈ જશે, હવે હું આવી ગયો છું. તમને કશું નહીં થવા દઉં.”

અવિ કિર્તિભાઈનો હાથ પોતાના હાથમાં લઈને ચાલવા લાગ્યો, સીમાબહેન પણ અચાનક આમ અવિના આગમનથી અચરજ પામ્યાં.
“નમસ્તે, હું ડૉ. અવિ અને આ મારા પપ્પા થાય, ચાલો જલ્દી આપણે એમની ટ્રીટમેન્ટ સ્ટ્રેટજી ડિસ્કસ કરી લઈએ.” અવિ ત્યાંની હોસ્પિટલના ડોક્ટર સાથે કિર્તિભાઈની ટ્રીટમેન્ટ વિષે ગહન ચર્ચા કરવા લાગ્યો.

“પપ્પા” એવું સંબોધન સાંભળીને કિર્તિભાઈ આંખો અર્ધખુલી ને ફરી નિંદ્રામાં ગરકાવ થઈ ગઈ.

અવિ સતત કિર્તિભાઈ અને સીમાબહેનની પાસે જ હતો, જ્યાં સુધી કિર્તિભાઈને સારું ન થયું ત્યાં સુધી અવિ એમની પડખે રહ્યો. ત્રણ દિવસના અંતે હવે કિર્તિભાઈની તબિયત સુધરી રહી હતી. ડૉક્ટરની ટ્રીટમેન્ટની સાથે સાથે અવિની એક દીકરા જેવી માવજત પણ અસર કરી રહી હતી.

પથારીમાંથી બેઠા થયેલા કિર્તિભાઈ અવિને વિસ્મયપૂર્વક જોઈ રહ્યા હતા. હજુ કિર્તિભાઈ કોઈ વાતનો દોર ચાલુ કરે તે પહેલા જ અવિ કિર્તિભાઈને પગે લાગ્યો અને એમનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો, “પપ્પા, કદાચ સુરાહીએ મારી વાતચીત કરી કે નહીં એ મને નથી ખબર, પણ હું સુરાહીને બહુ જ પ્રેમ કરતો હતો અને કરું છું, મનથી અમે એકબીજાંને પતિ પત્ની માની જ ચૂક્યાં હતાં, બસ તમારી મંજૂરી લેવાની બાકી હતી, પણ સુરાહીને મે વચન આપ્યું હતું કે લગ્ન પછી તમને અમારી સાથે રાખીશું અને હું જમાઈ નહીં પણ દીકરો બની ને રહીશ. પપ્પા હું મારા વચનથી કેવી રીતે વિચલિત થઈ શકું ? પપ્પા મમ્મી, પ્લીઝ હવે તમે મારી સાથે જ રહેશો. તમને સુરાહીના સમ…” અવિ રડતાં રડતાં કિર્તિભાઈના પગમાં પડી ગયો.

“બેટા, તમારા સંબંધને મેં મંજૂરી આપી દીધી હતી, એ તને રૂબરૂમાં ખુશખબર આપવાની હતી, પણ… બેટા એ દિવસ જ ના ઊગ્યો.” કિર્તિભાઈ પણ ગળગળા થઈ ગયા.

અવિ સુરાહીના મમ્મી પપ્પાને પોતાની સાથે લઈ ગયો.
***

અવિ સુરાહીના મમ્મી પપ્પા સાથે ખુશ હતો. આશરે છ મહિના જેટલો સમય થઈ ગયો હતો પણ જાણે આ છ મહિનામાં વર્ષોથી સુરાહીના મમ્મી પપ્પા સાથે રહેતો હોય એમ જ એને લાગતું. કદાચ અવિનું અને સુરાહીના મમ્મી પપ્પાનું દુઃખ હવે વહેંચાઈ ગયું હતું.
“પપ્પા, ગામડે મેં થોડું રેનોવેશન પણ કરાવી દીધું છે, હવે આપણે શનિ-રવિ ત્યાં જઈશું, હું ત્યાં ફ્રીમાં દર્દીઓ તપાસ કરીશ, કોઈ જોડેથી એક રૂપિયોય પણ નહીં લઈએ.” અવિએ સોફામાં બેઠેલા કિર્તિભાઈના ઘૂંટણીયે પડીને કિર્તિભાઈની આંખોમાં જોઈ રહ્યો.

“બેટા, આ તો સુરાહીનું સપનું હતું.” કિર્તિભાઈ પણ લાગણીશીલ બની ગયા.

“હા, પપ્પા, સુરાહીએ મને કહ્યું હતું, એનું સપનું એ જ હવે મારું સપનું.” અવિએ પ્રેમ પૂર્વક કિર્તિભાઈનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.
ત્યાં જ સીમાબહેને કિર્તિભાઈને કોઈ વાત કહેવાનો ઈશારો કર્યો, કિર્તિભાઈ એ સામે વળતો ઈશારો કર્યો.

“ના, તમે જ કહો.” સીમાબહેન કિર્તિભાઈને આગ્રહ કરી રહ્યાં હતાં. “ના સીમા, તું જ કહી દે.” કિર્તિભાઈ સીમાબહેન ને આગ્રહ કરી રહ્યાં હતાં.
“પપ્પા, હવે પહેલીઓને બુઝાવીને મને કંઈક કહેશો?” અવિ અચરજ પામ્યો. કિર્તિભાઈ એ વાત આરંભી.

બેટા આમ ક્યાં સુધી હવે એકલો રહીશ, બેટા હવે અમારા બંનેની ઈચ્છા કે તું લગ્ન કરી લે, જો બેટા મારા મોટાભાઈને દીકરી છે, આરોહી, બસ માની લે, સુરાહીનો જ પડછાયો છે, અમે બધી વાત કરી લીધી છે, એ લોકો તૈયાર છે, બસ તું એક વાર આરોહીને મળી લે. જો બેટા હવે ના ન પાડતો, તને સુરાહીના સમ.”

અવિ સુરાહીના સમ વડે બંધનમાં બંધાઈ ગયો. લગ્ન કરવાની અનિચ્છા છતાં એ કિર્તિભાઈને મના ન કરી શક્યો.
***

અવિએ જ્યારે આરોહીને જોઈ તો માની જ ન શક્યો કે આ આરોહી છે, સુરાહી અને આરોહી વચ્ચે ગજબનાક સામ્ય હતું, એ જ રૂપ રંગ, એ જ અદા.

“જુઓ અવિ, હું તમારી અને સુરાહી દીદી વિષે જાણું છું, હું કદાચ સુરાહી દીદીનું સ્થાન તો લઈ જ ન શકું પણ તમને સુરાહી દીદી જેટલો જ પ્રેમ કરીશ. ને હા તમે પણ મને પ્રેમથી “સૂર” કહી શકશો.” ને અવિ બસ આરોહીની આંખોમાં જોઈ જ રહ્યો.
***
“સૂર, મારું ટિફિન તૈયાર ?“ અવિ એ ક્લિનિક જવાની ઉતાવળમાં આરોહીને રસોડામાં બૂમ મારી.
“એ આવી અવિ, બસ તૈયાર જ છે.” આરોહી ટિફિન લઈને અવિને બાય કહેવા આવી ગઈ.
“આઈ લવ યૂ માય વાઈફી.”

“આઈ લવ યૂ માય હબ્બી.” આરોહીએ અવિની છાતી પર માથું ઢાળી દીધું. ટેબલ પર રહેલી સુરાહીની તસવીર પર આછી સ્માઈલ હતી, હવે પોતાના મમ્મી પપ્પાની ચિંતા નહોતી, પોતાના મમ્મી પપ્પા હવે એક પુત્ર અને પુત્રીની સ્નેહછાયામાં લાગણીભીનાં બનીને જીવન વ્યતીત કરી રહ્યાં હતાં.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

વાહ સુંદર લાગણીસભર વાર્તા, આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,342 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>