સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો
નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ વખત નાહવું અને એક વખત જમવું. વખત જતાં આ પ્રથા અપભ્રંશ પામીને ઊંધી થઈ. આજના દોડતા યુગમાં એકવાર નાહવું અને ત્રણથીય વધારે વખત ખોરાક ખવાઈ જાય છે. જેને લીધી કસમયે શરીર કથળી જવાના અને અવારનવાર આરોગ્ય બગડવાના કિસ્સાઓ સામાન્ય થતા જાય છે.
સ્નાન ક્રિયાનું આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં જેટલું મહત્વ છે, એટલું જ એ સામાજિક, પારિવારિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્નાન કરીને શરીર અને ત્વચા ચોખ્ખી થાય છે. શરીર સ્વચ્છ થવાથી નિરોગી રહે છે અને રાત આખી સૂતા પછીની સૂસ્તી તુરંત ઉડાડીને તાજગી આપે છે.
મૃતક સૂતક અને સારવાના વિધિવિધાનમાં પણ વિવિધ પ્રકારના સ્નાનનું મહત્વનું સૂચન છે.
સ્નાનનું પાણી
આપણી ધાર્મિક ભારતીય સંસ્કૃતિમાં સ્નાન કરવાની બાબતને એક વિધિ કે સંસ્કારમાંનું એક ગણી લેવાયું છે અને એની સાથે નાહવાના નિયમો પણ ગોઠવાઈ દેવાયા છે. આ નિયમોમાં કેવા પાણીએ નાહવું એ પણ ઉલ્લેખ છે. શીતળ પાણીએ સ્નાન કરવા પર વધારે ભાર અપાયો છે. જો કે ઋતુ કે દેશ-પ્રદેશ અનુસાર થોડું ગરમ પાણીથી પણ નાહવાની સગવડ કરવામાં વર્જ્ય નથી જ.
ઠંડા કે સહન થઈ શકે એવા ટાઢા પાણીએ સ્નાન કરવા પાછળનું કારણ એવું હોઈ શકે કે શરીર સ્નાન કર્યા પછી સદંતર તાજગી અનુભવે અને સુષુપ્ત ચેતનાઓ ઉજાગર થાય. ઠંડા પાણીએ નાહવાથી આળસ ઊડે છે, ઉદાસીન પણું જાય છે અને વરણાગી પણું પણ ટાળી શકાય છે. પરસેવો ધોવાય છે, જેથી ખુજલી કે દાઝ મટે છે. શરીર હળવું લાગવાથી જઠરાગ્ની પ્રદિપ્ત થાય છે, એવું તમે સ્નાન કર્યા પછી ચોક્કસ અનુભવ્યું હશે. આવાં કારણોસર, શાસ્ત્રોમાં ઠંડા પાણીએ નાહવા ઉપર વિશેષ અનુરોધ કર્યો છે.
કહેવાય છે કે ગરદન અને ધડ સુધી ભલે આપ સ્નાન કરવાનું પાણી ગરમ કરી થોડું કોકરવરણું થાય એવું ઉપયોગમાં લઈ શકો છો. શરીરમાં બળતરા થાય એવા ગરમ પાણીથી કાયમ સ્નાન કરવાથી વખત જતાં શરીરનું બળ ઘટે. પરંતુ માથાંમાં નિર્મળ શીતળ પાણીથી જ સ્નાન કરવું જેથી દૃષ્ટિક્ષીણતા કે વાળ ખરવા કે સફેદ થવા જેવા રોગો ન થાય.
અંઘોળ પ્રથા એટલે કે સ્નાનની વિધિ જ્યારે ધાર્મિક કે સાંસ્કૃતિક નિયમો અનુસાર કરતાં હોઈએ ત્યારે એમાં પાણી સાથે કેટલાંક દ્રવ્યો પણ ઉમેરવાનું સૂચન છે. આપણે ઠાકોરજીનું સ્નાન કે શિવલીંગ પર કરાતા અભિષેકમાં કેટલાંક દ્રવ્યો ઉમેરતાં હોઈએ છીએ. જેને પંચામૃત કહે છે.
આ પંચામૃતમાં મધ, શર્કરા, ધી, દહીં, કેસર, દૂધ અને ગુલાબ જળ પણ મેળવાય છે. ઉત્તમ અંઘોળની આ પ્રથા આજના તેજ અને અતિપ્રગતિશીલ સમયમાં નિરાંતે સ્નાન કરવું ખૂબ જ અઘરું છે. જેને લીધે ફેસિયલ કે સ્પાની સગવડ થઈ છે એવું તારણ ચોક્ક્સથી કરી શકાય છે. પરંતુ રોજિંદા જીવનમાં પણ કંઈક એવાં સામાન્ય અને સરળતાથી મેળવી શકાય એવાં દ્રવ્યો આપણે ઉમેરીને ઝડપથી સ્નાન કરી જ શકાય છે.
જેમ કે કેટલાંક એસેન્સિયલ ઓઈલ, રોઝમેરી, લેવેન્ડર કે સેન્ડલવૂડ જેનાથી સ્નાન કરીને આખો દિવસ શરીરમાંથી એની મોહક સુગંધ આવતી રહે અને દિવસ પ્રસન્ન ચિત્તે પસાર થઈ શકે.
જો આપને થાક લાગતો હોય અથવા પગમાં કે શરીરના સાંધાઓમાં દુખાવો હોય તો થોડાં ઉના પાણીમાં મીઠું નાખીને પણ નાહી શકો છો. ઠંડા પાણીમાં પણ નમક ઉમેરીને નહાવામાં કોઈ બાધ નથી. બક્લે, સકારાત્મક ઉર્જા અનુભવાશે અને કહેવાય છે કે કોઈની નકારાત્મક ઉર્જા સ્પર્શી શકતી નથી.
હાલના તબક્કામાં જ્યારે વાઈરલ તાવ કે શરદી ઉધરસનું પ્રમાણ વધારે હોઈ રોગપ્રતિકારક શક્તિને સાચવવા નહાવાનાં પાણીમાં એન્ટિસેપ્ટિકના ટીપાં કે નિલગીરી કે વિક્સની લુગ્દી ડોળીને પણ ગરમ પાણીથી નહાઈ શકાય છે.
શેનાથી નહાવું ?
આપણે મોઘાદાટ સાબુ અને શેમ્પૂનો ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ આપણાં રસોડાંમાંથી જ મળી જાય એવા ઉબટન અને દ્રવ્યોથી સાત્વિક સ્નાન પણ કરવું હિતાવહ છે.
શીયાળામાં ગ્લીસીરીલ યુક્ત સાબુ સહુ કોઈ વાપરે છે. એ સાથે તલનું કે સરસિયાના તેલનું પણ પાણીમાં ઉમેરણ કરીને નહાઈ શકાય. ઉનાળામાં ગુલાબ જળ કે એલોવીરા યુક્ત સાબુ શેમ્પૂ ખૂબ પ્રચલિત છે નાહવા માટે. સાથે હળદર, દહીં અને મલાઈનું મિશ્રણ અથવા તો મુલતાની માટીના લેપથી પણ નાહવું લાભદાયી છે. તૈલ યુક્ત સારામાંયલું અત્તરના પણ નાહવાના પાણીમાં ટીપાં નાખી શકાય છે. જેથી નહાયા પછી પણ સુઘડ શરીર સાથે આખો દિવસ સુગંધિત પણ રહેવાય.
ક્યારે સ્નાન કરવું ?
શાસ્ત્રોમાં ચાર પ્રકારના સ્નાનને ખૂબ જ મહત્વ અપાયું છે. જેમાં બ્રહ્મમહૂર્તમાં કરાતાં સ્નાનને અગ્ર સ્થાને રખાયું છે. પરંતુ આજના અધુનિક અને ઝડપથી તકનિકી પ્રગતિ સાધતા સમયમાં આ બધા જ નિયમો પાળવા લગભગ અશ્ક્ય લાગે છે. ખરેખર જોઈએ તો ધાર્મિક નીતિનિયમો આપણાં સમાજને અને પારિવારિક વ્યવસ્થાને સુદ્રઢ કરવા બનાવાના હેતુસર જ હોઈ શકે એમાં બે મત નથી.
સદીઓથી ચાલ્યા આવતા આ સ્નાન પ્રકારને જોઈએ અને સમજીએ.
– મુનિ સ્નાન
સવારે બ્રાહ્મમહૂર્તમાં સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં કરાય છે. આ સ્નાનને સર્વોત્તમ મનાય છે. આ સમયે શરીરની ચેતનાઓને જાગ્રત કરીને દિવસની શરૂઆત કરવાથી શ્રેષ્ઠ પ્રગતિ હાંસલ કરી શકાય એવું સદીઓથી માનવામાં આવે છે. વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના, બુદ્ધિ આ સમયે શ્રેષ્ઠ રીતે ઉજાગર કરી જીવશૈલીને સમૃદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થી વર્ગને એટલે જ સવારે વહેલા જાગીને સ્નાન કર્મ પતાવીને વાંચવા બેસવાનું સૂચન અપાય છે.
– દેવ સ્નાન
આ સ્નાનનો સમય સવારે પાંચ વાગ્યાથી છની વચ્ચેનો છે. જેને ઉત્તમ ગણાય છે. જીવમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, કીર્તિ અને યશ પ્રદાન કરનાર દરેક શુભ પ્રેરણા આ સમયે સ્નાન કર્યા બાદ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે. યોગ સાધના અને ધ્યાન કરી શકવા આ સમયે ઉત્તમ તક છે. જેથી શરીરમાં પ્રાણવાયુની માત્રા વધે અને સ્વસ્થતા પૂર્વક દિનચર્યા શરૂ કરી શકાય.
– માનવ સ્નાન
સવારે સૂર્યોદય થવાના સમયે કરાતા સ્નાનને માનવ સ્નાન કહે છે જે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો સમયગાળો રહે છે. આ દરમિયાન જાગૃત અવસ્થામાં આવી જઈને સામાન્ય જન જીવન શરૂ કરી શકાય છે.
આ સમયે સ્નાન લીધા બાદ સ્વચ્છ શરીરે પૂજા પાઠ ધ્યાન ઈત્યાદિથી પરવારીને દિવસની શરૂઆત કરવાનું સૂચન દરેકને કહેવામાં આવ્યું છે. જેથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને અર્થિક પ્રગતિ નિશ્ચિત પણે સાધી શકાય છે. જેમાં આરોગ્ય, આર્થિક, પારિવારિક અને વ્યવહારિક કૂશળતાને મહત્વ આપીને દૈનિક ક્રિયાઓ સાથે સુમેળથી પ્રગતિ કરી શકાય છે.
– રાક્ષસી સ્નાન
દિવસ ચડી ગયા પછી આઠ વાગ્યા પછી કરાતા સ્નાનને રાક્ષસી સ્નાન તરીકે ગણી લેવાય છે. જેમાં એવું સમજી શકાય કે કોઈપણ લોકોને મોડાં ઊઠવાની કે આળસ કરીને દિવસ પસાર કરવા જેવી કૂટેવ હોય એવો રાક્ષસી સ્નાન કરે છે એવું કહી શકાય. પરંતુ આજના દોડતા આ સમયે સૌને પોતપોતાનું રૂટિન હોય, જેમાં સવારનું ટિફિન, ઘરપરિવારનું રોજિંદું જીવન કામ આટોપવાનું હોય જેથી સૌ માટે વહેલું સ્નાન કર્મ પતાવવું શક્ય નથી પણ બનતું. ઉતાવળે દિવસ શરૂ કર્યો હોવાથી ઉગ્રતા કે કલેહ પણ થઈ શકે છે. જેને લીધે પણ આ પ્રકારના સ્નાનને રાક્ષસી સ્નાન કહેવાયું હોય.
સ્નાન સમયે બોલાતો શ્ર્લોકઃ
હિન્દુ શાસ્ત્રોમાં જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગોને લગતા શ્ર્લોક અને સ્તુતિ આવરેલાં છે. એમાંય સ્નાન કર્મને પણ એટલું જ મહત્વ છે. આ સમયે આપણે ભારતીય પવિત્ર નદી તિર્થોનું સ્મરણ કરીને શરીરે પાણીથી સ્નાન કરવાનું પણ સૂચન છે. કદાચ એવું કરવા પાછળ એવો પણ હેતુ હોઈ શકે કે નહાતી વખતે કોઈ નકારાત્મ ચિંતાઓ કે વિચારો ન આવે અને પવિત્ર જળના સ્નાનનો ભાસ કરીને પુણ્યશાળી અનુભૂતિ કરી શકાયઃ
શ્ર્લોકઃ
ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરિ સરસ્વતી ।
નર્મદે સિંધુ કાવેરિ, જલેસ્મિન સન્નિધિકુરુ ।।
નિલાંબુજ શ્યામલ કોમલાંગ, સીતાસમોરોપિત વામભાગમ્ ।
પાણૌ મહા સાયક ચારૃ પાપં, નમામિ રામં રઘુવંશ નાથમ્ ।।
દૈહિક સ્નાન સાથે જોડાયેલ આ કથનમાં આજે પણ જૂનવાળી લોકો વિશ્વાસ રાખે છે. એક સમયે ઓછી સગવડો અને નાના મકાનો, મોટું કુટુંબ હતું. દરેકને તેમની દિનચર્યા સાચવવાની ઉતાવળ હોય એ હિસાબે વહેલાં સ્નાન કરી લેવાનું યોગ્ય મનાતું હોઈ શકે. આપણે જેમ કુદરતના નિયમોને અનુસરીએ એમ ઓછી તકલીફો પડે છે. જેમ પ્રાકૃતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરીએ એમ સ્વાસ્થ્ય માટે સારું છે. વડીલોના મોંએથી સાંભળ્યું જ હશે કે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. આ પાછળ આવાં જ કારણોનું તારણ કરી શકાય. જો શક્ય બને તો આજના આધુનિક યુગમાં પણ સૌ કોઈએ ખાસ કરીને પરિવારની સ્ત્રીઓ અપનાવશે તો ખૂબ જ લાભદાયી નિવડશે.
લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’