વધારે પડતા અહંકાર ને કારણે માનવીનું ધીમે ધીમે પતન થાય છે!

sculptor1

આજે અમે તમારા માટે અહંકારને દર્શાવતી એક મોટીવેશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ. ચાલો વાંચીએ આને…

એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ બનાવતો કે જોનારા બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ બંનેમાંથી પુતળું કયુ છે? અને સાચો માણસ ક્યો છે?

એક નિષ્ણાંત જ્યોતિષીએ આ મૂર્તિકારને કહ્યુ કે ભાઇ આજથી બરાબર 7 માં દિવસે તારુ મૃત્યું છે. હું મારી જ્યોતિષ વિદ્યામાં ક્યારેય ખોટો પડ્યો નથી એટલે તારી પાસે હવે જીવવા માટેના 7 દિવસ બાકી રહ્યા છે. શિલ્પકાર વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું આ 7 દિવસમાં ? એને અચાનક કંઇક સાવ જુદો જ વિચાર આવ્યો. ચાલોને એક કામ કરું આબેહુબ મારા જેવી જ 6 મૂર્તિઓ બનાવું અને આ બધી જ મૂર્તિઓની સાથે 7મો હું સુઇ જઇશ. જ્યારે યમદુતો મારો પ્રાણ લેવા આવશે તો મને ઓળખી જ નહી શકે અને મારો પ્રાણ લીધા વગર પાછા જતા રહેશે.

6 દિવસમાં આ મૂર્તિકારે બિલકુલ પોતાની ઝેરોક્ષ કોપી જેવી જ મૂર્તિઓ બનાવી. એના મૃત્યુંના દિવસે એ આ 6 મૂર્તિઓની સાથે સુઇ ગયો. સમય થયો એટલે યમદુતો એનો પ્રાણ લેવા માટે આવ્યા. જેવા મૂર્તિકારના ઘરમાં પહોંચ્યા કે બધા દુતોની આંખો પહોળી થઇ ગઇ કારણ કે 7 વ્યક્તિઓ એક જ સરખી હતી હવે આમાંથી કોના પ્રાણ લેવા.

straw-ego

યમદુતોએ અંદરો અંદર વાત શરુ કરી. એક દુતે બીજાને કહ્યુ , ” આ શિલ્પકાર મૂર્તિઓ બનાવવામાં કેવો નિષ્ણાંત છે. બધી જ મૂર્તિઓ એક સરખી બનાવી છે જરા પણ ભુલ નહિ. મને લાગે છે કે આ મૂર્તિકાર દુનિયાનો સૌથી સારો શિલ્પકાર છે. ” બીજા દુતે પહેલા દુતને અટકાવતા કહ્યુ , ” ના ભાઇ ના , આ શિલ્પકાર કરતા તો આ ધરતી પર બીજા ઘણા સારા મૂર્તિકારો છે આ મૂર્તિકાર તો એની પાસે નાનુ બચોલિયું કહેવાય”

વાત સાંભળી રહેલો મૂર્તિકાર તુરંત જ ઉભો થયો અને બોલ્યો , ” મારા કરતા વધુ સારો મૂર્તિકાર કોણ છે આ જગતમાં મારે એ જાણવું છે.” બંને દુતો એકબીજા સામે જોઇને હસી પડ્યા અને મૂર્તિકારનો પ્રાણ લઇને જતા રહ્યા.

માણસ ત્યાં સુધી જ જીવી શકે છે જ્યાં સુધી એનો અહંકાર મરેલો હોય જે દિવસે અહંકાર જીવતો થાય ત્યારે માણસ મરી જાય છે.

Comments

comments


9,288 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =