સંત ના લક્ષણો :
શ્રી રામચરિત માનસના ઉત્તરકાંડમાં ભરતજી શ્રી રામને પ્રશ્ન પૂછે છે કે હે “પ્રભો! સંત અને અસંતના ભેદ અલગ અલગ રીતે મને કહો.” શ્રી રામજી આ મુજબ જણાવે છે કે હે ભાઈ! સાંભળો. સંતનાં લક્ષણો અનેક છે. ‘ જે ભેદ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે.સંત અને અસંતની કરણી એવી છે, જેવી રીતે કુહાડી ચંદનને કાપે છે. (કારણ કે તેનો સ્વભાવ અથવા કાર્ય વૃક્ષોને કાપવાનો છે.) પરંતુ ચંદન (પોતાના સ્વભાવ મુજબ) પોતાના ગુણો આપીને કાપવાવાળી કુહાડીને સુગંધિત કરી દે છે. આ ગુણને કારણે ચંદન દેવતાઓને શિરે ચડે છે અને જગતને પ્રિય બન્યું છે.
જ્યારે કૂહાડીને આગમાં તપાવીને પછી ઘણના ઘા મારવામાં આવે છે. તેમ સંતો, વિષયોમાં લંપટ નથી હોતા. શિલ અને સદ્ગુણોની ખાણ હોય છે. તેમને બીજાનાં દુઃખો જોઈને દુઃખ અને સુખો જોઈને સુખ થાય છે. તેઓ સર્વત્ર, હર સમયે સમતા રાખે છે. તેઓના મનમાં કોઈ શત્રુ નથી હોતો. તેઓ ક્રોધ, હર્ષ કે ભયના ત્યાગી હોય છે. સંત ચિત્ત અતી કોમળ હોય છે. તેઓ દીન, દુખિયાં પર કોમલ હોય છે.
મન વચન અને કર્મથી ભક્તિ કરે છે. તેઓ નિષ્કામ હોય છે. શાંતિ, વૈરાગ્ય, વિનય અને પ્રસન્નતા યુક્ત હોય છે. તેઓ શાલિનતા, સરળતા, સૌની પ્રત્યે મિત્રભાવ રાખે છે. હે ભાઈ! આ સર્વે જેના હૃદયમાં વસે છે, તેને સાચા સંત સમજવા. જે દમ, નિયમ અને નીતિમાં ક્યારેય વિચલિત થતા નથી. મુખથી ક્યારેય કઠોર વચન બોલતા નથી. જેને નિંદા અને સ્તુતિ બન્ને સમાન છે. તેઓ ગુણોથી ભરપુર, સુખી સંતજન અને પ્રાણ જેટલા પ્રિય છે.
અસંત (દુષ્ટ) ના લક્ષણો :
હવે અસંતો (દુષ્ટો)નો સ્વભાવ જાણો. ક્યારેય પણ ભૂલથી તેનો સંગ ન કરવો. તેનો સંગ દુઃખ આપનારો હોય છે. જેવી રીતે હરાઈ ગાય (ખરાબ) જાતિની ગાય કપિલા (સીધી અને દુધાળ) ગાયને પોતાના સંગથી વિનાશ કરી નાખે છે. દુષ્ટોના હૃદયમાં ખૂબ સંતાપ રહે છે તેઓ બીજાની સંપત્તિ (સુખ) જોઈને બળી મરે છે. જ્યારે બીજાની નિંદા સાંભળે છે ત્યારે એવા આનંદિત થઈ જાય છે, જાણે રસ્તામાં પડેલ ખજાનો મળી ગયો હોય!
તેઓ કામ, ક્રોધ, મદ, લોભથી ભરપુર તથા નિર્દયી કપટી, કુટીલ અને પાપોથી પણ પૂરા હોય છે. કારણ વગર વેર બાંધે છે. જે ભલાઈ કરે છે તેની સાથે પણ બુરાઈ કરે છે. લેણદેણના વ્યવહારમાં ખોટો રસ્તો લઈ બીજાના હક્કો પડાવી લે છે. બધી જ બાબતમાં ખોટું બોલે છે.
જેવી રીતે મોરનો ટહૂકો ખૂબ મીઠો હોય છે. પરંતુ હૃદય એવું કઠોર હોય છે કે ઝેરીલા સાપને પણ આરોગી જાય છે. મીઠું મીઠું બોલે છે, પરંતુ હૃદયથી ખૂબ નિર્દયી હોય છે. તેઓ બીજાનો દ્રોહ કરે છે, અને પારકી સ્ત્રી, પરાયું ધન, પરાઈ નિંદામાં આસક્ત રહે છે. આવા પાપી મનુષ્યો માનવ શરીર ધારણ કરેલ હોવા છતાં રાક્ષસ જ છે. તેઓ જ્યારે બીજાનું દુઃખ જુએ છે ત્યારે એને ખૂબ આનંદ થાય છે. તેઓ સ્વાર્થ પરાયણ કામ અને લોભને લીધે લંપટ અને ક્રોધી હોય છે.
તેઓને માતા-પિતા, ગુરુ અને બ્રહ્મા કોઈમાં વિશ્વાસ નથી હોતો. પોતાનો નાશ તો કરે જ સાથે પોતાના સંગી બીજાઓનો પણ નાશ નોંતરે છે. તેને સંતોનો સંગ ગમતો નથી. ભગવાનની કથા પણ ગમતી નથી. તેઓ અવગુણોના સમુદ્ર, મંદબુધ્ધિ, કામી, વેદોના નિંદક તેમજ બીજાનું ધન લૂંટવાવાળા હોય છે. આવા નીચ અને દુષ્ટ મનુષ્યો સતયુગ અને ત્રૈતાયુગમાં નથી હોતા. પરંતુ દ્વાપરમાં થોડા થોડા પરંતુ કલિયુગમાં તો એનાં ટોળે-ટોળાં હશે.