બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વિશ્વના સૌથી ઉંચા ટાવર એવા બુર્જ ખલિફામાં રહેલું પોતાનું ઘર વેચી નાખ્યું છે. આ અંગે શિલ્પાએ કહ્યું હતું કે તેનું આ ઘર ઘણું જ નાનું હતું અને તેનો પુત્ર વિવાન અહીંયા રમી પણ શકતો નહોતો. આટલું જ નહીં તે પોતાના ઘરની બારીઓ પણ ખોલી શકતી નહોતી.
અભિનેત્રીએ કહ્યું હતું કે તે અને તેના પતિએ ત્રણ મહિના પહેલાં જ આ ઘર વેચી નાખ્યું હતું. હાલમાં તેઓ દુબઈમાં મોટું ઘર શોધી રહ્યાં છે.
તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી દુબઈમાં એક જ્વેલરી શોપના ઉદ્ધઘાટન પ્રસંગે હાજર રહી હતી. ત્યારે જ તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે બુર્જ ખલિફામાં આવેલું તેનું ઘર ઘણું જ નાનું હતું અને હવે તે નવા ઘરની તલાશમાં છે.
નોંધનીય છે કે દુબઈમાં રિઅલ એસ્ટેટના ભાવ સૌથી વધારે હોય છે. બુર્જ ખલિફા વિશ્વનું સૌથી ઉંચું ટાવર છે અને તેમાં 211 માળ આવેલા છે. 1BHK ફ્લેટનો ભાવ 30 કરોડથી શરૂ થાય છે. જ્યારે એક વર્ષનું ભાડું અંદાજિત 37 લાખ રૂપિયા હોય છે.