આજના યુવાનો ભણવાની સાથે કંઈક બનવાની અને કંઈ નવું બનાવવાની ખેવના ધરાવતા હોય છે અને તે તેમનું આ સપનું પૂર્ણ કરીને પણ બતાવે છે. આમ પોરબંદરમાં રહેતા દિવ્યેશ મોઢવાડિયા, સાગર લોઢારી, દિવ્યેશ વિરપરિયાએ રોડ પર આરામથી ચાલી શકે તેવું ચાર્જિંગથી ચાલતું ઈલેક્ટ્રિક સ્કેટબોર્ડ બનાવ્યું છે.
રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા અને પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા દિવ્યેશ મોઢવાડિયા નામના યુવાનને સ્કેટિંગનો શોખ હોય, આથી તેણે પગેથી ચાલતા સ્કેટબોર્ડનો ઉપયોગ કર્યો છે અને પરંતુ સરળતાપૂર્વક અને ઈલેક્ટ્રિકની મદદથી સ્કેટબોર્ડ ચાલી શકે તેવો વિચાર તેમને આવ્યો હતો અને ત્યારબાદ તેમણે તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા અને તેમને સફળતા મળી હતી.
સ્કેટબોર્ડ બનાવવામાં તેમણે 8 હજાર જેટલો ખર્ચ કર્યો છે અને આમની બધી વસ્તુ પોરબંદરમાંથી જ મેળવી 6 મહિનાની અંદર તૈયાર કર્યું છે અને આ ઈલેક્ટ્રિક સ્કેટબોર્ડ બનાવવામાં તેમણે 24 વોલ્ટબેટરી ઓપરેટ, કન્ટ્રોલ સર્કિટ, 280 વોટ મોટર, પુશ સ્વિચ કન્ટ્રોલ માટે એમ ડ્રાઈવ, પાવર ટ્રાન્સફર જેવી વસ્તુઓ વાપરવામાં આવી છે.આ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્કેટબોર્ડ પ્રતિ કલાક 13 કિ.મી. નું અંતર કાપે છે. ચાર્જિંગ કર્યા પછી 3 કલાક સુધી ચાર્જિંગ ચાલે છે અને આ યુવાનની સિદ્ધિને પોરબંદરવાસીઓએ બિરદાવી હતી.
સ્કેટબોર્ડની મદદથી પોરબંદરથી કુતિયાણા 3 કલાકમાં પહોંચી શકાય
પોરબંદરના યુવાને જે સ્કેટબોર્ડ બનાવ્યું છે તે પ્રતિકલાક 13 કિ.મી. નું અંતર કાપી શકે છે અને તે ચાર્જિંગ કરીને વિદ્યુતપ્રવાહની મદદથી 3 કલાક સુધી ચલાવી શકાય છે. અને પોરબંદરથી કુતિયાણા 3 કલાકે પહોંચી શકાય.
જાપાનથી બેટરી મગાવી અંતે ભારતની બેટરી કામ આવી
ઈલેક્ટ્રિક સ્કેટબોર્ડ બનાવવા માટે દિવ્યેશ મોઢવાડિયા અવનવા અખતરા કરતો હતો. તેમણે જાપાનથી પણ બેટરી મગાવી હતી, પરંતુ તેનાથી સ્કેટબોર્ડ ચલાવી શકાતું ન હતું. અંતે તેમણે ભારતીય બેટરીની મદદથી સ્કેટબોર્ડ બનાવીને સફળતા મેળવી.