જીવનથી હારેલો થાકેલો નાસીપાસ થયેલો એક યુવાન આર્ટ ઑફ લિવિંગના વર્ગમાં ગયો.
હતાશામાં ઊતરી ગયેલા યુવાનને આર્ટ ઑફ લિવિંગના ગુરુજીએ હતાશાનું કારણ પૂછ્યું, યુવાને કહ્યું, ‘ગુરુજી, આપ જીવન જીવવાની કલા શીખવાડો છો; પરંતુ મારા જીવનમાં કંઈ જ બચ્યું નથી. હું ચારે બાજુથી નાસીપાસ થયેલો છું. ભણેલો છું, યુવાન છું; કામકાજ પણ કરું છું; છતાં સાવ એકલો છું. જીવનમાં એકલો પડી ગયો છું.
માતા-પિતા સાથે સંબંધો બગડી ગયા છે. પ્રેમસંબંધ તૂટી ગયો છે. ભાઈ-બહેનો સાથે મેં જ સંબંધો બરાબર જાળવ્યા નથી. મિત્રો સાથે સંબંધો કપાઈ ગયા છે અને જોડે કામ કરનાર ભાગીદારે વિશ્વાસઘાત કર્યો છે. ચારે બાજુથી દરેક સંબંધોમાં હું નિષ્ફળ ગયો છું. જીવન જીવવામાં બિલકુલ રસ રહ્યો નથી.’
આર્ટ ઑફ લિવિંગના ગુરુજીએ પોતાના મદદનીશના કાનમાં કંઈક કહ્યું, મદદનીશ એક સુંદર લવબર્ડની જોડી લઈને ત્યાં આવ્યો. ગુરુજીએ લવબર્ડની જોડીમાંથી એક પંખીને હાથમાં લીધું અને એકદમ જોરથી તાકાતથી પેલા પંખીને જકડી લીધું. બે-ત્રણ ક્ષણ વીતી ત્યાં પેલો યુવાન બોલી ઊઠયો, ‘ગુરુજી, પકડ ઢીલી કરો; આ પંખી બિચારું મરી જશે.’
ગુરુજીએ તરત પંખીને મદદનીશને આપી દીધું. તેણે તેને હવા નાખી, પાણી પાયું.
ગુરુજીએ બીજું પંખી લીધું. ખૂબ જ હળવાશથી પકડ્યું અને જરાક ગાફેલ રહ્યા ત્યાં પંખી હાથમાંથી ઊડી ગયું. યુવાને તરત કહ્યું, ‘ગુરુજી, તમારે બરાબર પકડવાની જરૂર હતી.’
થોડી વારમાં પેલાં બન્ને પંખી મદદનીશના ખભે પ્રેમથી ગેલ કરતાં હતાં.
ગુરુજીએ પેલા યુવાનને કહ્યું, ‘તારામાં સમજ તો છે. આપણા જીવનના સંબંધો પણ પંખી જેવા હોય છે. જોરથી પકડો, જકડો-સ્વતંત્રતા ન આપો, વધુ પડતો હક જતાવો તો મરી જાય, તૂટી જાય. ધીરેથી પકડો, સંબંધો પ્રત્યે જવાબદારી હળવાશથી લો; જાળવો નહીં તો સંબંધો ઊડી જાય; વધુ લાંબા ટકે નહીં.
પછી પેલા મદદનીશ અને તેની સાથે ગેલ કરતાં પંખીઓ તરફ ઇશારો કરીને ગુરુજી બોલ્યા, ‘સંબંધોને પ્રેમથી જાળવો, લાગણીથી સીંચો, સદા સ્નેહ આપો તે જિંદગીભર લીલાછમ રહે. ક્યારેય ન તૂટે, હંમેશાં સાથે રહે. જીવનભરનો નાતો નિભાવવાનો એક જ રસ્તો છે. પ્રેમ આપો અને મેળવો.