‘જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામલા.. હળવે હાથે કંકુ ચોળી સ્નાન કરાવું શ્યામલા….

રસોડામાં વાસણ ખખડવાનો અવાજ જોરથી આવી રહ્યો હતો. બહાર હોલમાં બેસીને ટીવી જોઈ રહેલી સહ્યાદ્રી અને ઠાકોરજીની સેવામાં રત રાધિકાબા બંનેએ એકબીજા સામે જોયું. સહ્યાદ્રીના મોં પર સહેજ ગુસ્સો છવાઈ ગયો અને સાથે સાથે ચિંતા પણ કે હમણાં મમી ઉભા થઈને જશે અને લાલીને ખખડાવી મુકશે.. એટલે તેના સાસુ ઉભા થાય એ પહેલા તે પોતે જ ઉભી થઈને રસોડામાં ગઈ અને બોલી,

“અલી એ લાલી, આ કઈ રીત છે વાસણ ઘસવાની? તારા ઘરમાં તું આમ વાસણ ઘસે છે?”

બે મિનીટ એની સામે જોઇને સહ્યાદ્રીએ સહેજ મોઢું હસતું કરીને ઇશારાથી જ કહી દીધું કે ‘મારી ઈચ્છા નથી તને વઢવાની પણ હું ના ખીજાત તો મમી અત્યારમાં તારા પર ઉકળી પડત..’

લાલીએ પણ આંખથી જ માફી માંગી લીધી.. પછી જરા દેખાવ કરવા સાસુમાને સંભળાય એમ સહ્યાદ્રી બોલી,

“જો કે આમ જ ઘસતી હશે ને તું તારા ઘરમાં તો.. તમારે તો એવા મોંઘા વાસણો હોય નહિ.. પણ અમારા ઘરમાં છે બરોબર.. એટલે હવેથી ધ્યાન રાખજે.. મને કે મમીને આમ વાસણ પછડાય એ નથી પસંદ..”

ને બંને એકબીજા સામે જોઇને મરક મરક હસી પડ્યા..

બહાર બેઠેલા રાધિકાબા પોરસાઈ રહ્યા હતા કે વહુએ સારું કર્યું કામવાળીને ખખડાવીને..!!

રાધિકાબહેન અને રણજીતભાઈનો પરિવાર આમ તો બહુ મોટો પણ તેમની સાથે એક જ દીકરો-વહુ રહે.. સુજન અને સહ્યાદ્રી.. તેમના બે મોટા દીકરા વિદેશ પોતપોતાના પરિવાર સાથે રહેતા હતા.. એક દીકરી હતી તે મુંબઈ રહેતી.. સુજનને અહી આ જ શહેરમાં મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી મળી ગયેલી એટલે તે મમી-પપ્પા સાથે જ રહેતો.. સહ્યાદ્રી સાથે તેના લગ્ન છ જ મહિના પહેલા થયેલા.. અરેંજ મેરેજ જ હતા.. સહ્યાદ્રી જેવી ગુણીયલ ને સંસ્કારી વહુ મેળવીને રાધિકાબહેન બહુ ખુશ અને ગર્વિત હતા.. પણ ક્યારેય સહ્યાદ્રીની સામે તેઓ તેના વખાણ ના કરતા.. હા કોઈ બહારનાને કહેવાનું આવે ત્યારે તેઓ પોતાની વહુના ગુણગાન ગાવામાંથી ઊંચા ના આવે..!!!

સહ્યાદ્રી પણ તેના સાસુનો સ્વભાવ બરાબર સમજતી હતી.. તે જાણતી હતી કે રાધિકાબાને તેના પર અપાર હેત ને માન છે પણ જાહેરમાં સ્વીકારવામાં તેઓ નાનમ અનુભવતા.. સહ્યાદ્રીને આ વાતનો વાંધો પણ નહોતો.. તે તો સુજન જેવો સમજુ અને પ્રેમાળ પતિ મેળવીને જ પોતાને ધન્ય સમજતી.. નાનપણથી તેણે ઠાકોરજીને કરેલી વિનતી ફળી હતી એ તેને લાગતું.. તેના પિયરમાં પુષ્ટાવેલા ઠાકોરજી હતા ને સેવા હતી એટલે તેને કાનાની સેવા કરવાનું બહુ હતું.. સાસરું પણ એવું જ મળ્યું હતું તેને..!! રાધિકાબાનાં ઘરે પુષ્ટાવેલા ઠાકોરજી ભલે નહોતા પણ તેઓ સેવા તો બધી એવી જ કરતા જેવી પુષ્ટાવેલા ઠાકોરજીની થાય..

‘અરે મમી.. હું શું કહું છું કે આપણે આ વખતે જન્માષ્ટમી ઉજવવી છે? તમે કહેતા હતા એવી રીતે? રાસ ને ભજન-કીર્તન બધું રાખીશું બરાબર ને?’

રસોડામાંથી બહાર આવીને સહ્યાદ્રીએ તેના સાસુને સંબોધીને કહ્યું.

‘હાસ્તો વહુ.. ઉજવવાની જ હોય ને.. છેલ્લા પાંચ વર્ષથી આ ઉજવણી કરવાની શરુ કરી છે.. મટકીફોડ કરવાથી કોઈ પડી જાય કે લાગે એના કરતા મને કંઇક સરસ ઉજવણી કરવી હતી જેમાં બધા ભેગા થાય ને આનંદ કરે ને ઠાકોરજીના કીર્તન કરે ને રાસ લે.. આવો ઉત્સવ તો આપણે જન્માષ્ટમીએ જ કરીએ છીએ.. આ નાં કરીએ એવું બને બેટા..

હું તમને આજ કાલમાં કહેવાની જ હતી કે દરબારગઢની હવેલી વાળી શેરીમાં સરસ વાઘા મળશે. ત્યાંથી વાઘા લઇ આવજો અને આ વખતે સોનાના કુંડળ ચડાવવા છે લાલાને.. એટલે કાલ ને કાલ સોનીને મળી આવીશું આપણે બેય..’

‘હા સારું મમી.. તો બપોરે જઈશું ને? લાલીને કહી દઉં કે વહેલી આવી જાય..’

‘હા કહી જ દે.. મારી હારી પછી આવશે નહીં વહેલી.. એમ કહેશે તમે મને કહ્યું નથી.’

હસતા હસતા સહ્યાદ્રી વોશમાં ગઈ.. લાલી કપડા સુકવતી હતી.

લાલી બહુ રંગીલી હતી.. કામ કરતા કરતા તેના કાનમાં સતત હેડફોન્સ ભરાવેલા જ હોય. એમાં એના વરે એને ગુજરાતી ગીતો નાખી આપેલા એ સાંભળતી જાય ને મોજથી કામ કરતી જાય. ક્યારેય તેના ચહેરા પર કોઈ પ્રકારનું ગમ કે ઉદાસી જોવા ના મળે.. સદાય હસતી હોય. સહ્યાદ્રીને લાલી બહુ ગમતી..!!

‘અલી એય લાલી.. કાલ સવારમાં વહેલી આવી જજે હોં.. મારે ને મમી ને બહાર જવું છે તો બધું કામ વહેલાસર થઇ જાય એટલે અમે નિરાંતે બજારમાં ફરીએ..’

‘પણ બેનબા.. કાલ તો મારા કનૈયાની સ્પર્ધા છે.. મેં તમને નો’તું કીધું.. એને સ્કેટિંગની સ્પર્ધા છે. મારો કાનો એવું સરસ સ્કેટિંગ કરે કે વાત ના પૂછો.. એની નિશાળમાં બધુય શીખડાવે હોં.. બોલો બેનબા કાંઇક સરકારની કલમ કે કાંઇક છે ને એટલે એમાં મફતમાં ભણે છે. એવી સરસ નિશાળ છે કે વાત ના પૂછો.. ને બોલો..’

‘આરટીઆઈ’ હેઠળ જ ભણતો હશે આ લાલીનો દીકરો..’ મનમાં એવો વિચાર કરીને સહ્યાદ્દરી લાલી સામે જોઈ રહી કે એ આગળ કંઇક બોલે અને પોતે જવાબ આપે.. હજુ તો લાલી આગળ કંઈ બોલવા જાય એ પહેલા જ રાધિકાબાનો અવાજ આવ્યો,

‘એય લાલી.. હાલ હવે અહીં ઠાકોરજીના ઓરડામાં કચરા-પોતું કરી લે.. ને પછી મને માલીશ કરવા આવી જજે..’

‘હા શેઠાણીબા.. આવી હો…’

રાધિકાબાને જવાબ આપીને ધીરેથી તેણે સહ્યાદ્રીને કહ્યું,

‘બેનબા.. કાલ ટાળી દો ને જવાનું.. હું પરમ દિવસે તમે કહેશો એટલા વાગ્યે આવી જઈશ..’

‘સારું બસ.. કંઇક કરું છું.. જા તું હવે બહાર બાકી મમી મને વઢશે..’

સહ્યાદ્રીએ લાલીને કહ્યું અને એ ચાલી ગઈ..

રાધિકાબાને રોજ બે વખત માલીશ.. એ સિવાય કચરા-પોતા, વાસણ ઉટક્વાના, લુછવાના ને ગોઠવી પણ દેવાના.. કપડા મશીનમાં નાખીને, થઇ જાય એટલે સુકવવાના, ઝાપટ-ઝુંપડ ને નાનું-મોટું બધું કામ લાલી જ કરતી.. છેલ્લા દસ વર્ષથી તે રાધિકાબાના ઘરે કામ કરતી હતી.. રાધિકાબાને કામવાળા સાથે ખરાબ રીતે વાત કરવાની જ આદત.. સહ્યાદ્રીએ આ જોયું એટલે શરૂઆતમાં એક-બે વખત એમને કહેવાની કોશિશ કરી પરંતુ રાધિકાબાએ તેની વાત લક્ષમાં જ ના લીધી એટલે સહ્યાદ્રીએ ટોકવાનું જ બંધ કરી દીધું..

સહ્યાદ્રીનું પિયર તો તેના સાસરા કરતાય વધારે પૈસાદાર.. છતાય તેનામાં એક ટકાનો પણ ઘમંડ નહીં.. તેના સાસુ કામવાળા સાથે બહુ તોછડાઈથી વર્તન કરે.. એ વાત સહ્યાદ્રીને જરા પણ નાં ગમે.. પરંતુ સાસુની સામે બોલવાની જ્ગ્યાએ તે મુક રહીને બની શકે તેટલી લાલીની મદદ કરી દે..

એ દિવસે પણ સાસુમાને તેણે કહી દીધું કે કાલે નહીં પરમ દિવસે તેઓ બજારમાં જશે.. કાલ તેને પિયરે જવાનું છે અને અગત્યનું કામ પતાવવાનું છે. રાધિકાબા પહેલા તો ના માન્યા પણ અંતે મીઠી થઈને તેણે સાસુમાને મનાવી લીધા..

અઠવાડિયું વીતી ગયેલું.. જન્માષ્ટમીને હવે ચાર જ દિવસની વાર હતી..

એ દિવસે રાતના ચારેય જમવા બેઠા ત્યારે રાધીકાબા બોલ્યા,

‘બેટા સહ્યાદ્રી.. તે એ કુંડળ સુજનને બતાવ્યા? તારા પપ્પા તો આપણે લાવ્યા એ દિવસે બહારગામ જ ગયેલા.. એટલે એમને તો અત્યારે જ બતાવજે.. સવારે આવ્યા બહારગામથી ત્યારે જો ને ટાઈમ જ ના રહ્યો બતાવવાનો.. હેં સુજનના પપ્પા, આ વખતે ઉત્સવમાં ૫૦૦ જણા જેવું લીસ્ટ થાય છે.. કેટલાને બોલાવવા છે?’

‘અરે તમે જેટલાને બોલાવવા હોય બોલાવી લો રાધિકા.. એમાં કંઈ વિચારવાનું ના હોય.. આપણા લાલાનો જન્મદિવસ છે.. જન્માષ્ટમીનો ઉત્સવ છે કંઈ વિચારી-વિચારીને થોડું કરાતું હશે..’

‘હા એ વાત ખરી.. સહ્યાદ્રી વહુ તમારો લગ્ન પછી આ પહેલો ઉત્સવ હશે હોં.. તમારે જે સોનાનું લેવું હોય એ લઇ આવજો કાલ સુજન સાથે જઈને.. ને હા પહેલા હમણાં જમીને બતાવી દો એ કુંડળ..’

‘હા હા મમી.. આપણે ઠાકોરજીને ધર્યા પછી મૂકી દીધા છે ને એટલે નથી બતાવ્યા સુજનને હજુ.. હમણાં જમીને બતાવું..’

રાધિકાબાના ઘરે હતા તો રમતા લાલા પરંતુ એ કાનાની સેવા તેઓ પુષ્ટાવેલા હોય તેવી જ કરતા.. દર વર્ષે તેઓ હોટેલમાં જન્માષ્ટમી ઉજવે.. જેમ કોઈ બાળકનો જન્મદિવસ ઉજવાય એમજ તેઓ પોતાના લાલાનો પણ જન્મદિવસ ઉજવે. બધા સગા-સંબંધીઓ આવે ને ફરાળ કરે સાથે.. નવ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાસ રમે ને બાર વાગતા જ ‘નંદ ઘેર’ ના નાદ સાથે લાલાને લઈને, માથે ટોપલી મૂકી એમાં લાલાને પધરાવીને સૌ ગરબા કરે.. જેટલા પણ મિત્રો-સગાના ઘરે ઠાકોરજી કે નાનો લાલો હોય એ બધા જ પોતપોતાના લાલાને લઈને આ ઉત્સવમાં આવે.. ને બધા જ લાલાને સ્નાન કરાવીને નવા વાઘા પહેરાવીને પારણામાં ઝુલાવે..!!! આ વર્ષે પણ સતત પાંચમી વખત રાધિકાબા આ ઉત્સવનું આયોજન કરી રહ્યા હતા. રાધિકાબાના સરસ મજાના વજનદાર મોટા લાલા હતાં. લગભગ અડધો ફૂટના લાલા હતા..!!

ચારેય જણા જમીને ઉભા થયા પછી જ્યારે હોલમાં બેઠા ત્યારે સહ્યાદ્રીએ કુંડળ લાવીને તેના સસરા રણજીતરાયને અને સુજનને બતાવ્યા..

‘અરે વાહ સહ્યાદ્રી.. બહુ જ સુંદર છે.. લાલા પર તો એવા શોભશે કે વાત જવા દે..’

‘હા સુજન એ જ ને.. હું ને મમી એટલા મૂંઝવણમાં હતા કે શું લેવું લાલા માટે.. વાઘા તો નવા જ લેવાના હોય.. પછી અચાનક જ મમીને કુંડળ લેવાનો વિચાર આવ્યો.. ને અમે લઇ આવ્યા.. પાંચ ગ્રામ થયા બંને કુંડળ મળીને..’

‘અરે વાહ.. સારું કર્યું.. હજુ થોડા વજનદાર લેવાય ને.. આપણે સજીએ એમ કાનાને તો સરસ સજાવવા જોઈએ ને..’

‘હા.. એ વાત સાચી.. પણ પછી વધારે મોટા લાગતા હતા.. આ એકદમ બરોબર સરસ લાગતા હતા.. લુબ્દીથી અમે લગાડ્યા પણ હતા એક વખત.. જોવા માટે.. હવે આઠમે જ પહેરાવીશું.. કાનાને સ્નાન કરાવીને..’

  • ‘હા સરસ લે.. તો રાખી દે અંદર..’
  • સુજને કહ્યું.. રાધિકાબા બોલ્યા,
  • ‘સાચવીને મુકજો વહુ હોં..’
  • ‘હા મમી..’

એ પછીના ચાર દિવસ તો તૈયારીઓમાં ક્યાં વીતી ગયા ખબર જ ના પડી.. હોટેલ બુકિંગથી લઈને ડેકોરેશન અને ફરાળનું મેનુ ફાઈનલ કરવાથી લઈને ભજન-કીર્તન માટે કોને બોલાવવા સુધીની બાબતો નક્કી થઇ રહી હતી.. સહ્યાદ્રી અને સુજનનો આખો દિવસ આ બધા કામ પતાવવામાં જ ચાલ્યો જતો. બહારનું કામ સહ્યાદ્રી પતાવતી અને ફોનમાં બુકિંગ કરવાનું બધું કામ સુજને ઉપાડી લીધું હતું. રાધિકાબાની દીકરી પણ મુંબઈથી ખાસ આ ઉત્સવ માટે આવવાની હતી..

  • ઘરમાં સૌ ખુશ હતા..
  • એ દિવસે સાતમ હતી..

‘અરે ઓ લાલીબા.. કેમ આમ મોં ચડાવીને કામ કરો છો? ચહેરા પરથી નુર ગાયબ થઇ ગયું છે તારા તો.. આજ તો વળી હેન્ડ્સફ્રી પણ નથી ભરાવ્યા.. કાલ ઉત્સવમાં આવવાનું છે હોં તારા ઘરના બધાયને..’

કામ કરી રહેલી લાલીને જોઇને સહ્યાદ્રીએ કહ્યું.. રાધિકાબા હવેલીએ ગયા હતા.. એમની ગેરહાજરીમાં સહ્યાદ્રી મોજથી લાલીને માનથી બોલાવતી..

  • ‘કંઈ નહીં બેનબા.. આ મલકાય મારું મોં..’ લાલીએ સહેજ હસીને જવાબ આપ્યો.. એ જોઇને સહ્યાદ્રી તરત તેની નજીક આવી અને તેને પૂછ્યું, ‘કેમ રે મારી સાથે ખોટું બોલે છે તું? એ પણ આજ તહેવારના દિવસે બેટા.. બોલ જોઈએ.. શું વાત છે?‘બેન.. મારા છોરાએ એવું સરસ સ્કેટિંગ કર્યું કે વાત જવા દો.. હવે એ આગળ રમવા માટે સિલેક્ટ પણ થઇ ગયો છે..

એને આવતા મહીને બીજા રાજ્યમાં રમવા જાવાનું છે.. એની શાળામાં પ્રેક્ટીસ એ આખો દિવસ કરે.. પણ વાત એમ છે કે નિશાળેથી આવી જાય પછી પ્રેક્ટીસ કરવા માટે એના મોંઘા સ્કેટિંગ લેવાના હોય ને એના માટે અમારી પાસે પૈસા નથી.. નિશાળેથી આવે એ પછી ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી એ નવરો જ હોય પણ પ્રેક્ટીસ કેમ કરે..

કાલ મારો દીકરો કહેતો હતો કે એની સાથેના બીજા બધા આવી રીતે ઘરે જઈને પણ બીજા ક્લાસમાં જાય શીખવા ને પ્રેક્ટીસ કરે.. એટલે એ બધા જીતી જશે.. બિચારો એ બહુ જીવ બાળે..

અમે ના તો એને ક્લાસ કરાવી શકીએ કે ના નવા સ્કેટિંગ લઇ દઈ શકીએ..’ ને આટલું બોલતા બોલતા જ લાલી રડવા લાગી..

સહ્યાદ્રી એને સધિયારો આપવા આગળ કંઈ કહેવા જાય ત્યાં તો રાધિકાબા ઘરમાં દાખલ થયા.. ને લાલીને આશ્વાસન આપવા ઉઠેલો એનો હાથ એમ જ હવામાં અધ્ધર રહી ગયો..

‘અરે વહુ, આમ આવો તો જરા.. હંસાકાકી ને રમામામી આવ્યા છે.. જરા ઓરડામાં આવજો ને મારા.. બધું આપણે લીધું ને તમારા ને કાના માટે એ લઈને..’

‘એ હા મમી.. આવી હોં..’ ને લાલીના માથા પર હાથ મુકીને એને સહેજ સધિયારો આપીને સહ્યાદ્રી દોડતી તેના સાસુના ઓરડામાં ગઈ.. લાલી ચુપચાપ રડતી રહી..

‘અરે રમાભાભી.. તમે જુઓ તો ખરા કેવી સરસ કારીગરી છે…. આ ડીઝાઈન તૈયાર નહોતી હોં.. અમે જાતે બનાવડાવી છે.. જો કે વધારે ભાગ મારી વહુનો જ હોં.. એણે જ સુચવી હતી આ ડીઝાઈન..!!’

એમ કહીને પોરસાઈને રાધિકાબાએ પોતાની વહુની સામે જોયું..સહ્યાદ્રી જરા શરમાઈ ગઈ..

‘અરે એય લાલી.. આ બધું સરખું સાફ નથી કર્યું હે?? આ મારો ઓરડો જરા સરખી રીતે વાળી લે ને પોતા કરી લે.. આ રમાભાભી ને હંસા શું વિચારતા હશે કે હું આવું ગંદુ ઘર રાખું છું..’

રમામામી અને હંસાકાકીના ગયા પછી રાધિકાબા લાલીને ખીજાઈને કહી રહ્યા હતા..

મૂંગા મોંએ લાલી એમના ઓરડામાં આવી ને બધું સાફ કરવા લાગી.. રાધિકાબા એની સામે અછડતી નફરતભરી નજર નાખીને રસોડામાં ચાલ્યા ગયા..

આઠમની સવાર સુંદર ઉગી હતી જાણે.. ઉલ્લાસ ને ઉમંગભર્યું વાતાવરણ રાધિકાબાના ઘરમાં છવાયેલું હતું.. તેમની દીકરી ને જમાઈ પણ મુંબઈથી આવી ગયા હતા..

સવારથી જ ઘરમાં શોરબકોર અને રાતનાં ઉત્સવની તૈયારીઓ ચાલતી હતી..

સાંજે સાત વાગતા જ બધા હોલ પર જવા માટે નીકળી ગયા.. ફરાળ કરીને બધાએ બાર વાગ્યા સુધી રાસની રમઝટ બોલાવી.. એકપછી એક એમ ને કનૈયાના ભજન-કીર્તન પર ગરબા કરવામાં કોઈનેય થાક નહોતો લાગતો..

‘એ નંદઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી.. હાથી દિયા ઘોડા દિયા ઔર દિયા પાલખી..’

બાર વાગતા જ જય રણછોડ માખણચોરના નાદ સાથે હોલમાં હાજર સૌ ઝૂમી ઉઠ્યા.. સહ્યાદ્રીએ પોતાના કાનાને એક છાબડીમાં લઈને માથે પધરાવ્યા ને તેમને લઈને આખા હોલમાં ગરબા કરવા લાગી..

રાધિકાબા પણ ઉમરનું ભાન ભૂલીને ફેરફુદરડી ફરવામાં ને નાચવામાં મશગુલ હતા.. બધાએ વારાફરતી કાનાને માથે પધરાવ્યા..

‘ચાલો વહુ.. હવે પંચામૃતથી કાનાને સ્નાન કરાવી લઈએ.. પછી નવા વાઘા પહેરાવાના છે. કાનાને કુંડળ પણ પહેરાવીશું..’

‘હા મમી..’

‘જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામલા.. હળવે હાથે કંકુ ચોળી સ્નાન કરાવું શ્યામલા..’આખા હોલમાં આ કીર્તનનો લય ગુંજી ઉઠ્યો.. હોલમાં હાજર સાત લાલાના સ્વરૂપને સ્નાન કરાવાઈ રહ્યું હતું..‘લો વહુ, આ સરસ કેસરી રંગના મોતીવાળા વાઘા પહેરાવજો ઠાકોરજીને..’કહીને રાધિકાબાએ સહ્યાદ્રીનાં હાથમાં વાઘા આપ્યા..‘ને આ લો વહુ, આ કુંડળ પણ ચડાવી દો હવે..’

કુંડળ જોઇને તરત જ સહ્યાદ્રીની આંખ ચમકી.. ને નજર સીધી જ રાધિકાબા સામે ગઈ.. એમના ચહેરો મરક મરક થતો હતો.. કેમ જાણે કહી રહ્યો હોય કે,

‘વહુ અંતે છું તો તમારી સાસુ જ ને..સહ્યાદ્રી અચંબિત હતી.. કુંડળ આવ્યા ક્યાંથી તે જ તેને નહોતું સમજાતું.. છતાય ત્યારે સમયને સાચવી લઇ તેણે બધી વિધી પૂરી કરી.. ને પ્રેમથી રાસ કરતા કરતા કાનાને ફરી પોતાના ઘરે પધરાવ્યા..!!

નોમની સવારે પોતાને મુંઝવી રહેલા પ્રશ્નનું સમાધાન મેળવવા મથતી સહ્યાદ્રી વહેલી જાગી ગયેલી.. રાત્રે ત્રણ વાગ્યે ઘરે પહોંચ્યા પછી રાધિકાબા તો તરત એમના ઓરડામાં જઈને સુઈ ગયેલા એટલે રાત્રે કંઈ વાત જ નહોતી થઇ..

એટલે જ અત્યારના પહોરમાં સાસુમા સાથે વાત કરવા તલપાપડ થઇ રહી હતી.. હજુ તો એ વિચારોમાં અટવાયેલી હતી ત્યાં જ સાસુનો અવાજ આવ્યો..

‘વહુ.. પાણી ગરમ કરજો..’ રોજ સવારે જાગીને, નાહીને રાધિકાબા ફક્ત ગરમ પાણી જ પીતા.. એ પછી બપોરે જમતા.. અત્યારે એમના પીવાનું પાણી મુકવાનું તેમણે સહ્યાદ્રીને કહ્યું.. આ સાંભળતા જ ઓરડામાંથી બહાર નીકળેલા સાસુમા પાસે સહ્યાદ્રી જઈ પહોંચી..

તેની આંખમાં રહેલો પ્રશ્ન રાધિકાબા કળી ગયા.. ને તેમનું મોં હસું હસું થઇ રહ્યું..

‘મમી.. કુંડળ તો?’ સહ્યાદ્રીએ પ્રશ્ન અધુરો મૂકી દીધો.. ‘હા દીકરા કુંડળ તો તેમાં નહોતા.. પણ આવી ગયા.. મને મારી વહુ એમ કોઈનું આળ પોતાને માથે લઇ લે એ મંજુર નહોતું..’

ને આ સાંભળતા જ સહ્યાદ્રી ભોંઠી પડી ગઈ.. તેને લાગ્યું કે સાસુમા બધું જ જાણે છે.. ‘મમી.. મારો ઈરાદો ખોટો નહોતો. હું તો ફક્ત મદદ કરવા ઈચ્છતી હતી.. હું સામેથી પૈસા આપત તો એ સ્વમાની સ્ત્રી પૈસા ના લેત..’

સહ્યાદ્રીએ બોલવાનું પૂરું કર્યું કે તરત જ ઘરમાં દાખલ થયેલી લાલી બોલી.. ‘તો તમે એમ કેમ ધારી લીધું બેનબા કે હું આ રીતે પૈસા લઇ લેત કે કંઇક ચોરી લેત..’

સહ્યાદ્રી લાલીને જોઇને વધુ ચોંકી ગઈ.. રાધિકાબા તેની પાસે આવ્યા ને બોલ્યા, ‘વહુ.. એક વાત કહું.. આજે મને તમારા પર એટલો ગર્વ થાય છે કે વાત ના પૂછો.. તમે જે કર્યું છે ને અત્યંત પ્રશંશનીય છે.. તમે મને પણ બોધ આપ્યો છે…’

‘મમી.. હું તો ફક્ત મદદ કરવા ઈચ્છતી હતી.. તમારું અપમાન થાય એવું કંઈ કરવાનો મારો ઈરાદો નહોતો..’

‘અરે ફરી બોલ્યા.. જો વહુ.. તમે મને ગર્વિત કરી છે. અપમાનિત નહીં.. એ દિવસે જ્યારે તમે હંસાભાભી ને રમાને કુંડળ ને બધું બતાવ્યું એ પછી કુંડળ એ ઓરડામાં જ પલંગ નીચે રહેવા દીધા હતા ને ત્યારે તો આ લાલીએ કુંડળ લઇ જ લીધેલા.. તમારો ઈરાદો પણ એ જ હતો કે મજબુર લાલી એના દીકરાના સ્કેટિંગ લેવા એ કુંડળ લઇ લે અને વેચીને સ્કેટિંગ લઇ આવે.. હે ને? તો બેટા.. લાલીએ એમ જ કર્યું.. એ કુંડળ લઇ લીધા અને ત્યાંથી ચાલી ગઈ.. એ ગઈ એ પછી તમે કુંડળ ના જોયા ઓરડામાં એટલે તમને લાગ્યું કે તમે સફળ થયા છો.. અને તમે ખરેખર સફળ જ થઇ જાત જો લાલીએ એ રાત્રે આવીને મારી પાસે એનો ગુનો ના કબુલ્યો હોત..

કેમ લાલી ખરું ને?’

રાધિકાબાએ લાલી સામે જોયું એટલે તે બોલી, ‘હા બેનબા.. હું એ સવારે અહીંથી કુંડળ લઈને ગઈ પછી તરત જ ઘરે જઈને મારા દીકરા સાથે પાંચ વાગ્યે તો એના સ્કેટિંગ પણ લઇ આવી હતી.. રાત્રે નવ વાગ્યે મારો વર ઘરે આવ્યો ને મેં એને બધી વાત કરી તો એ મને ખિજાયો કે મેં આવું કર્યું જ શુકામ.. મને પણ ત્યારે મારી ભૂલ સમજાઈ..

હું એ રાત્રે સીધી અહીં બા પાસે આવી.. લગભગ સાડા દસ થયા હશે.. તમે ને નાના શેઠ ઉપર તમારા ઓરડામાં હતા એટલે બાએ દરવાજો ખોલ્યો.. હું એમના પગમાં પડી ગઈ અને લાવેલા નવા સ્કેટિંગ આપીને બોલી કે આ તમે રાખી લો.. મારી ભૂલ પણ કબુલી..

પહેલા તો બા બહુ ગુસ્સે થયા.. પછી મારી સાથે આવેલા મારા કનૈયાને જોઇને એમને અચાનક એના પર હેત ઉભરાઈ ગયું.. ને મને સ્કેટિંગ પાછા આપીને કહ્યું કે જા આ તું લઇ જા.. હું બીજા કુંડળ સવારે જ લઈ આવીશ… ને બેનબા મેં કેટલીય ના પાડી છતાય એમણે મને એ સ્કેટિંગ પાછા આપી દીધા.. હું તો રડતી રડતી એમનું ઋણ માથે ચડાવીને નીકળી..’

ને આટલું કહીને લાલી રાધિકાબાને પગે પડી ગઈ.. ‘બસ હવે લાલી.. ગાંડી તેમાં.. આ બધું મેં નહીં આ મારી વહુએ જ મને શીખડાવ્યું છે ખબર છે.. બાકી હું તો તમારી સાથે કેવું વર્તન કરતી યાદ છે ને..

દીકરા સહ્યાદ્રી, મને સમજાય ગયું કે તમે જ જાણી કરીને એ કુંડળ ત્યાં રહેવા દીધા હશે.. તમારી સાચવણ મને ખબર છે.. એટલે મને એ વાતનો તો ભરોસો જ હતો કે તમારાથી આ કુંડળ ત્યાં એમનેમ છુટ્ટા રહી જાય એવું બને જ નહીં.. વળી વાતવાતમાં આ લાલીએ પણ મને કહેલું કે એણે આ સ્કેટિંગ લેવાની વાત તમને કરી હતી એટલે મને તાળો મળી ગયો.. ને એક વત્તા એક એમ બે કરીને હું એ પણ સમજી ગઈ કે તમે આઠમની રાત્રે કુંડળ ખોવાઈ ગયા અને તમારાથી આડે હાથે મુકાઈ ગયા છે એમ કહીને ખોટું આળ ઓઢી લેશો..

પણ બેટા એમ કંઈ તમારી બેઈજ્જતી હું બધા સામે થવા દઉં? ગઈકાલે સવારે જ મેં સોની પાસેથી આ કુંડળ મંગાવી લીધા હતા.. એણે મને કહ્યું હતું કે આ ડીઝાઈન એને બહુ ગમી એટલે પોતાની દુકાનમાં વેચવા માટે તેણે આવી જ ડીઝાઈનના બીજા ત્રણ જોડી કુંડળ બનાવડાવ્યા છે.. ને બસ મેં ફોન કરીને એની પાસેથી મંગાવી લીધા..

તમે જ્યારે કાનાના વાઘા સાથેનો થેલો તૈયાર કરીને ગાડીમાં મુક્યો ને ત્યારે જ મે આ કુંડળ તેમાં રાખી દીધા હતા..’

સહ્યાદ્રી તો આ બધું સાંભળીને આભી જ બની ગયેલી.. શું બોલવું તે સુજતુ ના હતું.. બસ માથું ઘડી ઘડી સાસુ પ્રત્યેના અહોભાવમાં ને આદરમાં નમી જતું હતું..

‘મમી.. હું શું કહું સમજાતું નથી.. બસ તમને મેળવીને ધન્ય થઇ ગઈ એવું અનુભવું છું..’

‘અરે વહુ.. તમે નહીં હું ધન્ય થઇ.. આ બધું હું તમારામાંથી જ તો શીખી.. જો વહુ આ કાનુડો કુંડળ કદાચ ના પહેરાત ને તો પણ વાંધો ના આવત.. પણ આ લાલીનો કનૈયો પૈસાના અભાવે સફળ થવાથી બાકાત રહી જાત એ મને કે આપણા ઠાકોરજીને નાં ગમત.. એટલે આભાર તમારો ને આ સઘળું તમારા લીધે બરોબર ને..’

ને સહ્યાદ્રી પોતાના સાસુને વળગી પડી.. રાધિકાબા પણ હેતથી તેના માથામાં હાથ ફેરવી રહ્યા..

લાલી આ મિલનને નિહાળીને ને આવા માલિક મેળવીને મનોમન હરખાઈ રહી હતી.. દુર ઓરડામાં બિરાજમાન કાનુડો તેની પાસે ધરાવાયેલી માખણ-મિશ્રી આરોગતા આરોગતા મંદ મંદ મુસ્કુરાઈ ગયો હતો..!!!!!

લેખક : આયુષી સેલાણી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,645 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 81

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>