સ્ત્રીઓની ઉંમર જેમ-જેમ વધે છે તેમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને ઉંમરને કારણે વધતી કરચલીઓને અટકાવી પણ નથી શકાતી. એટલે સ્ત્રીઓ ચહેરાને કરચલીમુક્ત કરવા વિવિધ ક્રીમ, જેલ, લોશનનો આડેધડ ઉપયોગ કરે છે. જે ઘણી વાર ત્વચાને નુકસાન કરે છે. જોકે આ બધી ખર્ચાળ વસ્તુઓને બદલે તમે યોગ સાથે એક્સરસાઈઝ કરવાથી આ સમસ્યાથી બચી શકો છો.
કસરતમાં તમે પેટ, કમર, નિતંબ, એબ્સ, બાયસેપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, પરંતુ આ બધામાં ચહેરો ભુલાઈ જતો હોય છે. પણ સ્ટ્રેસભરી લાઇફમાં તમે લાફિંગ થેરપીને પણ વિસરી જાવ છો. બાકી હસવાથી ચહેરાના મોટાભાગના સ્નાયુઓને કસરત મળી રહે છે. જેથી આજે અમે તમને ચહેરાની કરચલીઓને દૂર કરવા કેટલીક ખાસ સરળ કસરતો બતાવી રહ્યા છે જેને તમે રોજ કરી શકો છો. મજાની વાત એ છે કે સ્ત્રીઓ પોતાનું કામ કરતાં કરતાં પણ આ યોગ એટલે કે કસરત સરળતાથી કરી શકે છે.
ફુગ્ગો ફુલાવવો
જો તમે શાંતિથી બેસવા માંગતા હો તો પદ્માસનમાં બેસી આંખો બંધ કરીને શાંત ચિત્તે બેસવું. મોંમાં હવા ભરીને ગાલને ફુગ્ગાની જેમ ફુલાવવા. ગાલના સ્નાયુઓને અંદરથી એટલું પ્રેશર આપો કે બહારની ત્વચા ખેંચાવા લાગે, શરૂઆતમાં હળવેથી જ આ એક્સરસાઇઝ કરવી. મોંમાં ભરેલી હવાને ટેનિસના બોલને રેકેટથી સામસામે મારતા હો તેમ એક બાજુથી બીજી બાજુ અથડાવો. આ ક્રિયા તમે પાંચેક વાર કરી શકો છો. આ ક્રિયા તમે તમારું કામ કરતાં કરતાં પણ કરી શકો છો. આ કસરત માટે તમારે દિવસમાં માત્ર 5 જ મિનિટ કાઢવાની જરૂર પડશે અને તમે તમારા સમય પ્રમાણે સરળતાથી કરી પણ શકો છો.
પપેટ ફેસ
નાક તથા આંખની નીચે આછી આછી કરચલી થઈ જતી હોય છે. આમ ન થાય તે માટે બે હાથ વડે ગાલને પકડી તેને ઊંચા-નીચા કરો. નાક તથા હોઠની વચ્ચેનો જે ભાગ છે તેને આંગળીઓથી ખેંચીને સહેજ ઊંચો કરવાનો પ્રયત્ન કરો. ત્યાં થોડું દબાણ આપો. આવું ચારથી પાંચ વાર કરવું સારું રહેશે. આ પ્રકારના યોગ બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિ સરળતાથી કરી શકે છે. ઓછા સમયમાં થતી આ એક્સરસાઈઝ ખૂબ ફાયદાકાર બની રહે છે. આનાથી ચહેરા પરની આછી કરચલીઓની શરૂઆત થતી નથી અને ચહેરો હમેશા કરચલીમુક્ત રહે છે.
સિંહાકૃતિ
યોગશાસ્ત્રમાં આ મુદ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિંહાકૃતિ મુદ્રાથી ચહેરાના મોટા ભાગના સ્નાયુઓ તણાય છે. કપાળ, આંખ, હડપચીને સ્ટ્રેચ કરી મોં ખોલો અને એ વખતે જીભ પણ બહાર કાઢવી. ચારથી પાંચ સેકન્ડ આ સ્થિતિમાં રહી પછી ચહેરાને સામાન્ય પરિસ્થિતિમાં લાવવા માટે આંખ, હોઠ, મોંને જબરદસ્ત રીતે ભીડી દીધા હોય તેમ જોરથી સંકોરી દેવા. આમ ત્રણ વાર કરવાથી ચહેરાના બધા સ્નાયુઓને યોગ્ય કસરત મળી રહે છે.
ગાલને અંદર ખેંચવા
ગાલને અંદરથી દબાણ આપ્યા બાદ વારો છે અંદરથી દબાણ આપીને કસરત કરવાનો. તેના માટે બે બાજુનાં ગલોફાંને મોંની અંદરની તરફ ખેંચવા. તમે સ્ટ્રો વડે જ્યૂસ સીપ કરતા હો અને જેવું મોં થાય છે તેના કરતાં વધારે સંકોચાઇને અંદર જવું જોઈએ. એ રીતે ચારથી પાંચ સેકન્ડ મોં રાખીને પછી સામાન્ય સ્થિતિમાં આવી જવું. આ પ્રકારના યોગથી ત્વચાને ખૂબ ફાયદો થાય છે. આનાથી ઢળેલી ત્વચા ટાઈટ બને છે અને કરચલીઓ પડતી નથી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર