મૃત્યુ આવે એ પહેલા જ સારા કામો કરીને ભગવાનને ઈમ્પ્રેસ કરો…!!

Fotolia_58457875_Subscription_Monthly_M

એક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. વેન ડે મેચ હતી. ઓપનિંગ બેટ્સમેન રમવા માટે આવ્યા ત્યારે આખા મેદાનમાં ઉત્સાહના ઘોડાપુર હતા કારણકે ઓપનિંગ બેટ્સમેન પાસે બધાને ખુબ સારી રમતની મોટી આશા હતી. બધાને એવું હતું કે આજે તો રનના ઢગલા થઇ જશે અને રમત જોવાની પણ મજા આવી જશે.

ઓપનિંગ બેટ્સમેનોએ અપેક્ષાથી ઉલટું સાવ ધીમે ધીમે રમવાનું ચાલુ કર્યું. માત્ર શરૂઆત જ ધીમી કરી એટલું નહિ આગળ પણ આ જ સિલસિલો ચાલુ રહ્યો. યુવાનો તો ઠીક મેદાનમાં રહેલા વૃધ્ધો પણ હવે તો કંટાળ્યા. બધા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આ આઉટ થઇ જાય તો સારું.

બેટ્સમેનો રન કરવાને બદલે માત્ર પિચ પર એમનું સ્થાન જળવાઈ રહે એ બાબત પર વધુ ધ્યાન આપતા હતા. 50 ઓવર પૂરી થઈ ત્યાં સુધી એકપણ વિકેટ નાં પડી. બંને બેટ્સમેન હરખાતા હરખાતા પેવેલીયનમાં આવ્યા. એની ટીમના બાકીના બધા સભ્યો અને બીજા કેટલાક લોકો એના પર તૂટી જ પડ્યા. બેટ્સમેનોએ કહ્યું, “તમે બધા કેમ રાડારાડી કરો છો ? તમારે ગૌરવ લેવું જોઈએ કે અમે છેક અંત સુધી ટકી શક્યા. અમને અભિનંદન આપવાને બદલે ઉલટાના ખિજાવ છો કેમ ? મેદાનમાં પણ લોકો અમારા પર બોટલ ફેંકતા હતા અને અમને ગાળો દેતા હતા. તમે બધા આવું કેમ કરો છો ?”

કોઈએ એમને જવાબ આપતા કહ્યું, “ડોબાઓ, તમે કામ જ એવું કર્યું છે. ગધેડાઓ તમને પિચ પર ટકી રહેવા માટે નહિ, રન કરવા માટે મોકલ્યા હતા. બીજાને મોકલવાના બદલે તમને મોકલ્યા અને તમે છક્કા- ચોક્કા માર્યા વગર એમ જ ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા.”

મિત્રો, ભગવાને પણ આપણને આ જગતમાં સદ્કાર્યો રૂપી રન કરવા માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે મોકલ્યા છે (લાખો શુક્રકોષોમાંથી આપણો જ અંડકોષ સાથે મેળાપ થયો મતલબ કે બાકીના કરતા આપણને વધુ મહત્વ અપાયું). આપણે માત્ર એમ જ પિચ પર ઉભા ઉભા દિવસો પસાર કરીએ તો આપણને મોકલનાર ભગવાનને કેવો ગુસ્સો આવતો હશે? વિકેટ પડી જાય એ પહેલા સારા કાર્યોના છક્કા અને ચોક્કાનો વરસાદ વરસાવી દઈએ જેથી ભગવાન પાસે અપમાનિત થવાનો વારો ના આવે.

Comments

comments


9,576 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =