વચનામૃતમ્ ગ્રંથ

વચનામૃતમ્ ગ્રંથ

  • અધ્યાત્મિક પથ પર ન સમજી શકાય તેવા સર્વે પ્રશ્નોના સમાધાનની જડીબુટ્ટી એટલે
  • શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનાં કુલ ૧૨૦૦ જેટલાં વચનામૃતો થયાં હતાં

સમગ્ર માનવજાતના સાધકવૃંદને તિમિરમાંથી પ્રકાશમાં, અસત્માંથી સત્યમાં અને જન્મોજન્માન્તરમાંથી – ભગવદ્ ધામમાં લઈ જવામાં સહાયભૂત થનાર જો કોઈ શિરમોડ ગ્રંથ હોય તો એ વચનામૃતમ્ ગ્રંથ છે. આ અપૂર્વ ગ્રંથરત્નરૃપી પરાવાણી વહાવીને માનવજાત ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાને અપાર અનુગ્રહ કર્યો છે.
વટવૃક્ષ જે રીતે બળબળતા તાપથી પથિકનું રક્ષણ કરે છે અને શાતા આપે છે. એ જ રીતે શ્રીજીમહારાજ અનેકવિધ સંઘર્ષો અને વેદનામાંથી વચનામૃતની વાણી અભીપ્સુઓ માટે એક રક્ષાકવચ રચી આપે છે. વચનામૃતમાં તર્કબધ્ધ રજૂઆત વાચકને મુગ્ધ કરી દે છે. હૈયાં સોંસરવી એ ઉતરી જાય છે. મનુષ્યના મનમાં જે જે શંકા ઉદ્ભવે છે એનું ત્યાં જ સમાધાન થઈ જાય છે. અને એ સમાધાન એટલું સંતોષકારક હોય છે કે, પછી ક્યાંય સંશયને સ્થાન રહેતું નથી. વચનામૃતમાં ઉંડામાં ઊંડી ફિલસૂફી, માયા એનાં આવરણો, એના છેદન. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મના લક્ષણ, શ્રદ્ધાતત્ત્વ, ધર્મ-જ્ઞાાન-વૈરાગ્ય-ભક્તિ આદિ સાધન ચતુષ્ટયનું સ્પષ્ટ સ્પષ્ટીકરણ છે. થોડું ભણેલાને પણ સમજાય તેવા શબ્દો અને સરળ વાક્યરચનાવાળો આ વચનામૃત ગ્રંથ એ ગુજરાતી ભાષાનું એક રત્ન છે.

આ ગ્રંથમાં મુમુક્ષુની યોગ્યતા અને પાત્રતા અનુસાર કામ, ક્રોધાદિ અંતઃશત્રુના નિવારણના સુંદર, સરળ અને સચોટ ઉપાયો પણ બતાવ્યા છે. મુમુક્ષુને અધ્યાત્મ પથ પર આવવા તમામ પ્રશ્નોના સમાધાનની જડીબુટ્ટી એટલે વચનામૃતમ્.
આજથી આશરે ૧૯૫ વર્ષ પૂર્વે એટલે કે, સંવત ૧૮૭૬ માગશર સુદ-ચોથ. તા. ૨૦-૧૧-૧૮૧૯ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વમુખમાંથી ‘વચનામૃત’ રૃપી વાણી અવતરી. જેમાં દૃષ્ટાંતસભર સચોટ શૈલી અને ઉપનિષદિક પ્રશ્નોત્તર શૈલી ખૂબજ આબેહુબ રૃપે વર્ણવામાં આવી છે.

પ્રીતે કોને કહેવાય?

જેને પોતાના પ્રીતમ જે ભગવાને તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રીતમની મરજીને લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. શ્રી કૃષ્ણ ભગવાન ત્રણ ગાઉ દૂર મથુરામાં જ હતા. પરંતુ ગોપીઓ તેમની મરજી લોપીને ક્યારેય દર્શન માટે પણ ગઈ નહીં. તેમ જે પ્રેમી ભક્ત હોય તે સદાય ભગવાનની મરજી પરાયણ જ વર્તે. (કારીયાણીનું ૧૧મું વચનામૃત)
એકાંતિક ભક્ત કોને કહેવાય?

જેવા સંગ તેવો રંગ

આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય, અને તે જગ્યા આ સુંદર સાત માળની હવેલી હોય, ને તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડયાં હોય, ને સુંદર બિછાનાં કર્યા હોય તેમાં નાના પ્રકારનાં આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય, અને દારૃના શીશા લઈને પરસ્પર પાતા હોય, ને કેટલાક તો દારૃના શીશા ભરેલા પડયા હોય, ને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય, ને નાના પ્રકારના વાજિંત્ર વાજતાં હોય, ને તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે, અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય ને ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, ભક્તિ સહ વર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે.

માયાનું સ્વરૃપ શું છે?

ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. અને આ જીવને પોતાને જે દેહ ને દેહનાં સગાં સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશે તો જેવું પંચવિષયમાં જીવને અતિશે હેત છે તે થકી પણ વિશેષે હેત છે. માટે જેને દેહ ને દેહનાં સગાં સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટયો એ પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે.


ધીરજ રહેવાનો ઉપાય 

કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે? હું દેહ નહિં, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું, એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ ને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,289 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>