અમાસને કહો પુનમને એક કાળૂ ટપકું કરી દે. – એકલા હાથે એ બાપે દિકરીને મોટી કરી અને તેના પ્રેમમાં અચાનક આવે છે વળાંક…

‘સબંધોને ક્યારેય કોઈ નામ ન આપવું પડતું હોય તો કેટલું સારુ!’ પપ્પાના ખોળામાં માથુ નાખી આડી પડેલી અંશુ બબડી. પપ્પાએ પેપરના પાનાઓમાંથી આંખોને બહાર કાઢવાની તસ્દી આપી અને પોતાની વ્હાલી દીકરીના માથે હાથ ફેરવતાં પૂછ્યું, ‘કયા સંબંધને નામ આપવામાં આટલી ગડમથલ થઈ રહી છે, અંશુ?’ પપ્પાના પ્રશ્નથી અંશુ જાણે સજાગ થઈ ગઈ.’અરે, તમે પેપરવાંચોને પોપ્સી, આમ ચોરી-છૂપી કોઈની વાત સાંભળવી બેડ હેબીટ કહેવાય, ખબર છે ને?’ અંશુએ પપ્પાના ગાલે ચોંટીયો ભરતા કહ્યું.’ અરે પણ તું ક્યાં કોઈની જોડે વાત કરીરહી છેકે મેં સાંભળી હોય, આ તો તું પોતેજ બોલી તેમેં સાંભળ્યુ.’ ‘હા તો માણસ પોતાની જાત સાથે વાતો નહીં કરી શકે? અને આપસંવાદ સાંભળવો પણ બેડ હેબીટજ કહેવાય સમજ્યા ને!’ અંશુએ એક દીકરી પોતાના બાપ સાથે જે રીતે મિઠી જીભા-જોડી કરી શકે તે રીતે કહ્યું. ‘ઓ.કે. મારી મા,પણ હવે આ ખરાબ આદતવાળા તારા બાપે સાંભળી જ લીધું છે તો કહી દેને, કયો સંબંધ મારી વ્હાલી અંશુને આટલો પજવી રહ્યો છે?’ ‘પજવી નથી રહ્યો પોપ્સી, અકારણ પણ મીઠડો લાગે એ રીતે વળગી પડ્યો છે.’ અંશુના ચહેરા પર આવી ગયેલી ગુલાબી ઝાંયને પાર્થવ પામી ગયો હતો. ‘અચ્છા? કોણ વળગી પડ્યુ છે, આય મીન કયો સંબંધ વળગી પડ્યો છે?’ પાર્થવના ચહેરા પર ખુશી અને ચિંતાનો મિશ્ર ભાવ આવી ગયો. ‘ના કઈ નહીં, કોઈ નથી… જો પોપ્સી, તમને કહી દઉં છું, તમે છે ને આમ ખોટી જીદ્દ કર્યા કરીને મારી પાસે નામ બોલાવવાની કોશિશ નહીં કરો. હું તમને ક્યારેય નથી કહેવાની કે એનું નામ ‘યજ્ઞ’ છે.’ અંશુથી આવેગમાં ને આવેગમાં ક્યારથી મનમાં ઘૂંટાયા કરતું નામ પાર્થવ સામે બોલાઈ ગયું. ‘શીટ!’ અંશુને તુરંત પોતાની ભૂલ સમજાતા તે ઊભી થઈને પોતાના રૂમ તરફ દોડી ગઈ.
યુવાન થઈ ગયેલા દીકરી કે દીકરા સાથે એક બાપ ભલે ગમે એટલો મિત્ર તરીકે વર્તવાનો પ્રયત્ન કરે પરંતુ એથી તેની અંદરની પિતૃ ભાવના મરી જતી નથી. દીકરીના હોંઠે જ્યારે કોઈ અજાણ્યા યુવાનનું નામ આવવા માંડે, ત્યારે સ્વાભાવિક છે કોઈ પણ બાપના કાન સરવા થઈ જાય અને ચેતી જવા વાળી પેલી બાપ તરીકેની ભાવના પણ કામે લાગી જ જતી હોય છે. પાર્થવ પણ બીજા હજ્જારો બાપમાંનો એક બાપ હતો. તેના ચહેરા પર પણ ચિંતા અને છતાં આનંદની લાગણીઓ આકાર લેવા માંડી. અંશુના મોઢા પર આમ અચાનક આવી ગયેલું કોઈક નામ સાંભળી પાર્થવ પણ સચેત થઈ ગયો. ‘આખી જિંદગી દીકરીને ઘરમાં થોડી બેસાડી રખાશે? ક્યારેક તો તેના લગ્ન કરાવવા જ પડશે ને?’ પાર્થવની અંદરના બાપે પોતાની જ જાત સાથે દલીલ કરી. ‘અરે, એક મિનિટ સાંભળ તો ખરી, અંશુ… સાંભળ દીકરા…!’ પાર્થવ, અંશુની પાછળ-પાછળ તેના રૂમ તરફ ગયો. ‘ના, પપ્પા મારે તમારી જોડે વાતજ નથી કરવી. તમે કાયમ આવું જ કરો છો. કોઈને કોઈ બહાના કરીને મારે ન કહેવું હોય તે પણ મારી પાસે બોલાવી નાખો છો. તમે બઉં ગંદા પોપ્સી છો.’ કોઈ નાની છોકરી તેના પપ્પા સાથે લડતી હોય તેમ અંશુએ કહ્યું. ‘અરે, એવું નથી દીકરા. મેં ક્યારે જીદ્દ કરી કે તું મને એનું નામ કહે? તેં જ સામે ચાલીને…પણ હવે બોલાઈ જ ગયું છે તો સરખી વાત તો કર, કોણ છે એ છોકરો, શું કરે છે?’ પાર્થવે તેની વ્હાલી દીકરીને માથે હાથ ફેરવતાં કહ્યું.’ના,ના,ના. મારે કંઈ જ કહેવું નથી. અલબત, મારે તમારી જોડે વાત જ નથી કરવી.’ અંશુએ તકીયાની આડશમાં પોતાનો ચહેરો છૂપાવી લીધો. ‘તારા પોપ્સીને એકલા છોડીને ચાલી જશે, અંશુ?’ પાર્થવના અવાજમાં ભીનાશ વર્તાતી હતી. ‘એવું નહીં બોલો પોપ્સી,પ્લીઝ.’ અંશુ, તેના પોપ્સીને ભેટી પડી. એક મજાકથી શરૂ થયેલી વાતમાં અચાનક બાપ-દીકરી બંને ઈમોશ્‍નલ થઈ ગયા.અંશુએ ફરી પાર્થવના ખોળામાં માથું નાખ્યું, દીકરીના માથે હાથ ફેરવતાં ફેરવતાં પાર્થવ ક્યારે નાનકી અંશુને મળવા પહોંચી ગયો તે પણ ખબર ન રહી.
‘અંશુ, તને યાદ છે, તેં જ્યારે પહેલીવાર તારા વાળ કપાવવાની જીદ્દ કરેલી ત્યારે તે નહીં કપાવવા માટે મેં તારા કરતા વધુ જીદ્દ પકડી હતી. ખબર છે કેમ? કારણકે તું નાની હતી ત્યારે એક પણ દિવસ એવો નહોતો જ્યારે તેં તારી મમ્મા પાસે વાળ ઓળાવ્યા હોય. તું કાયમ તારી મમ્માને કહેતી, અંશુના વાળ તો એના પોપ્સી જ ઓળાવે, તને નથી આવડતું.’ આટલું બોલતામાં પાર્થવની આંખમાંથી સરી પડેલું એક ટીપું અંશુના ગાલપર જઈને પડ્યું. ‘હા,પોપ્સી. યાદછે, હેય પોપ્સી. તમે મારા વાળ ઓળાવતા હોય એવો એક ફોટો પણ છેને આપણો? ક્યાં ગયો એ?’ કહેતાં અંશુ ઊભી થઈ અને પોતાના વોર્ડરોબના ખાના ફંફોસવા માંડી. પણ ત્યાં તો પાર્થવે પોતાના પર્સમાંથી એ ફોટો બહાર કાઢ્યો અને અંશુને હાથમાં આપતાં કહ્યું, ‘લાવ આજે હું તારા વાળ ઓળાવી આપું દીકરા!’ આટલું બોલતામાં તો પાર્થવની આંખમાંથી એ રીતે આંસુઓ વહેવા માંડ્યા જાણે હમણાંજ તે દીકરીને વળાવી રહ્યો હોય. ‘હેય, પોપ્સી! પ્લીઝ યાર. આમ આટલા ઈમોશ્‍નલ નહીં થાવ પછી મને પણ રડવું આવી જશે.’ કહેતાં અંશુ, પાર્થવને ભેટી પડી અને બાપ-દીકરી બંને વચ્ચે સંવાદ વિહોણી એ ક્ષણો માત્ર લાગણીઓને વળગી રહેવામાં ગઈ. થોડો સમય આમ જ વિત્યા બાદ આંખમાં આવી ગયેલી ભીનાશ લૂછતાં અંશુ બોલી,’પપ્પા, આજે નેચરલનું આઈસક્રીમ ખાવા જઈએ?’ પાર્થવ એક ધારું દીકરી તરફ જોઈ રહ્યો. નેચરલ્સ, હમણાં? આ બપોરના તડકામાં બહાર નીકળીશું? અને આમ પણ આપણે નેચરલ્સ સાથે માત્ર જીદ્દનો અને રિસાઈ ગયેલા હોય ત્યારે મનાવવા માટેનો સંબંધ છે ને? તો આજે તો તેં કોઈ જીદ્દ પણ નથી કરી અને આપણે એકબીજાથી રિસાયા પણ નથી તો પછી નેચરલ્સ?’ પાર્થવે મજાક કરતાં કહ્યું. ‘હા, રિસાયા નથી એ સાચું પણ જુઓને આજે મેં નહીં તો તમે તો જીદ્દ પકડી છે ને, યજ્ઞ વિશે જાણવાની અને બધી વાતો મારી પાસે ઓકાવવાની? તો મને થયું કે વાત કરતાં-કરતાં નેચરલ્સનું આઈસક્રીમ ગળે ઉતરતું હશે તો કદાચ સાથે-સાથે યજ્ઞની વાત પણ તમારા ગળે ઉતરી જાય.’ અંશુએ પાર્થવના ગાલે હળવી ટપલી મારતા કહ્યું. ‘ચોર, ઉસ્તાદ! બહું મોટી થઈ ગઈ છે હવે તું કેમ? બાપને આઈસક્રીમ ખવડાવી બાટલીમાં ઉતારવો છે એમને!’ પાર્થવે, અંશુની પીઠ પર ધબ્બો માર્યો.
ત્યાર પછીની દસમી મિનિટે બાપ-દીકરી બંને નેચરલ્સ આઈસક્રીમની દૂકાને બેઠાં હતાં. ‘હા,તો ચાલ હવે બોલ.’ પાર્થવે વાતનું અનુસંધાન પકડતા કહ્યું. ‘શું બોલું? આઈસક્રીમ કેવું છે તે ને? હા સરસ આઈસક્રીમ છે, બીજું ખાશું?’ અંશુએ આંખ મિચકારતા મજાક કરી. ‘સારું નથી કહેવાની ને? તો હું પણ કહી દઉં છું. યજ્ઞ ગમે તેવો છોકરો હોય, મારી ના છે!’ પાર્થવે બનાવટી ગુસ્સો કર્યો. ‘ઓહ, મારા પોપ્સી, સાવ નાના છોકરા જેવા છો. સારું બાપા, કહું છું. સાંભળો. હું અને યજ્ઞ બેંગ્લોરમાં મળ્યા હતાં. યાદ છે હું જસ્વીકાના લગ્ન માટે બેંગ્લોર ગઈ હતી? ત્યારે યજ્ઞ સાથે ફ્લાઈટમાં મુલાકાત થયેલી. એ મારી બાજૂની સીટ પર હતો. એ બેંગ્લોરમાં જોબ કરે છે. ફ્લાઈટમાં વાત કરતાં-કરતાં જ અમારી વચ્ચે સારી મિત્રતા થઈ ગયેલી આથી હું બેંગ્લોર એક અઠવાડીયુ રોકાઈ ત્યારે ત્યાં રોજ અમે મળતા રહ્યા હતાં. બસ ત્યારથી ડીસ્ટન્સ રીલેશનશીપ જેવું કંઈક છે પણ હવે તેણે જીદ્દ પકડી છે કે અંશુ, હું તારો કોણ છું એ મને કહે, આજે નહીં તો કાલે આપણાં સંબંધને નામ તો આપવું પડશે ને? બસ રોજ થાય ને એકની એક વાત પૂછ્યા કરે છે. તેં તારા પપ્પા સાથે વાત કરી? તેં તારા પપ્પા સાથે… હવે હું એ ડોબાને કેમ કરી સમજાવું કે મારા પોપ્સી કોઈ દિવસ મારી કોઈ વાતમાં ના નહીં જ પાડે. નહીં પાડોને પોપ્સી?’ ‘હા ના નહીં પાડું પણ હજી મેં હા પણ નથી કહી. અરે પણ એ છોકરો કોણ છે, તેના મા-બાપ કોણ છે, શું કરે છે? આબધું ક્યારે કહીશ? બોલને જલ્દી, અંશુ!’ પાર્થવને હમણાં યજ્ઞ નામના આ છોકરાની પુરે પૂરી જન્મ અને કર્મ કુંડળી જાણી લેવામાં રસ હતો,અને કેમ નહીં હોય આખરે તેની વ્હાલસોયી દીકરી અંશુના ભવિષ્યનો સવાલ હતો. ‘હા, બાબા કહું છું. થોડી ધીરજ તો રાખો. યજ્ઞના પપ્પા નું નામ છે, મલ્હાર ભાટીયા અને તેમનો દિલ્હીમાં કોઈ મોટો બિઝનેસ છે. તેની મમ્મા, યજ્ઞ સાત વર્ષનો હતો ત્યારે જ એક્સપાયર્ડ થઈ ગઈ હતી. મમ્મીના ચાલ્યા બાદ એકાદ વર્ષ પછી તેના પપ્પા તેમની કોઈ જૂની પ્રેમિકા સાથે લિવીંગ રીલેશનશીપમાં રહેવા લાગ્યા. નાના યજ્ઞને એ મંજૂર નહોતું કે કોઈ અજાણી સ્ત્રી તેની મમ્માની જગ્યા લે. આથી તે નાનો હતો ત્યારથી જ પેલી સ્ત્રીને પોતાની નવી મમ્મા તરીકે સ્વીકારી શક્યો નહોતો.
બંને વચ્ચેના આ રોજના ઝઘડા ટાળવાના હેતુથી યજ્ઞના પપ્પાએ તેને શિમલા બોર્ડીંગમાં ભણવા મૂકી દીધો. પરંતુ, હવે યજ્ઞને તે બંને પ્રત્યે કોઈ ફરિયાદ નથી. તેણે પપ્પાની આ રિલેશનશીપ અને તેની નવી મમ્મા બંનેને સ્વીકારી લીધા છે. હી ઈઝ થીંકીંગ સો મેચ્યોર્ડલીને પોપ્સી? યજ્ઞ, પહેલેથીજ શિમલા બોર્ડીંગમાં રહીને ભણ્યો છે. અને હમણાં કોઈક લાંબી રજા હોય તો એકાદ-બે દિવસ દિલ્હી તેના પપ્પાને મળવા જઈ આવે છે. બસ, શાંતિ થઈ હવે?’ અંશુ નામના રિપોર્ટર પાસે જેટલી માહિતી હતી તે તેણે પાર્થવ નામના એડીટર સાહેબને જણાવી દીધી. ‘ઓહ, એટલે છોકરો પહેલેથી એકલોજ રહેવા ટેવાયેલો છે. અને ઈન્ડીપેન્ડન્ટ પણ છે. એટલે તું પરણીને બેંગ્લોર જતી રહેશે એમ?’ પાર્થવે પૂછ્યું. ‘અરે, પોપ્સી હજી તો મેં જસ્ટ તમને એમ કહ્યું કે યજ્ઞ નામના એક છોકરાને હું ઓળખું છું અને અમારી વચ્ચે સારી દોસ્તી છે. આમાં હમણાં લગ્નની વાત કયાંથી આવી ગઈ, પપ્પા?’ અંશુ બોલી. ‘ફોટો તો દેખાડ યજ્ઞનો!’ પાર્થવે કહ્યું અને અંશુએ તેના ફોનમાં સેવ કરેલાં યજ્ઞના કેટલાંક ફોટોગ્રાફ્સ દેખાડ્યા. ‘સરસ લાગે છે ને? હેન્ડસમ છે નહીં?’ અંશુએ પૂછ્યુ. અને તેની આ પૂછવાની જે રીત હતી તે જોઈ પાર્થવને સમજાઈ ગયું કે દીકરીનું મન કઈ તરફ ઢળી રહ્યું છે અથવા ઢળીચૂક્યું છે.
નેચરલ્સના આઈસક્રીમના કપ ખાલી થઈ ચૂક્યા હતાં અને એક બાપ-દીકરીનું યજ્ઞ પુરાણ પણ અલમોસ્ટ કમ્પલીટ થઈ ગયું હતું. ઘર તરફ જતાં બંને વચ્ચે ખાસ કોઈ સંવાદ નહીં થયો. કદાચ પાર્થવ પોતાના વિચારો સાથે ગડમથલ કરી રહ્યો હતો અને અંશુ, યજ્ઞની યાદો સાથે વ્યસ્ત હતી. ઘર આવી ગયું, કાર પાર્ક કરતાં પહેલાં પાર્થવે અંશુને ગંભીરતા પૂર્વક પૂછ્યું. ‘અંશુ!’ ‘હા, પોપ્સી? ‘ ‘યજ્ઞ સાચે જ તને ગમે છે ને? અને આ સંબંધને પ્રેમનું નામ આપવું કે નહીં એ જ વાતનું તને કન્ફ્યુઝન છે ને?’ ‘યસ પોપ્સી, આય થીંક યુ આર રાઈટ! મને યજ્ઞ ગમે છે, રાધર ખુબ ગમે છે. તેની સાથે વાતો કરવી, તેની સાથે હરવું ફરવું, તેનો સ્વભાવ, તેનું અન્ડરસ્ટેન્ડીંગ… ટૂંકમાં યજ્ઞ એક સુલઝા હુઆ લડકા હૈ. બસ મને એ વાત પજવે છે કે આ બધું મારા ધારવા કરતાં ખુબ ઝડપથી થઈ રહ્યું છે.’ પાર્થવે નોંધ્યુ કે આ બધી વાતો કરતી વેળા અંશુ જરાય મજાકના મૂડમાં નહોતી કહી રહી. ‘અંશુ એક કામ કર, યજ્ઞને કોઈક દિવસ મળવા માટે બોલાવ!’ પાર્થવ જાણે કોઈક નિર્ણય પર આવી ગયો હતો. ‘અરે? શું મળવા માટે બોલાવ, મેં તમને કહ્યું ને પોપ્સી આ બધું ખુબ ઝડપથી થઈ રહ્યું છે મારે હજી આટલા જલ્દી…’ ‘અરે અંશુ, હું તો જસ્ટ મળવા બોલાવવા માટે કહું છું. મળીએ તેનો અર્થ એ થોડો છે કે મેં તને એની સાથે પરણાવીજ દીધી. જસ્ટ એકવાર મળવા તો બોલાવ.’ પાર્થવે કહ્યું. ‘પણ પોપ્સી, હું હજીય તમને કહું છું, હું તેને પ્રેમ કરું છું કે નહીં તે હજી…’ ‘અંશુ, માત્ર ફ્રેન્ડ હોય તેનો કોઈ એકાદ ફોટો આપણાં ફોનમાં હોય, આખે આખો આલ્બમ નહીં.’ પાર્થવ બોલ્યો અને અંશુનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. ‘ઓ.કે. બાબા હું ફોન કરીને કહી દઉં એને, બસ?’ અંશુએ કહ્યું.
દીકરી સાથે તેના પહેલાં પ્રેમની વાત કરતાં-કરતાં પાર્થવને આજે પોતાના ભૂતકાળના દિવસો યાદ આવી ગયા. તેના અને અનુશ્રીના લાગણીભર્યા સંસારની પહેલી ભેટ એટલે દીકરી અંશુ. પાર્થવના મનોજગતમાં અનુશ્રી સાથેની પળો અને અંશુના બાળપણની અનેક યાદો સચવાયેલી હતી. બીજા દિવસે ઉત્સાહથી દોડતી આવેલી અંશુએ કહ્યું, ‘પપ્પા, યજ્ઞનો ફોન આવ્યો હતો. હમણાં તો દિલ્હી તેના પપ્પાને ત્યાં ગયો છે પણ એણે કહ્યું છે કે, તે આવતાં અઠવાડીયે મુંબઈ આવવાનો છે. મેં તેને કહ્યું કે પોપ્સી તને મળવા માગે છે, તને ઘરે બોલાવ્યો છે! તો ખબર છે તેણે મને શું પૂછ્યું? ગાંડો, કહે છે કે, હું દિલ્હી જ આવ્યો છું, તો મારા પપ્પા-મમ્મીને પણ સાથે લેતો આવું?’ અંશુના ચહેરા પર આવી ગયેલી ખુશી જોઈ પાર્થવ રાજીતો થયો પરંતુ, સાથે જ એક બાપ તરીકે તેને ચીંતા પણ સતાવી રહી હતી કે છોકરો કેવો હશે, અંશુ સાથે તેનું ભવિષ્ય કેવું હશે.આ બધાં વિચારો તેને ભૂતકાળનીએ યાદો તરફ લઈ જઈ રહ્યા હતાં જે યાદો વાગોળવી પાર્થવને ખુબ ગમતું હતું. પાર્થવે પોતાના રૂમમાં જઈ કબાટનું ખાનું ખોલ્યું અને આ બધી જૂની યાદો જે આલ્બમમાં સચવાયેલી હતી તે આલ્બમના એક એક પાના ખોલવા માંડ્યા.અનુશ્રી અને અંશુને લઈને વાલકેશ્વરના ગાર્ડનમાં ફરવા ગયેલા ત્યાંથી લઈને અંશુએ પહેલીવાર માંડેલી પગલીઓ. સ્કૂલનો એ પહેલો દિવસઅને સાતમાં ધોરણમાં અંશુને મળેલું ઈનામ. આબધું જ તે આલ્બમમાં સુનહરી યાદ તરી કે કેદ હતું. ભૂતકાળનીએ પળો વાગોળતા પાર્થવ આલ્બમનું એક એક પાનું ફેરવી રહ્યો હતો ત્યાંજ તે આલ્બમની વચ્ચેથી એક કવર સરકી પડ્યું. અને આ બધી સુનહરી યાદોની વચ્ચે જાણે કંઈક એવી આડખીલી આવી ગઈ જે ને તે ક્યારેય યાદ પણ નહોતો કરવા માગતો. નીચે પડેલું કવર હાથમાં લઈ તેણે અંદરનો કાગળ કાઢ્યો.
પાર્થવ,
માફ કરજે, પાર્થવ. પણ આ પત્ર હું તને નહીં મારી પોતાની જાતને લખી રહી છું. વડીલો દ્વારા ગોઠવાયેલો લગ્ન સંબંધ કાયમ આપણને મંજૂર જ હોય તેવું ન પણ બનેને, અનુ? તને એ વાતની પહેલેથીજ ખબર હતી કે પાર્થવ સાથેના લગ્ન ભલે સામાજીક દ્રષ્ટિએ સાત ફેરાનો સંબંધ હોય. પરંતુ, મનથી તું ક્યારેય તેની પત્ની નથી બની શકી કે ન પાર્થવને તારા પતિ તરીકે સ્વીકારી શકી છો. આ મન વિનાના સંસારમાં બંધાઈ રહેવા માટે કોઈ એકમાત્ર કળી હોય તો તે દીકરી અંશુ ખરી. પરંતુ, શું તું આખી જિંદગી આ એક માત્ર આશ્વાસન સાથે મન વગર પણ પાર્થવ સાથેનો સંસાર નભાવી શકીશ ખરી? તારું મન, તારો પ્રેમ ક્યાંક બીજે છે અને તારો સંસાર ક્યાંક બીજે. પ્રશ્નો સામે ઠાલા આશ્વાસન દેખાડી લડ્યા કરવું બંધ કર અને કહીદે પાર્થવને કે હું જઈ રહી છું.

અંશુને માત્ર એટલા માટે સાથે નથી લઈ જઈ રહી. કારણ કે, મને હંમેશા લાગ્યું છે કે તે મારા કરતાં તારી સાથે વધુ ખુશ રહે છે, અને મને ખબર છે કે તું પણ અંશુને ખુબ ચાહે છે. મને માફ કરી દે જે પાર્થવ. આશા રાખું કે તું મને સમજી શકશે. મન વિનાના સંબંધમાં આખી જિંદગી ગૂંગળાઈને જીવ્યા કરવા કરતાં તો બહેતર છે ને કે આપણે એકમેકને આ ગૂંગળામણમાંથી મુક્ત કરી દઈએ. હું સાચું કહું છું ને, પાર્થવ?
અનુશ્રી.
વર્ષો થયા પાર્થવ આ પત્રને અને અનુશ્રીને ભૂલાવી ચૂક્યો હતો. અને હવે આજે આટલાં વર્ષે તેને અનુશ્રી માટે કોઈ ફરિયાદ પણ નહોતી રહી. બસ, આજે આમ અમસ્તાં જ અનુશ્રીનો આ પત્ર હાથમાં આવ્યો અને જૂની યાદો ફરી તાજી થઈ ગઈ. ‘થેન્ક્સ અનુ, અંશુ, એ આપણાં ટૂંકા સંગાથમાં પણ તેં મને આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે. આય એમ પ્રાઉડ ટૂબી ફાધર ઓફ અ ડોટર લાઈક, અંશુ!’ તે બોલ્યો અને ફરી તે કાગળ પેલા કવરમાં મૂકવા જતો હતો ત્યાં જ કવર પર લખેલા એક નંબર પર તેની નજર પડી. પાર્થવને છોડીને ચાલી ગયા બાદ આઠ મહિના પછી અંશુની વર્ષગાંઠને દિવસે અનુશ્રીનો ફોન આવ્યો હતો. તેણે પોતાનો ફોન નંબર લખાવતા કહ્યું હતું. ‘મને માફ કરી દે જે, પાર્થવ. મને ખબર છે કે તને મારા માટે અનેક ફરિયાદો હશે. અને તને આ રીતે છોડીને ચાલી જવા માટે હું તારી ગુનેહગાર છું. પરંતુ…’ અનુશ્રી આગળ કંઈક બોલવા જઈ રહી હતી, કદાચ. પણ ફોન કટ થઈ ગયો હતો. ત્યાર પછી અનેક વાર અનુશ્રીના ફોન આવતાં રહ્યા. પરંતુ, પાર્થવે ક્યારેય તેની સાથે વાત સુધ્ધા નહોતી કરી. આખરે, તેણે મન મનાવી લીધું હશે કદાચ કે, પાર્થવ તેને માફ નહીં જ કરે. તેથીજ તો છેલ્લાં છ એક વર્ષથી તેણે ફોન કરવા બંધ કરી દીધા હતાં. અંશુને તો એ વાતની ખબર પણ નથી કે તેની મા હજી જીવે છે.
પરંતુ, આજે આ નંબર લખેલું કવર જોઈ પાર્થવને લાગ્યું કે, અનુ સાથે એકવાર વાત કરવી જોઈએ. તેની દીકરી અંશુ પોતાનો જીવનસાથી મેળવવા જઈ રહી છે. એટલી પણ એને જાણ નહીં કરું તો કદાચ હું આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકું. બસ, એટલાં વિચારે તેણે કવર પર લખેલાં નંબર પર ફોન જોડ્યો. ‘હેલો, યજ્ઞ હીઅર, હુઝ સ્પીકીંગ?’ સામે છેડે કોઈક અજાણ્યો અવાજ પૂછી રહ્યો હતો. પાર્થવ કહેવા માગતો હતો કે, ‘મે આય સ્પીક ટૂ અનુશ્રી, પ્લીઝ!’ પણ જાણે તેની જીભ હણાઈ ગઈ હોય તેમ તે કંઈ જ બોલી નહીં શક્યો.

લેખક : આશુતોષ દેસાઈ

ઓહ ખુબ રોચક અંત છે, હવે શું થયું હશે એ તમારા વિચારો પર છોડું છું, કોમેન્ટમાં જણાવો શું થયું હશે. દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,108 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>