ફાસ્ટ ફૂડ ચેન મેક્ડોનાલ્ડ્સ બ્રિટનમાં તેની ૫૦ રેસ્ટોરાંમાં ૬૦૦ ચાર્જિંગ હોટસ્પોટ્સ ઈન્સ્ટોલ કરવાની છે. જેથી તેના જે ગ્રાહકો પાસે તેને અનુરૂપ સ્માર્ટફોન કે ટેબ્લેટ હશે તેઓ કાઉન્ટર પર બેસીને તેની બેટરી ઓટોમેટિકલી ચાર્જ કરી શકશે. વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી કંપની એર ચાર્જ ચાર્જિંગ પેડ્સ પૂરા પાડશે, જે Qi સ્ટાન્ડર્ડ પર ઓપરેટ થાય છે. કંપનીએ લાસ વિગાસમાં આયોજિત ઈન્ટરનેશનલ CESમાં જ આની જાહેરાત કરી હતી. આ ટેક્નોલોજીની પહેલા બ્રિટનની પસંદગીની રેસ્ટોરાંમાં અજમાયશો કરવામાં આવી હતી, તે સફળ રહેતા વધારે રેસ્ટોરાંમાં તે શરૂ કરાશે.
ચાર્જિંગ પ્લેટ્સ હાલ વેચાણમાં છે એવા ૭૦ જુદા જુદા સ્માર્ટફોન હેન્ડસેટ્સને સપોર્ટ કરે છે. દાખલા તરીકે, નોકિયા લુમિયાના તમામ હેન્ડસેટ્સ Qi વાયરલેસ ચાર્જિંગ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે.
સ્ટારબક્સ પણ ટેક્નોલોજીના ઉપયોગને વધારવા માગે છે. તે સમગ્ર અમેરિકામાં તેની રેસ્ટોરાંઓમાં વાયરલેસ ચાર્જિંગ પોઈન્ટ્સ શરૂ કરનાર છે. સ્ટારબક્સે Qi સ્ટાન્ડર્ડને બદલે પાવર મેટર્સ અલાયન્સ સ્ટાન્ડર્ડને અપનાવવાનું નક્કી કર્યું છે. આમ, જ્યાં સુધી સ્ટાન્ડર્ડમાં સમાનતા નહીં આવે કે ચાર્જિંગ પ્લેટ્સ ઓટોમેટિકલી તમામ પ્રકારના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ નહીં કરે ત્યાં સુધી ટેક્નોલોજીમાં ભેદભાવ ચાલુ રહેશે.
આ મહિના સુધી ત્રણ કંપની વચ્ચે વાયરલેસ ચાર્જિંગ સ્ટાન્ડર્ડ્સમાં હરીફાઈ ચાલે છે. તે બધી ગ્લોબલ સ્ટાન્ડર્ડ બનવા પ્રયત્નશીલ છે. અંતે પાવર મેટર્સ અલાયન્સ, અલાયન્સ ફોન વાયરલેસ પાવર સાથે મર્જ થવા સંમત થઈ છે. A4WPના સપોર્ટર્સમાં ડેલ અને માઈક્રોસોફ્ટનો સમાવેશ થાય છે જ્યારે પાવર મેટર્સ અલાયન્સ પાસે ગૂગલ છે.