એકવખત એક બકરી જંગલમાં ફરવા માટે નીકળી. રસ્તામાં એણે સિંહના બચ્ચાઓને જોયા. પ્રથમ તો એ ગભરાઈ ગઈ પણ બચ્ચાંઓ બહુ નાના હતા એટલે એની નજીક ગઈ. બચ્ચાઓ ભૂખના માર્યા તરફડિયા મારતા હતા. બકરી બહુ જ દયાળુ હતી એટલે સિંહના બચ્ચાઓની આવી હાલત એનાથી નહોતી જોઈ શકાતી. બકરીએ સિંહના બચ્ચાંને પોતાનું દૂધ પિવડાવાનું શરુ કર્યું.
થોડીવારમાં સિંહ અને સિંહણ ત્યાં આવી પહોંચ્યા. બકરી તો ધ્રુજવા માંડી. સિંહે જોયું કે ભૂખ્યા બચ્ચાઓને દૂધ પાઈને બચ્ચાઓને જીવતદાન આપ્યું છે એટલે એણે બકરીને કહ્યું,”બહેન, તું ગભરાઈશ નહિ. તે મારા પરિવારને મદદ કરી છે. આજથી તું મારી બહેન છો. હું મારા પ્રાણના ભોગે પણ તારું રક્ષણ કરીશ”. બકરી રાજી થતી થતી જતી રહી.
બકરીએ આ બધી વાત ગાયને કરી. ગાય પણ એક દિવસ જંગલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે એણે શિયાળનાં બચ્ચાઓને ભૂખથી તડપતા જોયા. ગાયને દયા આવી એણે શિયાળના બચ્ચાઓને પોતાનું દૂધ પાયું. થોડીવારમાં શિયાળ ત્યાં આવી પહોંચ્યું. ગાયને થયું હમણાં શિયાળ મારો આભાર માનશે. આભાર માનવાની વાત તો એકબાજુ રહી ઉલટાનું ગાય પર હુમલો કરવા લાગ્યું. રાડો પાડીને આજુબાજુથી બીજા શિયાળીયાવને પણ બોલાવ્યા અને ગાયને લોહીલૂહાણ કરી દીધી.
ઘાયલ ગાય લંગડાતી લંગડાતી બકરી પાસે પહોંચી અને બકરીને બધી વાત કરી. બકરીએ ગાયને આશ્વાસન આપ્યું અને કહ્યું,”બહેન, મદદ સિંહ જેવાને કરાય શિયાળીયાવને નહી, કારણકે શિયાળીયાવ અહેસાન ફરામોશ હોય છે. તમારી મદદની ભૂલીને તમારા પર જ વળતો હૂમલો કરે છે.
આ નાની વાર્તા ઘણું કહી જાય છે. મદદ કરવી એ બહુ સારી વાત છે પણ કોને મદદ કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે.