ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4ની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જોકે ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક્ઝામમાં નાપાસ પણ થયા હશે અથવા તો પોતે કરેલી મહેનતના પ્રમાણમાં તેમનું પરિણામ રહ્યુ નહી હોય જેને કારણે હતાશ પણ થયા હશે.
પરિણામથી વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી અને વધુ મહેનત અને ધીરજ સાથે આગળ વધવાની જરૂર છે કારણ કે આપણે ઇતિહાસ પર નજર નાખીએ તો એવી ઘણી મહાન વ્યક્તિઓ થઇ છે જેઓ પોતાના સ્કૂલના સમયમાં ઠોઠ હતા પણ આગવી સૂઝ અને ધૈર્યથી જીવનમાં સફળતા મેળવી છે. તેઓ શરૂઆતની નિષ્ફળતાથી નિરાશ થયા વિના આગળ વધતા ગયા અને સફળ થયા છે. અહી એવી વ્યક્તિઓની જાણકારી રજૂ કરવામાં આવી છે જેમને શરૂઆતમાં નિષ્ફળતા મળી છે પરંતુ સમય જતા સફળ પણ થયા છે.
બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સ્થાપક
એક સમયે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા બિલ ગેટ્સે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યુ નહોતું. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી ડ્રોપઆઉટ છે. તેમને શરૂઆતમાં પોતાના વ્યવસાયમાં નિષ્ફળતા મળી હતી પરંતુ બાદમાં તેમણે માઇક્રોસોફ્ટ કંપનીને વિશ્વની સૌથી મોટી કંપની બનાવી.
વોલ્ટ ડિઝની, ફિલ્મનિર્માતા
અમેરિકન ફિલ્મ નિર્માતા, કાર્ટુનિસ્ટ વોલ્ટ ડિઝનીના શરૂઆતના દિવસોમાં ન્યૂઝપેપરમાં કામ કરતા હતા. દરમિયાન તેઓ ન્યૂઝપેપરના એડિટર્સના ગુસ્સાનો ભોગ બનતા કારણ તેમનામાં કલ્પનાનો અભાવ હતો. બાદમાં તેમણે અનેક બિઝનેસ શરૂ કર્યા પરંતુ તેમાં નિષ્ફળતા જ હાથ લાગી. પરંતુ હાલમાં તેઓ અમેરિકાના પ્રખ્યાત ફિલ્મમેકર ગણાય છે અને તેમના થીમ પાર્ક વિશ્વમાં ખૂબ જાણીતા છે.
થોમસ આલ્વા એડિશન, પ્રખ્યાત વૈજ્ઞાનિક
જાણીતા વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન અંગે કહેવામાં આવે છે કે તેઓ સ્કૂલના દિવસોમાં માટે બુદ્ધિહિન હતા. શરૂઆતમાં બે નોકરી પરથી હાંકી કઢાયા બાદ કોઇ વિચારી પણ ના શકે કે તેઓ જાણીતા શોધક બનશે. હજાર પ્રયત્નોમાં નિષ્ફળતા મળ્યા બાદ એડિસનને લાઇટબલ્બની શોધમાં સફળતા મળી હતી. આ અંગે તેઓ કહેતા કે હું નિષ્ફળ થયો નથી પરંતુ મે એવા 10 હજાર રસ્તા શોધ્યા છે જેનાથી બબ્લ ના બને.
સ્ટીવન સ્પીલબર્ગ, ફિલ્મનિર્માતા
જૂરાસિક પાર્ક ફિલ્મના નિર્માતા સ્ટીવન સ્પીલબર્ગના શરૂઆતના દિવસો સંઘર્ષપૂર્ણ રહ્યા હતા. સ્કૂલ ઓફ થિયેટર કેલિફોર્નિયાએ તેમને રીજેક્ટ કર્યા હતા. પરંતુ બાદમાં તેમણે જુરાસિક પાર્ક અને ઇન્ડિયાના જોન્સ જેવી ફિલ્મો બનાવી હતી.
રવિન્દ્રનાથ ટાગોર, કવિ
ભારતના પ્રસિદ્ધ કવિ અને નોબેલ પ્રાઇઝ વિજેતા રવિન્દ્રનાથ ટાગોર પણ પોતાના સ્કૂલના દિવસોમાં નિષ્ફળ રહ્યા હતા. તેમના શિક્ષકો તેઓને બેદરકાર વિદ્યાર્થી જ ગણતા હતા. તેઓ સ્કૂલમાં જતા ન હતા અને ઘરે જ શિક્ષણ મેળવ્યુ. આજે તેઓ બંગાળના જાણીતા કવિ અને ફિલ્મ મેકર ગણાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર