થોડા સમય પૂર્વે આવેલી હિન્દી ફિલ્મ “સન ઓફ સરદાર’માં અજય દેવગન બે ઘોડા પર સવાર થયાના સીને લોકો પર અમીટ છાપ છોડી હતી. આવો જ ‘સન ઓફ પટેલ’ માંડવીમાં પણ છે જે એક સાથે બે ઘોડા પર સવારી કરે છે. એટલું જ નહીં, તેના પર અજબ-ગજબ કરતબ કરીને લોકોના મન પણ મોહી લે છે. આ કુટુંબ છેલ્લા દોઢ સૈકાથી અશ્વોનું લાલન-પાલન કરે છે. એટલું નહીં, આ ઘોડાઓ તેના જીવનનો એક ભાગ બની ગયા છે.
– બંદરીય માંડવીમાં બે ઘોડા પર સવારી કરતો “સન ઓફ પટેલ’
– પરંપરા :હિન્દી ફિલ્મના દૃશ્યો કચ્છમાં જોવા મળી રહ્યા છે
– પટેલ પરિવાર 150 વર્ષથી સાચવી બેઠો છે અશ્વકળા
– લાખેણા ઘોડાને વિવિધ કરતબની તાલીમ ખૂદ પાલક આપે છે
અહીં વાત કરવી છે બંદરીય નગરી માંડવીમાં રહેતા કલ્પેશભાઇ પટેલની કે જેનો પરિવાર 150 વર્ષથી ઘોડાઓ સાથે ઘરોબો ધરાવે છે. તેના બાપ-દાદાઓએ પણ ઉંચી નસલના ઘોડાઓની માવજત કરી છે, તો હવે ભાવિ પેઢી પણ આ દિશામાં અગ્રેસર થઇ છે. ખાસ કરીને કલ્પેશભાઇ તો ઘોડાની ભાષા ખૂબ સમજદારીપૂર્વક જાણી શકે છે અને ગમે તેવી સ્થિતિમાં તેને મિત્ર બનાવી લે છે. તેઓ એક સાથે બે ઘોડી પર સવારી કરે છે અને તે પણ જાણી એકદમ સાહજિક લાગે તે રીતે સૌ જૂએ છે. હાલમાં તેમની પાસે કુલ 15 ઘોડા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફેવરીટ
આ પટેલ પરિવારના ઘોડાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફેવરીટ છે. ધાર્મિક મહોત્સવ કે ગમે ત્યાં પ્રસંગ હોય ઘોડીઓ ગજબની કળા બતાવે છે. લોકોને નતમસ્તક પ્રણામ કરીને તેને સન્માન કરવાનું ચૂકતી નથી, તે સાથે વરઘોડાઓમાં પણ લોકો થંભી જાય તેવી સવારી કરાવે છે. લોકોને પુષ્પમાળા પણ પહેરાવે છે.
ઘોડીઓ છે લાખેણી
આ પરિવાર પાસે જે ઘોડી છે, તેમાં રાનીની કિંમત 8 લાખ, વીજળીની 3 અને સોનુની કિંમત સાડા ત્રણ લાખ બોલાઇ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર